દુનિયાના સૂકા પ્રદેશો પૈકીના એક ખૈબર પખ્તુનવામાં પૂર પ્રકોપ : હજ્જારો એકરનો પાક ધોવાયો, હજ્જારો પશુઓ તણાયા
- માત્ર 20 ટકા જ રાહત છાવણીઓ છે : આરોગ્ય સેવા 39 ટકાને જ મળે છે
- અનાજ અને દૂધની સતત ખેંચ અનુભવતા આ પ્રદેશની સ્થિતિ કરૂણ છે. તેવામાં પણ ભારે વરસાદે નદીઓ છલકાવી દેતા સ્થિતિ ગંભીર બનાવી દીધી છે
પેશાવર : સમગ્ર ખૈબર-પખ્તુનવા પ્રાંતમાં છેલ્લા કેટલાએ દિવસોથી ભારેથી અતિ ભારે વરસાદ પડે છે. વિશ્વના સૂકા પ્રદેશો પૈકીના એક આ પર્વતીય વિસ્તારમાં ચાલી રહેલા અનરાધાર વર્ષાને લીધે નદીઓમાં પૂર આવ્યા છે. પરિણામે ૩૨૩૩ હેકટર જેટલી ખેતી લાયક ભૂમિ જ ધોવાઈ ગઈ છે. સાથે ઊભો પાક નાશ પામ્યો છે. આ પ્રચંડ પૂરોને લીધે ૬૨૦૩ જેટલા દૂધાળા ઢોર તણાઈ જતાં દૂધની પણ ભારે તંગી ઊભી થઈ છે.
આ માહિતી આપતાં યુનાઇટેડ નેશન્સ ઓફીસ ફોર ધી કો-ઓર્ડીનેશન ઓફ હ્યુમેનેટેરિયન અફેર્સ (યુએન-ઓસીએચએ) જણાવે છે કે, આ વિસ્તારમાં તત્કાળ રાહત પહોંચાડવાવી જરૂર છે.
ધી ડૉનમાં જણાવ્યા પ્રમાણે રેપિડ-નીડ એસેસમેન્ટ પ્રમાણે સૌથી વધુ નુકસાન બુન્નેર જિલ્લામાં થયું છે. જયાં ૧૧૧૫ હેકટર જમીન ધોવાઈ ગઈ છે. સ્વાતમાં ૮૫૩, શાંગવામાં ૫૫૯ અને સ્વાબીમાં ૩૩૦ હેકટર જમીન ધોવાઈ ગઈ છે.
અહેવાલ વધુમાં જણાવે છે કે ૮૦ ટકા લોકોએ તેમનો પાક ધોવાઈ ગયો હોવાની ફરિયાદ કરી છે. બરૂગ્રામ, માન્શરોમાં તબાહી મચી ગઈ છે. જયારે દીર, તોરગઢમાં પ્રમાણમાં ઓછુ નુકસાન થયું છે.
ખૈબર પખ્તુનવાના ૧૦ જિલ્લાઓમાં તો પૂરોએ ખાનાખરાબી મચાવી દીધી છે. રાહત છાવણીઓમાં પણ પૂરનાં પાણી ધસી ગયા છે.
પેશાવરની માર્કેટ હજી સલામત રહી છે. જો કે આટલી તબાહીમાં પણ શહબાઝ સરકાર તરફથી પૂરી મદદ નહીં મળતા લોકોમાં આક્રોશ છે. માત્ર યુએનની મદદનો જ આધાર છે.