જોહાનિસબર્ગમાં ભીષણ ગોળીબાર : રસ્તા પર ચાલતા લોકોને નિશાન બનાવાયા : 10નાં મોત

આ ઘટના પાછળનું કારણ જાણી શકાયું નથી : 10ને ઇજાઓ : ઇજાગ્રસ્તો પૈકી કેટલાક ગંભીર
પોલીસના જણાવ્યા પ્રમાણે આ ઘટના એક પબ (શરાબખાના) પાસે થઈ હતી. હુમલાખોરે અચાનક જ રસ્તા ઉપર જતા આવતા લોકોને નિશાન બનાવવા શરૂ કર્યું. તે સાથે ચીસાચીસ શરૂ થઈ ગઈ. ૧૦ લોકોનાં સ્થળ ઉપર જ મૃત્યુ થયાં હતાં. ઘણાંને ઇજાઓ થઈ હતી. તે પૈકી ૧૦ને વધુ ઇજાઓ થતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
આ ગોળીબારીની ઘટના બની તે સ્થળની નજીક જ સોનાની ખાણ આવેલી છે. તેમાં ધણા મજૂરો કામ કરે છે અને ત્યાં ગેરકાયદે દારૂનાં પીઠાં પણ ચાલે છે. આ ઘટના જ્યાં બની તે ગોનેંગના કાર્યવાહક પોલીસ કમિશનરે જણાવ્યું હતું કે, આ હુમલાખોર નાસી ગયો હતો. તે અંગે આસપાસના લોકોની પૂછપરછ પણ થઈ રહી છે. ત્યાં જાસૂસ-તંત્રના અધિકારીઓ પણ પોલીસની સાથે પહોંચી ગયા છે.
ઉલ્લેખનીય છે કે, દક્ષિણ આફ્રિકામાં હમણાં હમણાંથી ગોળીબારીની કેટલીયે ઘટનાઓ બની રહી છે. ૬ ઠ્ઠી ડિસેમ્બરે કેટલાક બંદૂકધારીઓએ એક હોસ્ટેલ પર હુમલો કર્યો હતો. તેમાં ઓછામાં ઓછા ૧૨નાં મૃત્યુ થયાં હતાં. દક્ષિણ આફ્રિકામાં ગેરકાયદે દારૂનો ધંધો પણ ચરમ સીમાએ પહોંચ્યો છે.









