ચીનમાં આફતનો દોર, ભારે વરસાદ બાદ પૂરથી 17ના મોત, 33 ગુમ, ચિકનગુનિયાએ પણ ટેન્શન વધાર્યું
China Flood News : છેલ્લાં કેટલાક દાયકાઓમાં થયેલા સૌથી ભારે વરસાદને લીધે ઉત્તર-પશ્ચિમ ચીનમાં ભારે તબાહી મચી ગઈ છે. ઉત્તર-પશ્ચિમના ગાન્સુ પ્રાંતમાં ઓછામાં ઓછા 17ના મૃત્યુ થયા છે, જ્યારે 33 હજી લાપત્તા છે. પ્રમુખ શી-જીનપિંગે તત્કાળ રાહત ટુકડીઓ રવાના કરાવી છે. ઓગષ્ટ મહિનામાં ચીનમાં અનરાધાર વર્ષા ચાલુ રહી છે. આ વર્ષાથી યુઝોન્ગ કાઉન્ટીમાં અચાનક જ ઘોડાપૂર આવતાં લેન્ઝાઉ શહેર પાસેના પર્વતીય પ્રદેશમાં ભૂ-સ્ખલન થયું છે.
અત્યંત વરસાદને લીધે ઝિંગલોંગ પર્વતીય વિસ્તારમાં ટેલિફોન તથા વીજળી સેવાઓ ખોરવાઈ ગઈ છે. તે વિસ્તારમાં ૪ ગામો બહારની દુનિયાથી કપાઈ ગયા છે. 4000 થી વધુ લોકો જળબંબાકાર જેવા વિસ્તારમાં ફસાઈ ગયા છે.
આ માહિતી આપતા એસોસિએટેડ પ્રેસ જણાવે છે કે, પરિસ્થિતિ એટલી તંગ બની ગઈ છે કે ત્યાં રાહત પહોંચાડવી પણ ખૂબ મુશ્કેલ બની છે. દક્ષિણ ગુઆંગડોંગ પ્રાંતમાં બચાવ ટુકડીઓ ડેબ્રિસ ખસેડવામાં કાર્યરત થઈ ગઈ છે.
અત્યંત ભારે વરસાદને લીધે રસ્તાઓ ધોવાઈ ગયા છે, અનેક વૃક્ષો ધરાશાયી થઈ ગયા છે. અન્ડર-ગ્રાઉન્ડ કેબલ્સ બહાર આવી ગયા છે.
આ સાથે રોગચાળો ફાટી નીકળવાની પણ ભીતિ ઊભી થઈ છે. ચિકનગુનિયા અને ડેન્ગ્યુના મળી હજી સુધીમાં 7000 કેસ નોંધાયા છે.