ભારત-પાક. યુદ્ધમાં પાંચ ફાઈટર જેટ તોડી પડાયા હતા : પ્રમુખ ટ્રમ્પ
- ટ્રમ્પે ફરી ભારત-પાક. યુદ્ધ અટકાવ્યાનો દાવો કર્યો
- બ્રિક્સ દેશો ડોલરનું પ્રભુત્વ ઘટાડવા માગે છે, સભ્ય દેશો પર 10 ટકા ટેરિફ નાંખીશ : ટ્રમ્પની ફરી ધમકી
વોશિંગ્ટન : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત સાથે ટૂંક સમયમાં વેપાર સોદો થઈ જશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવાની સાથે ફરી એક વખત ભારત-પાકિસ્તાનનું યુદ્ધ તેમણે અટકાવ્યું હોવાનો દાવો કર્યો હતો. જોકે, આ વખતે ટ્રમ્પે એક પગલું આગળ વધીને એમ કહ્યું કે, બંને દેશના સંઘર્ષમાં પાંચ ફાઈટર જેટ તોડી પડાયા હતા. સાથે ડોનાલ્ડ ટ્રમ્પે ૧૦ દિવસમાં બીજી વખત બ્રિક્સ દેશો પર ૧૦ ટકા ટેરિફ નાંખવાની ધમકી આપી હતી. તેમણે કહ્યું નાનું સંગઠન બ્રિક્સ ડોલરને પડકારવા માગે છે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શનિવારે ભારત-પાકિસ્તાન યુદ્ધમાં પાંચ ફાઈટર જેટ તોડી પડાયા હોવાનું જણાવ્યું હતું, પરંતુ તેમના નિવેદનમાં કયા દેશે કોના ફાઈટર જેટ તોડી પાડયા તેનો નામજોગ કોઈ ઉલ્લેખ કર્યો નહોતો. એટલું જ નહીં ટ્રમ્પે કુલ પાંચ ફાઈટર જેટ તોડી પડાયા કે કેમ તેનો પણ કોઈ ઉલ્લેખ કર્યો નહોતો. ટ્રમ્પે માત્ર એટલું જ કહ્યું કે, બંને દેશના સંઘર્ષમાં પાંચ ફાઈટર જેટ તોડી પડાયા. અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, ભારત તરફથી પહલગામ હુમલાના જવાબમાં હાથ ધરાયેલા ઓપરેશન સિંદૂર પછી બંને દેશ વચ્ચે સ્થિતિ અત્યંત ગંભીર થઈ ગઈ હતી, પરંતુ મારી દખલથી આ સંઘર્ષને ટાળી શકાયો હતો. અમે અનેક યુદ્ધો રોક્યા અને આ સામાન્ય યુદ્ધ નહોતા. ભારત અને પાકિસ્તાન વચ્ચે સ્થિતિ ખૂબ જ ગંભીર બની ગઈ હતી. પાંચ ફાઈટર જેટ તોડી પડાયા હતા. બંને પરમાણુ હથિયારોથી સજ્જ દેશ એકબીજા પર હુમલા કરી રહ્યા હતા. જોકે, અમે ટ્રેડ મારફત બંને દેશ વચ્ચે બગડતી સ્થિતિને અટકાવી હતી. અમે કહ્યું તમે હથિયારોનો ઉપયોગ કરશો તો અમે કોઈ વેપાર સમજૂતી નહીં કરીએ.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, નાનું સંગઠન બ્રિક્સ દુનિયામાં ડોલરના પ્રભુત્વને પડકારવા માગે છે, પરંતુ અમે તેમ થવા નહીં દઈએ. અમે બ્રિક્સ સંગઠનના સભ્ય દેશો પર ૧૦ ટકા વધારાનો ટેરિફ નાંખીશું. નાનું સંગઠન બ્રિક્સ ઝડપથી આગળ વધવાનો પ્રયત્ન કરી રહ્યું છે. તેઓ ડોલરનું સ્થાન લેવા માગે છે, ડોલરને પડકારવા માગે છે.