World

મધ્ય-પૂર્વમાં તંગદિલી વધતાં ઈઝરાયલમાંથી 160 ભારતીયોનું પહેલું ગ્રુપ સ્વદેશ પરત લવાયું

By GS TEAM
24 Jun 20252 mins read
મધ્ય-પૂર્વમાં તંગદિલી વધતાં ઈઝરાયલમાંથી 160 ભારતીયોનું પહેલું ગ્રુપ સ્વદેશ પરત લવાયું

- કુલ 40,000 ભારતીયો ઈઝરાયલમાં છે

- ઈઝરાયલની 'એર-સ્પેસ' બંધ હોવાથી જોર્ડન નદી પરનો પુલ ઓળંગી ભારતીયો યમ્માન પહોંચ્યા ત્યાંથી તેઓને ભારત લવાયા : બંને દેશોનાં દૂતાવાસ સતત સક્રિય

નવી દિલ્હી : મધ્ય પૂર્વમાં પરિસ્થિતિ સ્ફોટક સમાન બની રહેતાં ઈઝરાયલની એર-સ્પેસ તો બંધ જ કરાઈ છે તેથી તમામ વિમાન સેવાઓ બંધ રાખવામાં આવી છે તેવા સંયોગોમાં 'ઓપરેશન સિંધુ' નીચે ભારતે ત્યાં વસતા ભારતીયોને સ્વદેશ લાવવા ઈઝરાયલ તથા જોર્ડન બંનેને સહકાર આપવા કરેલી વિનંતિના પગલે ૧૬૦ ભારતીયોનો પહેલો જથ્થો જોર્ડન નદી પરનો શેખ હુસૈન બ્રિજ ઓળંગી જોર્ડનની સીમામાં સોમવારે સવારે પ્રવેશ કર્યો છે.

ઈઝરાયલમાં કુલ ૪૦,૦૦૦ જેટલા ભારતીયો વસે છે તે પૈકી પહેલા વૃદ્ધો, બિમારો, બાળકો, મહિલાઓ અને કેટલાક પુરૂષો તે રીતે સ્વદેશ પરત લાવવા અભિયાન હાથ ધરાયું છે તે પહેલું ગ્રુપ ૧૬૦ વ્યક્તિઓનું શેખ હુસૈન બ્રિજ ઓળંગી જોર્ડનનાં પાટનગર યમ્માન સોમવારે સવારે પહોંચ્યું હતું ત્યાંથી ભારતે સ્પેશ્યલ પ્લેન દ્વારા ભારત પરત લાવવાની કાર્યવાહી હાથ ધરી છે. ઈઝરાયલ તથા જોર્ડન બંનેમાં રહેલા આપણા દૂતાવાસો ચોવીસે કલાક સક્રિય રહ્યાં છે અને ભારતીયોને તમામ પ્રકારની સુવિધાઓ મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવી રહ્યા છે. ભારતનાં વિદેશ મંત્રાલયે હજી વધુ સ્પેશ્યલ ફલાઈટસ મોકલવાની તૈયારી રાખેલી જ છે.

ભારતે આ પૂર્વે પણ વિવિધ દેશોમાંથી પોતાનાં નાગરિકોને સ્વદેશ પરત લાવવા ઓપરેશન ગંગા, દેવી શક્તિ, કાવેરી અને અજય નામક કાર્યવાહીઓ હાથ ધરી હતી.

હીબુ યુનિવર્સિટીમાં સંશોધન કરી રહેલા અજય શુકલ નામક એક ભારતીયે આપણા દૂતાવાસની કાર્યવાહીની પ્રશંસા કરતાં કહ્યું હતું કે આવા મુશ્કેલીના સંયોગોમાં આટલી સરળ અને ધ્યાનપૂર્વકની કાર્યવાહી કરવા માટે આપણા દૂતાવાસને ધન્યવાદ આપીએ તેટલા ઓછા છે.