લંડનમાં ભારતીય રેસ્ટોરન્ટમાં આગચંપી, 5 લોકો દાઝ્યાં, CCTVની મદદથી બે શંકાસ્પદ પકડાયા
London Restaurant Fire News : ઈસ્ટ લંડનમાં આવેલી એક ભારતીય રેસ્ટોરન્ટમાં 22 ઓગસ્ટની રાત્રે આગચંપીની ઘટના બની હતી. પોલીસે આ મામલે કાર્યવાહી હાથ ધરતા 15 વર્ષના એક છોકરા અને 54 વર્ષીય વ્યક્તિની ધરપકડ કરી છે. બંને સામે આ ઘટનાને અંજામ આપવાનો આરોપ લાગ્યો છે. આગચંપીની ઘટનામાં લગભગ 5 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા.
ક્યાં બની હતી ઘટના?
મેટ્રોપોલિટન પોલીસના જણાવ્યાનુસાર આ ઘટના ઈલફોર્ડના વૂડફોર્ડ એવન્યૂ, ગેન્ટ્સ હિલમાં આવેલી ઈન્ડિયન અરોમા રેસ્ટોરન્ટમાં બની હતી. ઘાયલોમાં ત્રણ મહિલાઓ અને બે પુરુષો સામેલ છે જે આગની ઘટના વખતે રેસ્ટોરન્ટમાં ડિનર કરી રહ્યા હતા. લંડન એમ્બ્યુલન્સ સર્વિસના પેરામેડિક્સે તેમને પ્રાથમિક સારવાર આપી હતી અને પછી તેમને હોસ્પિટલ પહોંચતા કરાયા હતા.
પોલીસે એક નિવેદન જાહેર કર્યું
પોલીસે જણાવ્યું હતું કે એક પુરુષ અને એક મહિલાની હાલત હજુ પણ ગંભીર છે. લંડન પોલીસના નોર્થ યુનિટના ચીફ ઇન્સ્પેક્ટર માર્ક રોજર્સે જણાવ્યું હતું કે, 'અમે બે લોકોની ધરપકડ કરી છે. શુક્રવારે સાંજે બનેલી આ ઘટનાની તપાસ ઝડપથી ચાલી રહી છે. ભારતીય સમુદાયના લોકો આ ઘટનાથી ચિંતિત અને આઘાતમાં છે. હું તેમને અપીલ કરું છું કે જો તેમની પાસે કોઈ માહિતી હોય, તો તેઓ આગળ આવે અને પોલીસ સાથે વાત કરે.'