Get The App

જાપાનના પૂર્વ PM શિંઝો આબે પર હુમલો, છાતીમાં વાગી ગોળી

Updated: Jul 8th, 2022

GS TEAM

Google News
Google News
જાપાનના પૂર્વ PM શિંઝો આબે પર હુમલો, છાતીમાં વાગી ગોળી 1 - image

- તેઓ જાપાનમાં સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેનારા નેતા છે

નવી દિલ્હી, તા. 08 જુલાઈ 2022, શુક્રવાર

જાપાનના પૂર્વ વડાપ્રધાન શિંઝો આબે પર હુમલાની ઘટના બની છે. શિંઝો આબેને છાતીના ભાગે ગોળી મારવામાં આવી છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગોળી વાગવાના કારણે ખૂબ જ લોહી વહી ગયું હોવાથી શિંઝો આબેની સ્થિતિ ખૂબ જ ગંભીર છે. હુમલાની આ ઘટના શુક્રવારે સ્થાનિક સમય પ્રમાણે સવારે 11:30 કલાકે બની હતી. જાપાનીઝ અધિકારીઓના કહેવા પ્રમાણે શિંઝો આબેને એરલિફ્ટ કરવામાં આવ્યા તે સમયે તેમના હૃદયના ધબકારા બંધ હતા અને તેમના શ્વાસ પણ નહોતા ચાલી રહ્યા. 

જાપાનના પૂર્વ PM શિંઝો આબે પર હુમલો, છાતીમાં વાગી ગોળી 2 - image

શિંઝો આબે નારા શહેરમાં ભાષણ આપી રહ્યા હતા તે સમયે આ હુમલો થયો હતો. ગોળી વાગવાના કારણે તેઓ અચાનક જ નીચે પડી ગયા હતા અને તેમના શરીરમાંથી લોહી વહેવા લાગ્યું હતું. તેઓ અચાનક નીચે પડ્યા ત્યારે ત્યાં ઉપસ્થિત લોકો કશું પણ સમજી નહોતા શક્યા અને ચોંકી ઉઠ્યા હતા પરંતુ કેટલાક લોકોએ 2 વખત ગોળીબારનો અવાજ સાંભળ્યો હતો. પોલીસે જે વ્યક્તિની ધરપકડ કરી છે તે વ્યક્તિ 41 વર્ષનો છે. નારા શહેરના રહેવાસી તેત્સુયા યામાગામી પર હુમલો કરવાનો આરોપ છે અને તેની પુછપરછ ચાલી રહી છે.  

જાપાનના પૂર્વ PM શિંઝો આબે પર હુમલો, છાતીમાં વાગી ગોળી 3 - image

રવિવારે ઉચ્ચ સદનની ચૂંટણી

જાપાનમાં રવિવારના રોજ ઉચ્ચ સદનની ચૂંટણી યોજાવા જઈ રહી છે અને શિંઝો આબે તેના માટે કેમ્પેઈનિંગ કરી રહ્યા હતા તે સમયે જ આ પ્રકારે હુમલો થયો હતો. આ હુમલાના કેટલાક વીડિયો પણ સામે આવ્યા છે જેમાં ઘટના સ્થળે ભાગદોડ જોવા મળી રહી છે. 

શિંઝો આબેએ વર્ષ 2000માં વડાપ્રધાન પદેથી રાજીનામુ આપ્યું હતું. ઘણાં લાંબા સમયથી બીમાર હોવાના કારણે તથા પોતાની તબિયત સારી ન રહેતી હોવાથી તેમણે પદ છોડી દીધું હતું. તેઓ જાપાનમાં સૌથી લાંબા સમય સુધી વડાપ્રધાન રહેનારા નેતા છે. 

તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ખાસ મિત્ર છે અને અનેક પ્રસંગે બંને નેતાઓએ એકબીજાને યાદ કર્યા છે. ભારતે ગત વર્ષે જ શિંઝો આબેને પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા હતા.