World

ઇમ્પ્રુવ્ડાઇઝ એક્સપ્લોઝિવ ડીવાઇસ (આઇઇડી)થી બલુચિસ્તાનમાં પાંચ સૈનિકોની હત્યા કરાઈ

By GS TEAM
15 Sep 20252 mins read
ઇમ્પ્રુવ્ડાઇઝ એક્સપ્લોઝિવ ડીવાઇસ (આઇઇડી)થી બલુચિસ્તાનમાં પાંચ સૈનિકોની હત્યા કરાઈ

- બલુચિસ્તાનમાં વ્યાપક સંઘર્ષ ચાલે છે, અશાંતિ ફેલાઈ રહી છે

- બલુચિસ્તાનના માંડ જિલ્લાના શાંદ વિસ્તારમાં પાકિસ્તાની સિક્યુરિટી ફોર્સનું વાહન જતું હતું ત્યાં આ આઇઇડી વિસ્ફોટ થતાં વાહન ખતમ થઈ ગયું : 5 સૈનિકો માર્યા ગયા

માંડ : બલુચિસ્તાનના માંડ જિલ્લાના શાંદ વિસ્તારમાં આજે સોમવારે પાકિસ્તાની સૈનિકોને લઈ જતા એક વાહન ઉપર ઇમ્પ્રુવાઇઝ્ડ એક્સપ્લોઝિવ ડીવાઇસ (આઇઇડી)નો વિસ્ફોટ થતાં વાહન સળગી ઉઠયું હતું અને વાહનમાં રહેલા પાંચે- પાંચ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા. આ વાહન આ વિસ્તારમાં ક્રમાનુસાર 'રાઉન્ડ' લગાવી રહ્યું હતું ત્યારે એની ઉપર આઇઇડી ફેંકાતા તે 'વાન'નો ખુર્દો બોલી ગયો હતો અને એમાં રહેલા પાંચેપાંચ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા. માર્યા ગયેલાઓમાં કેપ્ટન વકાર કાકર, નાયક ઇસ્મત લાન્સ, નાયક ખાન મહમ્મદ અને સીપાહી ઝહૂર સમાવિષ્ટ છે.

માંડમાં થયેલો આ હુમલો પાકિસ્તાનમાં થઈ રહેલા શ્રેણીબદ્ધ હુમલાઓ પૈકીનો એક હુમલો છે. ૬ સપ્ટેમ્બરે ખૈબર પખ્તુનવામાં એક ક્રિકેટ મેચ દરમિયાન થયેલા હુમલામાં એક વ્યક્તિનું મોત થયું હતું અનેકને ઇજાઓ થઈ હતી. આ માહિતી આપતા પાકિસ્તાનનું વર્તમાનપત્ર 'ડૉન' જણાવે છ કે, આ હુમલો બરોબર નિશાન લઈને જ કરવામાં આવ્યો હતો, તેમ સ્પષ્ટ લાગે છે. ઘાયલોને હૉસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે. જો કે, કોઈ ગુ્રપે હજી તે હુમલો કર્યો છે તેમ કોઈ જૂથે કહ્યું નથી.

આ પહેલા એક સપ્તાહે તે પ્રાંતમાં જ 'ક્વોડ કોપ્ટર' દ્વારા કરાયેલા હુમલામાં એક પોલીસ અને એક નાગરિકને ઇજાઓ થઈ હતી. આ હુમલો ત્રાસવાદ વિરોધી પોલીસે આદરેલી ઝુંબેશના વળતા જવાબરૂપે હતો. ગયા મહિને પાકિસ્તાનના સ્વાતંત્ર્ય દિને જ ઠેરઠેર હુમલો કરવામાં આવ્યો હતો. ખૈબર પખ્તુનવામાં કુલ ૭ જિલ્લાઓમાં થયેલા આ હુમલાઓમાં ૬ પોલીસ અધિકારીઓ માર્યા ગયા હતા.