ફ્લાઈટ્સ કેન્સલ, વોરશિપ-ફાઈટર જેટ તહેનાત... અમેરિકા-વેનેઝુએલા વચ્ચે યુદ્ધના ભણકારા!

USA and VeneZuela news : અમેરિકા અને વેનેઝુએલા વચ્ચેનો તણાવ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે, જેના કારણે દુનિયામાં એક નવા યુદ્ધની આશંકાઓ સેવાઈ રહી છે. અમેરિકાના ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA) દ્વારા વેનેઝુએલાના એરસ્પેસમાં ખતરાની ચેતવણી જારી કરાયા બાદ, શનિવારે છ મોટી આંતરરાષ્ટ્રીય એરલાઇન્સે વેનેઝુએલા માટેની પોતાની ઉડાન રદ કરી દીધી છે.
શા માટે રદ થઈ રહી છે ફ્લાઇટ્સ?
અમેરિકાના FAA દ્વારા જારી કરાયેલા નોટિસ મુજબ, વેનેઝુએલા અને તેની આસપાસના વિસ્તારોમાં સુરક્ષાની સ્થિતિ સતત બગડી રહી છે અને સૈન્ય ગતિવિધિઓમાં પણ વધારો થયો છે, જે કોઈપણ ઊંચાઈ પર ઉડતા વિમાનો માટે ખતરો પેદા કરી શકે છે. આ ચેતવણી બાદ સ્પેનની ઇબેરિયા, પોર્ટુગલની TAP, ચિલીની LATAM, કોલંબિયાની એવિયાન્કા, બ્રાઝિલની GOL અને ત્રિનિદાદ-ટોબેગોની કેરેબિયન એરલાઇન્સ જેવી કંપનીઓએ પોતાની ફ્લાઇટ્સ રદ કરી દીધી છે.
અમેરિકાની સૈન્ય તૈનાતી
કોલંબિયાના ઉડ્ડયન વિભાગે પણ એક નિવેદનમાં કહ્યું કે, "સુરક્ષાની બગડતી સ્થિતિ અને વિસ્તારમાં વધતી મિલિટરી એક્ટિવિટીને કારણે ઉડાન ભરવામાં સંભવિત ખતરો છે." તાજેતરના મહિનાઓમાં આ ક્ષેત્રમાં અમેરિકી સૈન્યની તૈનાતીમાં મોટો વધારો થયો છે. અમેરિકાએ આ વિસ્તારમાં પોતાનું સૌથી મોટું એરક્રાફ્ટ કેરિયર, ઓછામાં ઓછા આઠ યુદ્ધ જહાજો અને F-35 ફાઇટર જેટ તૈનાત કરી દીધા છે.
શું માદુરોને હટાવશે ટ્રમ્પ?
અહેવાલ અનુસાર, અમેરિકાના અધિકારીઓએ સંકેત આપ્યા છે કે ટ્રમ્પ વહીવટીતંત્ર આગામી દિવસોમાં વેનેઝુએલા અંગેના ઓપરેશનનો એક નવો તબક્કો શરૂ કરી શકે છે. જોકે, હજુ સુધી યુદ્ધની કોઈ ખુલ્લી જાહેરાત કરવામાં આવી નથી. બે અમેરિકન અધિકારીઓએ કહ્યું છે કે વેનેઝુએલાના પ્રમુખ નિકોલસ માદુરો વિરુદ્ધની નવી કાર્યવાહીમાં કદાચ સિક્રેટ ઓપરેશન પણ સામેલ હોઈ શકે છે. જે વિકલ્પો પર વિચાર કરવામાં આવી રહ્યો છે તેમાં વેનેઝુએલાના નેતાને પદ પરથી હટાવવાનો પણ સમાવેશ થાય છે. આ અહેવાલોએ આ ક્ષેત્રમાં યુદ્ધની સંભાવનાને વધુ ઘેરી બનાવી દીધી છે.

