જાપાનના આકાશમાં આગનો ગોળો, રાત્રે દિવસ જેટલા અજવાળાનો અનુભવ

ટોક્યો,૨૦ ઓગસ્ટ,૨૦૨૫,બુધવાર
પશ્ચિમી જાપાનના આકાશમાં પ્રકાશનો એક વિશાલ ગોળો રાત્રી દરમિયાન પૃથ્વી પર પડતો જણાયો હતો. ઉલ્કાપીંડ અને અવકાશથી વસ્તુઓ પૃથ્વી પર પડતી રહે છે પરંતુ નિષ્ણાતોનું માનવું છે કે આકાશમાં દેખાતો ચમકતો પદાર્થ અસાધારણ હતો. કાગોશિમા અને મિયાજાકિ પ્રીફેકચરના અનેક લોકોએ સોશિયલ મીડિયા પર ઉલ્કાપીંડ (ફાયર બોલ)નો ફોટા પોસ્ટ કર્યા હતા. અંદાજે રાત્રે ૧૧ વાગે આકાશમાં પ્રકાશનો એક વિશાળ ગોળો દેખાયો હતો. આ ઉપરાંત ફુકુઓકા અને માત્સુયામા એરપોર્ટ પરના એનએચકે કેમેરામાં રાત્રે લગભગ ૧૧.૦૮ વાગે ચમકદાર રોશનીનું દ્વષ્ય કેદ થયું હતું.
કાગોશિમા પ્રિફેચરમાં સાત્સુમાસેન્દાઇ સ્થિત સેંદાઇ અંતરિક્ષ સંગ્રહાલયના નિર્દેશક માએદા તોશિહિસાનું કહેવું છે કે જયારે કોઇ લઘુગ્રહના ટુકડા ,ધૂળ અને અન્ય વસ્તુઓ પૃથ્વીના વાયુમંડળમાં પ્રવેશ કરે છે ત્યારે આગના ગોળી જેવી ઘટના ધ્યાનમાં આવે છે. આકાશમાં દેખાયેલો પ્રકાશનો ગોળા નિસંદેહ ફાયરબોલ હતો. ફાયરબોલ એટલો શકિતશાળી હતો કે આકાશ દિવસના સમયે જેટલું પ્રકાશમય હોય છે તેટલો પ્રકાશ થોડીક વાર માટે દેખાયો હતો. આગનો ગોળો કે ઉલ્કાપિંડ સમુદ્રમાં પડયો હોવાનું મનાય છે.








