ઇન્ડોનેશિયાનાં પાટનગર જાકાર્તામાં ઑફીસ બિલ્ડીંગમાં આગ ભભૂકી ઉઠતાં : 20નાં મોત અનેકને ભારે દાહ

- સાતમાળનું મકાન આગની ઝપટમાં આવી જતાં ધૂમાડાના ગોટે ગોટાથી આકાશ છવાઈ ગયું : આસપાસના બ્લોકમાં પણ દહેશત ફેલાઈ ગઈ
જાકાર્તા : પાટનગર જાકાર્તાના મધ્યસ્થ વિસ્તારમાં આવેલાં ૭ માળના એક ઓફીસ કોમ્પ્લેક્ષમાં તે અચાનક આગ ફાટી નીકળી હતી અને જોત જોતામાં તે લગભગ સમગ્ર બિલ્ડીંગમાં ફેલાઈ ગઈ હતી. આગ લાગવાનું કારણ હજી સુધી જાણી શકાયું નથી. પરંતુ જાણકારોના મતે મોટે ભાગે તો શોર્ટ સર્કીટને લીધે જ આગ ફેલાઈ હોવાની સંભાવના છે. તેમાં પવનના સુસવાટાને લીધે આગે માત્ર ગણતરીના જ સમયમાં સમગ્ર બિલ્ડીંગને ઘેરી લીધું હતું. તેથી ચારે તરફ ધૂમાડાના ગોટે ગોટા ઉડતા દેખાતા હતા.
આગ એટલી જોરદાર હતી કે આસપાસના બ્લોકના રહેવાસીઓ પણ દહેશતમાં આવી ગયા હતા. જો કે, જાકાર્તા મ્યુનિસિપલ કોર્પોરેશને તુર્ત જ લાઈબંબાઓ કાર્યરત કરી દીધા હતા.
ઓફીસ બિલ્ડીંગમાં ફાયર એલાર્મ સીસ્ટમ ગોઠવાયેલી હતી તે સ્માર્ટ બિલ્ડિંગ્સની કેટેગરીમાં મુકવામાં આવ્યું હતું. આગ લાગતાં જ તે ફાયર એલાર્મ સીસ્ટીમે અગ્નિ શામક કેન્દ્ર ઉપર રેડલાઇટ ફ્લિકર કરવા સાથે ફાયર બ્રિગેડને એલર્ટ કરતાં તત્કાળ અગ્નિ શામકો તે તરફ ધસી ગયાં હતાં. પરંતુ છેક ૭ માળ સુધી પહોંચે તેવી સીડીઓ તેમની પાસે ન હતી છતાં ૪ માળ સુધીની સીડીઓ ઉપર ચઢી પાણીનો મારો ઉપર સુધી ચલાવ્યો હતો. છતાં ૨૦ માણસો તો આગમાં ભડથું થઇ ગયા હતા, અનેકને ભારે દાહ થયા હતા. દાઝેલાઓને સહજ રીતે હોસ્પિટલમાં સારવાર અપાઈ રહી છે.








