Get The App

અમેરિકાના ટેક્સાસમાં 10 ઇંચ વરસાદ ખાબકતાં ભારે પૂર, 13નાં મોત, 20થી વધુ છોકરી ગુમ

Updated: Jul 5th, 2025

GS TEAM

Google News
Google News
અમેરિકાના ટેક્સાસમાં 10 ઇંચ વરસાદ ખાબકતાં ભારે પૂર, 13નાં મોત, 20થી વધુ છોકરી ગુમ 1 - image

AI Image 



USA Flood News : અમેરિકાના ટેક્સાસ રાજ્યના હિલ કન્ટ્રી વિસ્તારમાં રાતોરાત ભારે વરસાદે તબાહી મચાવી છે. અહેવાલો અનુસાર, માત્ર થોડા કલાકોમાં જ એટલો વરસાદ પડ્યો જેટલો સામાન્ય રીતે મહિનાઓમાં પડતો નથી, જેના કારણે ગુઆડાલુપ નદીમાં પૂર આવ્યું. નદીમાં પૂરને કારણે ઓછામાં ઓછા 13 લોકોએ જીવ ગુમાવ્યા અને ગર્લ્સ સમર કેમ્પમાં આવેલી 20 થી વધુ છોકરીઓ ગુમ થઈ ગઈ. બચાવ ટીમ હેલિકોપ્ટર અને બોટ દ્વારા જોરદાર પ્રવાહમાં ફસાયેલા લોકોને બચાવવાનો પ્રયાસ કરી રહી છે.



રાત્રે 10 ઇંચથી વધુ વરસાદ પડ્યો

કેરવિલે કાઉન્ટીમાં રાત્રે 10 ઇંચથી વધુ વરસાદ ખાબકી જતા જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી, જેના કારણે નદીનું પાણીનું સ્તર અચાનક વધી ગયું. રાષ્ટ્રીય હવામાન વિભાગના જણાવ્યાનુસાર, હન્ટ નજીક ગુઆડાલુપ નદીનું પાણીનું સ્તર માત્ર 2 કલાકમાં 22 ફૂટ સુધી વધી ગયું. હવામાનશાસ્ત્રી બોબ ફોગાર્ટીએ કહ્યું, 'પાણી એટલું ઝડપથી વધ્યું કે લોકોને સમજવાની તક જ મળી નહીં.' કાઉન્ટી જજ રોબ કેલીએ કહ્યું કે ઘણા લોકોના મૃતદેહ મળી ગયા છે, પરંતુ તેમની ઓળખ હજુ સુધી થઈ નથી. તેમણે કહ્યું, 'અમારા પ્રયાસો ચાલુ છે, પરંતુ પરિસ્થિતિ ખૂબ જ મુશ્કેલ છે.' 



સમર કેમ્પમાં ગયેલી ઘણી છોકરીઓ ગુમ 

હંટમાં સ્થિત કેમ્પ મિસ્ટિક નામનો એક ખાનગી ખ્રિસ્તી છોકરીઓનો સમર કેમ્પ આ પૂરની ઝપેટમાં આવ્યો હતો. લેફ્ટનન્ટ ગવર્નર ડેન પેટ્રિકે જણાવ્યું હતું કે કેમ્પની 23 છોકરીઓ હજુ પણ ગુમ છે. તેમણે ટેક્સાસના લોકોને છોકરીઓની સલામતી માટે પ્રાર્થના કરવા અપીલ કરી છે.  કેમ્પ મિસ્ટિકે માતાપિતાને એક ઇમેઇલ મોકલીને જણાવ્યું હતું કે જે બાળકો મળી આવ્યા છે તેમના પરિવારોને જાણ કરવામાં આવી છે. જો કે, કેમ્પમાં વીજળી, વાઇ-ફાઇ અને પાણી પુરવઠો ખોરવાઈ ગયો છે, અને ત્યાં જતો રસ્તો પણ ધોવાઈ ગયો છે. અન્ય બે કેમ્પ, કેમ્પ વાલ્ડેમાર અને કેમ્પ લા જુન્ટાએ ઇન્સ્ટાગ્રામ પર જણાવ્યું હતું કે તેમના બધા બાળકો અને સ્ટાફ સુરક્ષિત છે. 



Tags :