World

પહેલા શક્તિ અને તેના મારફત જ શાંતિ આવે છે : પીએમ નેતન્યાહુ

By GS TEAM
23 Jun 20252 mins read
પહેલા શક્તિ અને તેના મારફત જ શાંતિ આવે છે : પીએમ નેતન્યાહુ

અમેરિકાના હવાઈ હુમલાની ઈઝરાયેલે પ્રશંસા કરી

ટ્રમ્પનો સાહસિક નિર્ણય મધ્ય-પૂર્વને શાંતિ અને સમૃદ્ધિ તરફ લઈ જશે : ઈઝરાયેલ

યેરુસલેમ: ઈરાનના પરમાણુ મથકો પર હુમલો કરવાના અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના 'સાહસિક નિર્ણય'ની પ્રશંસા કરતા ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ રવિવારે કહ્યું કે, ટ્રમ્પનું આ પગલું દર્શાવે છે કે 'તાકાત મારફત જ શાંતિ' આવે છે, જેનાથી મધ્ય-પૂર્વમાં ભવિષ્યમાં શાંતિ અને સમૃદ્ધિ આવી શકશે.

ઈરાનના પરમાણુ મથકો પર રવિવારે વહેલી સવારે અમેરિકાના હવાઈ હુમલા પછી ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો આભાર માન્યો હતો. નેતન્યાહુએ કહ્યું, અમેરિકા ખરેખર અદ્ભૂત છે. તેણે એ જ કર્યું જે દુનિયાનો કોઈ બીજો દેશ કરી શકે તેમ નહોતો. ઈરાનના પરમાણુ એકમો પર હુમલાનો ટ્રમ્પનો નિર્ણય સાહસિક હતો અને યોગ્ય સમયે લેવાયેલો આ નિર્ણય ઈતિહાસ બદલી નાંખશે. ઈતિહાસમાં નોંધાશે કે પ્રમુખ ટ્રમ્પે દુનિયાને સૌથી ખતરનાક શાસનને દુનિયાનું સૌથી ખતરનાક હથિયાર બનાવતા રોકવા માટે કામ કર્યું. 

નેતન્યાહુએ સૈન્ય કાર્યવાહી બદલ ટ્રમ્પનો આભાર માન્યો અને કહ્યું કે, અમેરિકન કાર્યવાહીને ઈતિહાસ યાદ રાખશે. ઈઝરાયેલે ૧૩ જૂનથી ઓપરેશન રાઈઝંગ લાયન હેઠળ ઈરાનના પરમાણુ અને મિસાઈલ ઉત્પાદન સ્થળો અને સંગ્રહ સ્થળોને નિશાન બનાવવામાં ખરેખર અદ્ભૂત કામ કર્યું છે, પરંતુ આજે રાતે ઈરાનની પરમાણુ સુવિધાઓ પર અમેરિકાનો હુમલો અજોડ રહ્યો. પ્રમુખ ટ્રમ્પ અને મેં અનેક વખત કહ્યું છે કે શાંતિ તાકાતથી આવે છે. પહેલા તાકાત આવે છે અને પછી શાંતિ આવે છે.

ઈઝરાયેલના રાષ્ટ્રપતિ આઈઝેક હેર્ઝોગે ઈરાન પર હુમલાના ટ્રમ્પના નિર્ણયને 'નિર્ણાયક ક્ષણ' અને સ્વતંત્રતા, જવાબદારી અને સુરક્ષાનો વિજય ગણાવ્યા હતા. તેમણે કહ્યું માનવ ઈતિહાસમાં આ સમયને સ્વતંત્રા, જવાબદારી અને સુરક્ષાના વિજયના સિદ્ધાંત તરીકે યાદ રખાશે. ટ્રમ્પનો આ સાહસિક નિર્ણય મધ્ય-પૂર્વને શાંતિપૂર્ણ અને સમૃદ્ધ ભવિષ્ય તરફ દોરી જવામાં મદદરૂપ થશે.