ફિલિપાઈન્સમાં જન્મેલી બાળકી દુનિયાની ૮૦૦ કરોડમી નાગરિક
દુનિયાની વસતી ૮ અબજથી વધુ થઈ ગઈ
૪૮ વર્ષમાં વસતી બમણી થઈ : ૨૧૦૦ની સાલ પૂર્વે જ દુનિયાની વસ્તી વધીને દસ અબજ થશે
મનીલા, તા.૧૫
દુનિયાની વસતી આઠ અબજને પાર થઈ ગઈ છે ત્યારે ફિલિપાઈન્સના મનિલા સ્થિત ટોંડોમાં જન્મેલી એક બાળકી વિશ્વની ૮૦૦ કરોડમી નાગરિક બની છે. ડૉક્ટર જોસ ફૈબેલા મેમોરિયલ હોસ્પિટલમાં સ્થાનિક સમયાનુસાર ૧.૨૯ વાગ્યે જન્મેલી આ બાળકીનું નામ વિનિસ માબનસૈગ છે. આ સાથે સંયુક્ત રાષ્ટ્રે કહ્યું હતું કે દુનિયાની વસતી ૮૦૦ કરોડને પાર થઈ ગઈ છે.
ફિલિપાઈન્સના જનસંખ્યા અને વિકાસ આયોગ દ્વારા વિનિસના જન્મની ભવ્ય ઊજવણી કરાઈ હતી. પંચે બાળકી અને તેની માતાનો ફોટો ફેસબૂક પર પણ શૅર કર્યો છે. ફિલિપાઈન્સના જનસંખ્યા અને વિકાસ આયોગે ફેસબૂક પોસ્ટમાં લખ્યું કે દુનિયાની વસતીએ એક સિમાચિહ્ન હાંસલ કર્યું છે. મનીલાના ટોંડોમાં જન્મેલી બાળકીને પ્રતિકાત્મક રીતે દુનિયાની ૮૦૦ કરોડમી નાગરિક માનવામાં આવી છે. આ બાળકીનો જન્મ ૧૫મી નવેમ્બરે થયો હતો.
સંયુક્ત રાષ્ટ્રે જણાવ્યું હતું કે, દુનિયાની વસતી ૮૦૦ કરોડને પાર થઈ ગઈ છે. લાઈફ એક્સપેક્ટન્સીમાં વધારો અને મોતના જોખમોમાં ઘટાડા પછી લોકોનું જીવન લાંબુ થયું છે. સંયુક્ત રાષ્ટ્રે ઉમેર્યું કે, આપણે માત્ર સંખ્યા જોવાની જરૂર નથી. ધરતીને વધુ સારી બનાવવાની જવાબદારી આપણા બધાની છે. યુનાઈટેડ નેશન્સ પોપ્યુલેશન ફંડે ટ્વીટ કરીને કહ્યું કે, ૮ અબજ આશાઓ, ૮ અબજ સપના, ૮ અબજ સંભાવનાઓ. આપણી પૃથ્વી હવે ૮ અબજ લોકોનું ઘર છે.
એક અહેવાલ મુજબ ૧૯૭૪માં દુનિયાની વસ્તી ચાર અબજ હતી, જે ૪૮ વર્ષમાં બમણી થઇને આઠ અબજે પહોંચી છે પણ હવે દુનિયાની વસ્તી ફરી બમણી થશે નહીં. અલબત્ત દુનિયાની વસ્તી આગામી થોડા દાયકાઓ સુધી વધતી રહેશે.હવે દુનિયામાં એક અબજ વસ્તી વધશે તેમાં વૃદ્ધોની સંખ્યા વધારે હશે. વર્લ્ડોમીટર વેબસાઇટના જણાવ્યા અનુસાર આજે દુનિયામાં વસતીનો આંક ૮,૦૦૦,૦૨૧,૦૦૦ કરતાં વધારે નોંધાયો હતો અને આજે અઢી લાખ કરતાં વધારે બાળકોનો જન્મ થયો હતો. જ્યારે મરણાંક તેનાથી અડધો ેએટલે કે સવા લાખ જેટલો નોંધાયો હતો. ૨૧૦૦ની સાલ આવે તે પહેલાં જ દુનિયાની વસ્તી દસ અબજનો આંક વટાવી જશે. ૨૦૮૬માં વસ્તીનો સર્વોચ્ચ વધારો ૧૦.૪ અબજ થશે તે પછી વસ્તીમાં ઘટાડો થવાની શરૂઆત થશે.યુએન ડેટા અનુસાર દુનિયામાં સૌથી વધારે બાળજન્મ ૨૦૧૨ અને ૨૦૧૪ની વચ્ચે નોંધાયા હતા. આ સમયગાળામાં ૧.૪૪ મિલિયન બાળકોનો જન્મ થયો હતો. હવે ૨૦૪૩ બાદ બાળજન્મમાં સતત ઘટાડો થતો જોવા મળશે.