થાઈલેન્ડની નાઈટ મ્યુઝિક ક્લબમાં ભયાનક આગ લાગતાં ૧૪નાં મોત
મધરાતે લાગેલી આગમાં ૩૮ લોકો ગંભીર રીતે દાઝ્યા
આગમાં ફસાયેલા પ્રવાસીઓને બચાવાયા, નાઈટ ક્લબ બળીને ખાક : ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ
થાઈલેન્ડના પૂર્વીય પ્રાંત ચોનબૂરી પ્રાંતની નાઈટ ક્લબમાં ભયાનક આગ ફાટી નીકળી હતી. એમાં ૧૪ લોકોનાં મોત થયા હતા. ૩૮ લોકો ગંભીર રીતે દાઝ્યા હતા.ફાયર ફાઈટર્સ અને પોલીસે બચાવ કામગીરી આદરી હતી અને અસંખ્ય પ્રવાસીઓને બહાર કાઢ્યા હતા. ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
થાઈલેન્ડના ચોનબૂરી પ્રાંતમાં આવેલા સત્તાહીપ જિલ્લામાં માઈનટેઈન બી નામની નાઈટ ક્લબમાં મધરાતે ભયાનક આગ ફાટી નીકળી હતી. આગને કાબૂમાં લેવા માટે ફાયર ફાઈટર્સની ટીમે આખી રાત કામગીરી કરી હતી. નાઈટ ક્લબમાં ફસાયેલા પ્રવાસીઓને નાઈટ ક્લબમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. આગમાં ફસાયેલા લોકોએ ચીસાચીસ કરી મૂકી હતી અને દોડધામ મચી ગઈ હતી. એ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો.
પોલીસ અધિકારી અત્તાસિત કિજ્જાહને જણાવ્યું હતું કે આગ લાગવાના કારણની તપાસ શરૃ કરવામાં આવી છે. આગમાં નાઈટ ક્લબ બળીને ખાક થઈ ગઈ છે. આગ મધરાતે ૧ વાગ્યે લાગવાનું શરૃ થયું હતું. એક કલાકમાં આખી નાઈટ ક્લબ આગમાં સપડાઈ ગઈ હતી. ફોરેન્સિક ટીમે આગની ઘટનાના પુરાવા મેળવ્યા હતા. કેટલાક લોકોએ કહ્યું હતું કે આગ સૌથી પહેલાં સ્ટેજની પાછળ લાગી હતી. લોકો કંઈ સમજે એ પહેલાં આખો સ્ટેજ ભડભડ બળવા લાગ્યો હતો.
મૃતકોમાં તમામ થાઈલેન્ડના નાગરિકો છે. ઘવાયેલાઓમાં કેટલાક વિદેશી પ્રવાસીઓ હોવાની શક્યતા છે, પરંતુ ક્યા દેશના નાગરિકો ઈજાગ્રસ્ત થયા છે તે બાબતે હજુ સુધી સ્પષ્ટતા થઈ ન હતી. પોલીસે કહ્યું હતું કે પૂર્વીય પ્રાંતમાં આ નાઈટક્લબ તેની નાઈટલાઈફ માટે વિખ્યાત છે. ઘટના બની ત્યારે આખી નાઈટક્લબ હાઉસ ફૂલ હતી.