ઇઝરાયેલ-હમાસ શાંતિ યોજનાના પ્રથમ તબક્કાનો આજથી અમલ શરૂ

- હુમલા રોક્યાના 72 કલાકમાં હમાસ 20 અપહ્યતોને, જ્યારે ઇઝરાયેલ બે હજારથી વધારે પેલેસ્ટાઇનીને છોડશે
તેલઅવીવ : અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા સૂચિત શાંતિ યોજનાના પ્રથમ તબક્કાના અમલીકરણ માટે ઇઝરાયેલ-હમાસ તૈયાર થઈ ગયા છે. તેના હેઠળ ઇઝરાયેલની કેબિનેટની મંજૂરી મળ્યાના ૨૪ કલાકમાં આ શાંતિ યોજના ઇઝરાયેલ અમલી બનાવશે. તેના ભાગરૂપે ઇઝરાયેલ શુક્રવાર કે શનિવારથી હુમલા રોકશે. ઇઝરાયેલના હુમલા રોક્યાના ૭૨ કલાક પછી હમાસ ૨૦ અપહૃતોને મુક્ત કરશે.
હમાસે આ અપહ્યતોને ૭મી ઓક્ટોબર ૨૦૨૩ના રોજ કરેલા હુમલામાં ઉઠાવ્યા હતા. ઇઝરાયેલ પણ લગભગ બે હજારથી વધારે પેલેસ્ટાઇનીઓને છોડશે. આ સમાધાનને ગાઝા યુદ્ધ ખતમ કરવાની દિશામાં પ્રથમ પગલું માનવામાં આવે છે. પ્રમુખ ટ્રમ્પના ૨૦ સૂત્રીય પ્લાનને લઈને હજી પણ ઘણી બધી બાબતો પર અસંમતિ છે, પરંતુ તેના પ્રથમ તબક્કાના અમલને લઈને ઇઝરાયેલ અને હમાસ સંમત થઈ ગયા છે. જ્યારે બાકીની બાબતો પર ચર્ચા શાંતિ યોજનાના પ્રથમ તબક્કાનું સફળ અમલીકરણ સુનિશ્ચિત કરશે. આ દરમિયાન ઇઝરાયેલે અગાઉ જેમ અપહ્યતોને છોડવામાં આવ્યા હતા તેની સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેથી આ વખતે અપહ્યતોને હમાસ સન્માનજનક રીતે છોડશે અને તેના પ્રોપગેન્ડાનો કોઈપણ રીતે પ્રચાર નહીં કરે તે પૂર્વશરત રાખવામાં આવી છે.
હાલમાં ટ્રમ્પના ૨૦ સૂત્રીય પ્લાનમાં ગાઝા પરનો કબ્જો હમાસ છોડે અને હમાસ શસ્ત્રો હેઠા મૂકે તેવી વાત કહેવામાં આવી છે. બીજી બાજુ ઇઝરાયેલ પણ ગાઝાનો કબ્જો છોડે તેમ કહેવાયું છે. તેની સામે હમાસમાં ગાઝામાં સત્તા છોડવા તો તૈયાર થયું છે, પરંતુ તેણે હજી સુધી શસ્ત્રો હેઠા મૂકવાની વાત કરી નથી. જ્યારે નેતન્યાહુ તો કોઈપણ રીતે ગાઝા પરનો કબ્જો છોડવા માંગતા નથી, પરંતુ હાલમાં તે ગાઝાના કેટલાય વિસ્તારોમાંથી સંપૂર્ણ તો નહીં પણ આંશિક પીછેહઠ કરવા માટે તૈયાર થયા છે.
આશ્ચર્યની વાત એ છે કે ઇઝરાયેલના હુમલા ગુરુવારે પણ જારી હતા. ઇઝરાયેલના લશ્કરી ગુરુવારે ઉત્તરી ગાઝામાં હુમલા કર્યા હતા, તેમા જાનહાનિના કોઈ સમાચાર મળ્યા નથી, પરંતુ હજી પણ ગાઝામાં ઇઝરાયેલના હુમલા જારી છે. ઇઝરાયેલનું કહેવું છે કે હમાસ શાંતિ યોજનાના પ્રથમ તબક્કાનું અમલીકરણ શરૂ ન કરે ત્યાં સુધી આ હુમલા જારી રહેશે. હમાસ ટૂંક સમયમાં આગામી દિવસોમાં બાકીના બંધકોને છોડશે. બંધકોને લઈને જે પણ ફરિયાદ હોય તે ઇઝરાયેલ પછીના ૨૪ કલાકમાં ઉઠાવી શકશે. આવું જ હમાસ પણ ઇઝરાયેલે છોડેલે બે હજારથી વધારે પેલેસ્ટાઇની અંગે કરી શકશે.








