જાણો, બ્રિટને હોંગકોંગ પ્રત્યાર્પણ સંધિ કેમ અટકાવી દીધી છે ?
૧૯૯૭માં બ્રિટને પ્રત્યાપર્ણં સંધી કરીને ચીનને હોંગકોંગ સોપ્યું હતું
ચીનને હોંગકોંગના પશ્ચિમી મોડેલને બદલી લાલ રંગે રંગવું છે
લંડન,૨૧, જુલાઇ, ૨૦૨૦, મંગળવાર
બ્રિટને હોંગકોંગ સાથેની પ્રત્યાપર્ણ સંધી અટકાવી દેતા ચીને પરીણામો ભોગવવાની ધમકી આપી છે. ચીને હોંગકોંગમાં નવા સુરક્ષા કાનુન લાગુ પાડવાનો વિરોધ કરીને બ્રિટને આ પગલું ભર્યુ છે. બ્રિટન સ્થિત ચીનના દુતાવાસની વેબસાઇટ પર બ્રિટનના આ પગલાની ચીને ટીકા કરીને હોંગ કોંગની આંતરિક બાબતમાં ડખલગીરી બંધ કરવા બ્રિટનને ચેતવણી આપી છે એટલું જ નહી બ્રિટન ખોટા રસ્તા પર જઇ રહયું છે જો તે આ ચાલું જ રાખશે તો પરીણામ ભોગવવા પણ તૈયાર રહેવું પડશે. હોંગકોંગ પ્રત્યાપર્ણ સંધી રોકી દેવાની સંધીની જાહેરાત ગત ૨૦ જુલાઇના રોજ બ્રિટનના વિદેશમંત્રી ડોમિનિર રાબે બ્રિટનની સંસદમાં કરી હતી ત્યાર પછી બ્રિટન અને ચીન વચ્ચેના સંબંધોમાં ખટાશ વધી છે.
બ્રિટને ચીન સાથે સકારાત્મક સંબધો રાખવાની તૈયારી દર્શાવી હતી પરંતુ તેના માટે ચીનને કેટલાક આંતરરાષ્ટ્રીય દાયિત્વનું પણ પાલન કરવાનું છે એવી શરત રાખી હતી,બ્રિટનને સંબંધો રાખવાની સાથે અસંમત થવાનો અધિકાર પણ સામેલ છે. બ્રિટને હોંગકોંગની પ્રત્યાર્પણ સંધીને બદલી નાખવાનો પણ ચીન પર આક્ષેપ મુક્યો હતો.
હોંગકોંગના મુદ્વે બ્રિટન, અમેરિકા સહિતના શકિતશાળી દેશો ચીન પર દબાણ વધારવા એક પછી એક પગલા ભરી રહયા છે. તેના મૂળમાં ચીને હોંગકોંગમાં જે નવો કાનુન લાગું પાડયો છે તેના વિરોધમાં હોંગકોંગવાસીઓને આંદોલનને સમર્થન આપવાનો છે. યૂરોપ અને અમેરિકાના દેશો સહિત સમગ્ર વિશ્વનું માનવું છે કે આ કાનુનમાં ન્યાયિક સુરક્ષાની કોઇ જોગવાઇ ન હોવાથી ભવિષ્યમાં તેનો ખોટો ઉપયોગ થઇ શકે છે એટલું જ નહી હોંગકોંગની નાગરિક સ્વતંત્રતા અને માનવ અધિકારો માટે પણ જોખમી છે. ૧૯૯૭માં બ્રિટને ૯૯ વર્ષ પછી સંધી કરીને હોંગકોંગ ચીનને સોંપ્યું હતું. સામ્યવાદની એડી નીચે કચડાતા ચીને અને હોંગકોંગનો પશ્ચીમી મોડેલ હેઠળના વિકાસમાં જમીન આસમાનનું અંતર હતું, લોકશાહીતંત્ર,મૂડીવાદ, નાગરિક સ્વતંત્રતા અને અધિકારો એ હોંગકોગની મોટી ઓળખ હતી. જો કે ચીને હોંગકોંગની યથાસ્થિતિ જાળવી રાખવાની એ સમયે ખાતરી આપી હતી પરંતુ હવે ચીનનું વલણ બદલાયેલું જણાય છે. સ્વાયત પ્રદેશ હોંગકોંગને પણ સામ્યવાદના લાલ રંગે રંગવા ઇચ્છ છે.
વિશ્વમાં કોરોના મહામારીના પગલે દુનિયાના દેશોના અર્થતંત્ર હચમચી ગયા છે કેટલાક ભાગમાં ફરી કોરોના સંક્રમણની પરીસ્થિતિ બગડવાથી ફરી લોકડાઉન લાદવું પડે તેવી સ્થિતિ ઉભી થઇ રહી છે. આ કોરોના વાયરસ ૨૦૨૦ના વર્ષની શરુઆતમાં ચીનના વુહાનમાંથી ફેલાયો હતો. ચીને પર ઘોર બેદરકારી રાખતા વાયરસ વિશ્વમાં ફેલાયો છે. આ મુદ્વે દુનિયા ચીનથી ખૂબ નારાજ છે. કોરોના વાયરસના ફેલાવા માટે ચીન પર આંગળી ચિધીને પોતાના જાસુસીતંત્રને કામ લગાડયું છે આવા સંજોગોમાં ચીન હોંગકોંગ અને દક્ષિણ ચીન સાગરના અધિકાર મુદ્વે વિશ્વ સમુદાય સમક્ષ શિંગડા ભરાવી રહયું છે તે જોતા આવનારો સમય ચીનના રાષ્ટ્રપતિ ઝિંનપિંગના નેતૃત્વની કસોટી કરવાનો રહેશે.