પહેલી બે મિનિટમાં જ હું જાણી શકીશ કે સમજૂતી થઇ શકશે કે નહીં : પુતિન સાથેની મંત્રણા પૂર્વે ટ્રમ્પે કહ્યું

- પુતિન સાથેની મંત્રણા માટે ટ્રમ્પ આશાવાદી છે
- રશિયા સાથે વ્યાપાર વધવાની પણ શક્યતા દર્શાવતાં અમેરિકી પ્રમુખે કહ્યું રશિયન્સ ગજબના લડવૈયા છે : ઘણી લડાઈઓ લડી ચૂક્યા છે
વૉશિંગ્ટન : રશિયાના પ્રમુખ પુતિન સાથેની મંત્રણા પૂર્વે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે તે મંત્રણાની સફળતા વિષે પોતાનો આશાવાદ દર્શાવતાં કહ્યું હતું કે તે એક ઘણી મોટી સિદ્ધી બની રહેશે. આ સાથે તેઓએ કહ્યું કે તે મીટીંગમાં પહેલી બે મિનિટમાં જ હું જાણી શકીશ કે યુક્રેન અંગે સમજૂતી થઇ શકશે કે નહીં.
શુક્રવારે પ્રમુખ પુતિન સાથે આલાસ્કામાં યોજાનારી યુક્રેન સંબંધી મંત્રણા વિષે પ્રમુખ ટ્રમ્પે સોમવારે સાંજે વ્હાઇટ હાઉસમાં પત્રકારોને કહ્યું હતું.
પ્રમુખ ટ્રમ્પને પૂછવામાં આવ્યું કે રશિયા સાથે પૂર્વેની જેમ વ્યાપાર ફરી શરૂ થઇ શકશે તેમ તમો માનો છો ? ત્યારે પ્રમુખ ટ્રમ્પે કહ્યું કે હા હું માનું છું. રશિયા એક મહત્વની ભૂમિ છે. વ્લાદીમીર પુતિન યુદ્ધને બદલે વ્યાપારની વાત કરશે તો તે જ પસંદ પડે તેમ છે. વળી તમે જાણો જ છો કે રશિયન્સ જબરા લડવૈયા છે. તેઓ અનેક યુદ્ધો લડી ચૂક્યા છે. મારા એક મિત્રે કહ્યું હતું કે રશિયન્સ ઘણા મજબૂત છે. કારણ કે તેઓ સતત લડતા જ રહે છે. અને હું પહેલી બે મિનિટમાં જ જાણી લઈશ કે સમજૂતી થઇ શકશે કે નહીં.
ટ્રમ્પે વધુમાં આશાવાદ પણ દર્શાવ્યો હતો અને કહ્યું : હું યુદ્ધ વિરામ થશે તેવી આશા રાખું છું. સાથે બંને પક્ષોને સારામાં સારો લાભ મળે તેમ પણ ઇચ્છું છું. જે ખરેખર બંને પક્ષો માટે લાભદાયી બની શકે તેમ છે.
રશિયાનાં અર્થતંત્ર ઉપર પણ તે યુદ્ધની સીધી અસર છે. તેમ કહેતાં પ્રમુખ ટ્રમ્પે જણાવ્યું હતું કે રશિયા પાસેથી તેલ ખરીદનારા દેશો ઉપર ૫૦ ટકા જેટલો ટેરિફ નખાયો તેની અસર દેખાઈ રહી છે. રશિયાનું અર્થતંત્ર પણ અત્યારે કથળી રહ્યું છે તેની ઉપર અનેક પ્રતિબંધો આવ્યાં છે અને હજી યુદ્ધ બંધ નહીં કરે તો વધારે પ્રતિબંધો પણ લાદવામાં આવશે પરંતુ હું આશા રાખું છું કે તે ઘડી આવશે જ નહીં.








