સત્ય બોલવાની સજા : કોરોના વિશે ચીનની પોલ ખોલનાર મહિલા પત્રકાર ફરી જેલમાં ધકેલાઈ
Corona News : ચીનમાં કોરોના વાઈરસની જાણકારી આપનાર મહિલા પત્રકાર ઝાંગ ઝાનને ફરીથી ચાર વર્ષની જેલની સજા મળી છે. તેણે કોરોના વાઈરસ વિશે વિશ્વને જણાવીને ચીનના ચહેરા પરથી નકાબ ઉતાર્યું હતું. અગાઉ પણ તેને 2020માં ચાર વર્ષની સજા થઈ હતી. મુક્તિ મળ્યા પછી ફરી તેની ધરપકડ કરવામાં આવી છે.
ઝાંગે ડોક્યુમેન્ટ્રી બનાવી હતી
42 વર્ષની આ મહિલા પત્રકારે કોવિડ મહામારીના પ્રાથમિક તબક્કાના કેન્દ્રસ્થાન વુહાનમાં ડોક્યુમેન્ટરી બનાવીને વિશ્વ સમક્ષ રજૂ કરી હતી. ફરી ધરપકડ માટે તેના પર અગાઉના જ ઝઘડો કરવાના તેમજ અશાંતિ ફેલાવવાના આરોપ લગાવવામાં આવ્યા છે. માનવ અધિકાર જૂથોએ તેના માટે અવાજ ઉઠાવ્યો છે અને તેને તાત્કાલિક છોડી મુકવાની બેઈજિંગને અપીલ કરી છે.
2020માં તેણે પોલ ખોલી હતી
પત્રકાર ઝાંગે મહામારીના પ્રારંભિક તબક્કામાં વુહાનથી રિપોર્ટિંગ કરીને વિશ્વને ચીનની સાચી સ્થિતિની જાણ કરી હતી. ઝાંગ 2020ના પ્રારંભિક સમયમાં વિખ્યાત બની જ્યારે તેણે વુહાનમાંથી હોસ્પિટલના દ્રશ્યો અને વેરાન સડકોનો પ્રથમદર્શી અહેવાલ આપ્યો અને કોવિડ સંક્રમણ બાબતે ચીનના સત્તાવાર વૃત્તાંતને ખોટો ઠેરવ્યો.
ધરપકડ કરી લેવાઈ હતી
અહેવાલ આપવા માટે ધરપકડ કર્યા પછી તેના પર રાજ્ય પ્રશાસનનો અનાદર કરવાનો આરોપ લગાવવામાં આવ્યો અને તેના પર અમાનુષી અત્યાચાર કરવામાં આવ્યા જેના પરિણામે તેણે ભૂખ હડતાળ પર ઉતરવું પડ્યું. એ સમયે તેને બળજબરીપૂર્વક મોઢામાં ટ્યુબ બેસાડીને ખાવાનું આપવામાં આવ્યું હતું.
ક્યાં અટકાયતમાં રખાઈ?
ગયા વર્ષે મે મહિનામાં તેની મુક્તિ થઈ હોવા છતાં ઝાંગની ફરી થોડા મહિનામાં જ ધરપકડ કરવામાં આવી અને આખરે તેને શાંઘાઈના પુડોન્ગ અટકાયત કેન્દ્રમાં રાખવામાં આવી. વિદેશી વેબસાઈટો પર માનવ અધિકારના ભંગ બાબતે તેના નિવેદનો અને સોશિયલ મીડિયા પોસ્ટને કારણે ફરી તેને સજા સંભળાવવામાં આવી. માનવ અધિકાર જૂથોએ દલીલ કરી છે કે તેના પરના આરોપો રાજનીતિથી પ્રેરિત છે જેનો હેતુ તેના સ્વતંત્ર પત્રકારિત્વને ચૂપ કરવાનો છે.
ચીનમાં પત્રકારોની હાલત દયનીય
ઉલ્લેખનીય છે કે ચીનમાં પત્રકારોની સ્થિતિ અત્યંત દયનીય છે. આરએસએફ વર્લ્ડ પ્રેસ ફ્રીડમ ઈન્ડેક્સ 2025માં ચીન 180 દેશોમાંથી 178માં ક્રમે છે. આરએસએફ ચીનને પત્રકારો માટે વિશ્વની સૌથી મોટી જેલ તરીકે ગણાવે છે. ચીનમાં લગભગ 124 મીડિયાકર્મી જેલોમાં બંધ છે. વિડંબના છે કે તાજેતરમાં ચીને ઝડપી જાહેર આરોગ્ય રિપોર્ટિંગને પ્રોત્સાહન આપતો કાયદો પસાર કર્યો છે, જે સિદ્ધાંતને ઝાંગ અંગત ભોગે પણ પહેલેથી વળગી રહી હતી. ઝાંગની યાતના ચીનમાં સત્ય બોલતા પત્રકારો અને સરમુખત્યાર નિયંત્રણ વચ્ચેના સંઘર્ષને ઉજાગર કરે છે.