'અહંકાર અને પાકિસ્તાનના પૈસાની લાલચમાં ભારત સાથે સંબંધ બગાડ્યાં..', ટ્રમ્પ સામે પૂર્વ રાજદૂતના પ્રહાર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Former US Ambassador Rahm Emanuel Slams Trump: જાપાનમાં અમેરિકાના પૂર્વ રાજદૂત રહેમ ઇમેન્યુઅલે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પર આકરા પ્રહારો કર્યા છે. ઇમેન્યુઅલનો આરોપ છે કે ટ્રમ્પે 'અહંકાર અને પાકિસ્તાન પાસેથી મળેલા થોડાક પૈસાના લાલચ'ને કારણે ભારત સાથે અમેરિકાના 40 વર્ષના વ્યૂહાત્મક સંબંધોનો અંત લાવી દીધો. રહેમ ઇમેન્યુઅલે ભારપૂર્વક જણાવ્યું કે આ માત્ર રાજદ્વારી ભૂલ જ નથી, પણ એક એવી મોટી વ્યૂહાત્મક ભૂલ છે, જેનો લાભ ચીનને થયો છે.
ટ્રમ્પના અંગત સ્વાર્થ અને અહંકારે ભારત-અમેરિકાના સંબંધોને નુકસાન પહોંચાડ્યું
રહેમ ઇમેન્યુઅલના કહેવા મુજબ, ટ્રમ્પે પોતાના અંગત હિત અને અહંકારને કારણે ભારત-અમેરિકાના સંબંધોને નુકસાન પહોંચાડ્યું. તેમણે સ્પષ્ટપણે કહ્યું કે, ટ્રમ્પે 'થોડા પૈસા અને અંગત સ્વાર્થ માટે ભારત સાથે દાયકાઓથી સ્થાપિત થયેલી વ્યૂહાત્મક ભાગીદારીને જોખમમાં મૂકી દીધી.'
ટ્રમ્પની ખોટી નીતિઓએ ભારત સાથેની 40 વર્ષની વ્યૂહાત્મક યોજના નષ્ટ કરી
ઇમેન્યુઅલે વધુમાં જણાવ્યું કે, 'ટ્રમ્પે ભારત સાથેના સંબંધોને નષ્ટ કરી દીધા, કારણ કે તેમનો અહંકાર તેમાં આડો આવ્યો અને પાકિસ્તાન તરફથી તેમના પુત્રને પૈસા આપવામાં આવ્યા હતા.'
તેમણે કહ્યું કે, 'ટ્રમ્પ વહીવટીતંત્રની ખોટી નીતિઓ અને અંગત લાભની રાજનીતિએ અમેરિકા અને ભારત વચ્ચેની 40 વર્ષ જૂની વ્યૂહાત્મક યોજનાને બરબાદ કરી દીધી. તેમણે ઉમેર્યું કે, 'ભારતના સંબંધમાં જે વ્યૂહાત્મક વ્યવસ્થાપન તૈયાર કરવામાં આવ્યું હતું, તેને અમારી જ સરકારે સંપૂર્ણપણે નષ્ટ કરી દીધું. ઇમેન્યુઅલના મતે, અમારા રાષ્ટ્રપતિએ પોતાના અહંકાર અને પાકિસ્તાન પાસેથી મળેલા થોડાક પૈસાના લાલચને કારણે 40 વર્ષની મહેનત પર પાણી ફેરવી દીધું. આ એક મોટી વ્યૂહાત્મક ભૂલ છે, જેનો લાભ ચીન લઈ રહ્યું છે.'
ટ્રમ્પના પગલાથી એશિયામાં ચીનને સરસાઈ
ઇમેન્યુઅલે આરોપ લગાવ્યો કે પાકિસ્તાને માત્ર ટ્રમ્પના પુત્રને જ નહીં, પણ વેપારી વિટકોફના પુત્રને પણ નાણાં આપ્યા હતા. તેમણે જણાવ્યું કે આ ઘટના અમેરિકાના લાંબા ગાળાના ઇન્ડો-પેસિફિક હિતો માટે 'ખતરનાક વળાંક' સાબિત થઈ છે. ટ્રમ્પના આ પગલાથી અમેરિકાની વિશ્વસનીયતાને નુકસાન પહોંચ્યું છે, જેના પરિણામે એશિયામાં ચીનને ફાયદો મેળવવાની તક મળી છે. ચીને અમેરિકાની ભારત સંબંધી કૂટનીતિક નિષ્ફળતાનો લાભ ઉઠાવીને સમગ્ર પરિસ્થિતિને પોતાના પક્ષમાં વાળી લીધી.
આ પણ વાંચો: ટ્રમ્પનું નવું ગતકડું, ચાઈનીઝ એરલાઈન્સ સામે પ્રતિબંધનો પ્રસ્તાવ, જાણો શું મૂક્યો આરોપ
રહેમ ઇમેન્યુઅલ આ પહેલા શિકાગોના મેયર રહી ચૂક્યા છે અને બરાક ઓબામાના ચીફ ઓફ સ્ટાફ પણ રહી ચૂક્યા છે. ઇમેન્યુઅલની આ ટિપ્પણીએ અમેરિકન રાજકીય ગલિયારાઓમાં હલચલ મચાવી દીધી છે.








