હોટલમાં મોબાઇલની પાવર બેંકના લીધે આગ લાગી, ૧૪૦૦ થી વધુને સુરક્ષિત બહાર કાઢવા પડયા
મેજ પર રાખેલી પાવરબેંકમાં ધૂમાડા સાથે અચાનક જ આગ લાગી
પ્રથમમાળના અતિથિખંડમાં આગની જવાળાઓ જોવા મળતી હતી.
ટોક્યો,૭ ઓકટોબર,૨૦૨૫,મંગળવાર
જાપાનના કયોતો શહેરની એક હોટલમાં મોબાઇલ પાવર બેંકમાં આગ લાગવાથી ૧૪૦૦ થી વધુ લોકોને સુરક્ષિત બહાર કાઢવાની ફરજ પડી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર મિયાકો હોટલ કયોતો હાચિઝોમાંથી સવારે આગ લાગી હોવાનો કોલ આવ્યો હતો. કોલ પરની વ્યકિતના જણાવ્યા અનુસાર હોટલના પ્રથમમાળના અતિથિખંડમાં આગની જવાળાઓ જોવા મળતી હતી.
પોલીસ અને અગ્નિશમન વિભાગના અધિકારીઓનું કહેવું હતું કે હોટલના કર્મચારીઓએ આગ બુઝાવી દીધી હતી. એક અતિથિ દ્વારા મોબાઇલ પાવર બેંક મેજ પર રાખી હતી તેમાં ધૂમાડા સાથે અચાનક જ આગ લાગી હતી. કયોતો સ્ટેશનની સામે આવેલી બે બેઝમેન્ટવાળી ૧૦ માળની હોટલમાં અફરાતફરી મચી ગઇ હતી. સુરક્ષાના ભાગરુપે હોટલના તમામ અતિથિઓને બહાર કાઢવામાં આવ્યા હતા. મોબાઇલના પાવર બેંકમાં કેવી રીતે આગ લાગી અને કેવી રીતે પ્રથમમાળના અતિથિખંડમાં ફેલાઇ તેની તપાસ કરવામાં આવી રહી છે.