- લોસ એન્જ્લસમાં ડિસે.ની શરૂઆતમાં ચાર શકમંદ આતંકીની ધરપકડ કરાઈ
- બોન્ડી બીચ પર હુમલા પછી સ્થાનિક તંત્રે કાર્યક્રમ રદ કર્યો
- પેરિસમાં વિશ્વવિખ્યાત ચેમ્પ્સ-એલિસીસ પરનો લાઈવ કોન્સર્ટ રદ, હવે રેકોર્ડેડ કોન્સર્ટ દર્શાવાશે
New Year Celebration News : ડિસેમ્બરના અંતમાં સામાન્ય રીતે પશ્ચિમી દેશોમાં નવા વર્ષની ભવ્ય ઊજવણી કરવામાં આવે છે. અનેક કાર્યક્રમોમાં, રસ્તા પર લોકો સંગીત, ફાયર ક્રેકર્સ સાથે ઉત્સાહ અને ઉલ્લાસપૂર્ણ વાતાવરણમાં નવા વર્ષની ઊજવણી કરે છે. જોકે, પશ્ચિમ દેશોમાં આ વર્ષે અનેક શહેરોમાં નવા વર્ષની ઊજવણી રદ કરી દેવાઈ છે અથવા સુરક્ષા વ્યવસ્થા વધારી દેવાઈ છે. પશ્ચિમી દેશોની સરકારો આતંકી હુમલાના જોખમો, હિંસક ઘટનાઓ અને મોટી સંખ્યામાં લોકોના એકત્ર થવાના જોખમો સહિત જાહેર સુરક્ષાથી ચિંતિત છે. જોકે, કોઈપણ દેશની સરકારે આતંકી હુમલાના ભયથી કાર્યક્રમો રદ કરાયા હોવાની સત્તાવાર જાહેરાત કરવાનું ટાળ્યું છે.
પશ્ચિમી દેશોના મીડિયા રિપોર્ટ્સ મુજબ અમેરિકા, યુરોપ તથા ઓસ્ટ્રેલિયા સહિતના દેશોની સરકારોએ તકેદારીના ભાગરૂપે તેમજ સામૂહિક સમારંભો સાથે સંકળાયેલા જોખમોને ઘટાડવા માટે નવા વર્ષની ઊજવણીના અનેક કાર્યક્રમોને રદ કરવાનો નિર્ણય લીધો છે.
ચાર આતંકીઓ મોજાવેના રણમાં હુમલાનો પૂર્વાભ્યાસ કરતા હતા
અમેરિકાના લોસ એન્જેલસમાં આ મહિનાની શરૂઆતમાં જ ફેડરલ અધિકારીઓએ નવા વર્ષની પૂર્વ સંધ્યા પર કથિત બોમ્બ વિસ્ફોટનું કાવતરું નિષ્ફળ બનાવ્યું હતું. અધિકારીઓએ કહ્યું કે, મોજાવેના રણમાં આતંકી હુમલાનો પૂર્વાભ્યાસ કરતી વખતે ચાર શકમંદોની ધરપકડ કરવામાં આવી હતી. આ આતંકી હુમલાનું કાવતરું નિષ્ફળ કરાયા પછી સરકારની ચિંતા વધી ગઈ હતી.
લોસ એન્જેલસમાં કાર્યક્રમ રદ કરવાના બદલે સુરક્ષા વધારાઈ
એફબીઆઈએ જણાવ્યું કે, શકમંદો અનેક સ્થળો પર તાત્કાલિક વિસ્ફોટક ઉપકરણોથી સંકલિત હુમલાની યોજના બનાવી રહ્યા હતા. પ્રથમ સહાયક અમેરિકન એટર્ની બિલ એસ્સેલીએ કહ્યું કે તપાસકારોએ કાવતરું અમલમાં મૂકાય તે પહેલાં જ તેને પકડી પાડયું હતું. આ કાવતરાંમાં ઝડપાયેલા બધા જ લોકો લોસ એન્જેલસના વતની છે અને તેમના પર આરોપ ઘડાયા છે.
લોસ એન્જેલસ શહેરના અધિકારીઓએ નવા વર્ષની ઊજવણીનો સમારંભ રદ નથી કર્યો, પરંતુ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી છે અને સતત તેની સમીક્ષા કરાઈ રહી છે. જોકે, અમેરિકામાં અન્ય શહેરોમાં કેટલાક કાર્યક્રમોને રદ કરવામાં આવ્યા છે.
પેરિસના આર્ક ડી ટ્રાયમ્ફ પર આતશબાજીનો કાર્યક્રમ ચાલુ રહેશે
અમેરિકા જેવી જ સ્થિતિ યુરોપમાં પણ છે. ફ્રાન્સની રાજધાની પેરિસમાં ચેમ્પ્સ-એલિસીસઝ પરની કોન્સર્ટ રદ કરી દેવાઈ છે. પેરિસનો આ કાર્યક્રમ જોવા માટે સમગ્ર દુનિયામાંથી લાખો લોકો નવા વર્ષની પૂર્વ સંધ્યાએ એકત્ર થતા હોય છે. પેરિસમાં પોલીસની વિનંતીથી શહેરના અધિકારીઓએ ચેમ્પ્સ-એલિસીસ પર થતી નવા વર્ષની ઊજવણી માટે ૩૧ ડિસેમ્બરે થતો સંગીત કાર્યક્રમ રદ કરી દીધો છે. તેનું કારણ ભીડનું અનિશ્ચિત આવાગમન અને નાસભાગ કે ધક્કામુક્કીનું જોખમ છે. આર્ક ડી ટ્રાયમ્ફ પર આતશબાજીનો કાર્યક્રમ ચાલુ રહેશે, પરંતુ લાઈવ સ્ટ્રીમિંગના બદલે પહેલાથી જ રેકોર્ડેડ સંગીતનું પ્રસારણ કરાશે.
પેરિસ છેલ્લા કેટલાક વર્ષોથી મુસ્લિમ ગેરકાયદે વસાહતીઓના ઉપદ્રવ, તોફાનોના કારણે સળગતું રહ્યું છે. આ કારણથી પણ સરકાર કોઈ એક જ સ્થળ પર મોટી સંખ્યામાં ભીડને એકત્ર કરવાનું ટાળી રહી છે. જોકે, પેરિસના ૮મા અરોન્ડિસમેન્ટનાં મેયર જીન ડીહાઉટેસેરેએ કહ્યું કે, ચેમ્પ્સ-એલિસીસ મોટી સંખ્યામાં લોકોના આવાગમન માટે યોગ્ય નથી.સિડનીમાં આ મહિનાની શરૂઆતમાં જ બોન્ડી બીચ પર યહૂદીઓ વિરુદ્ધ થયેલા જીવલેણ આતંકી હુમલા પછી બોન્ડી બીચ પર નવા વર્ષની પૂર્વ સંધ્યાએ ૩૧ ડિસેમ્બરે થનારો કાર્યક્રમ રદ કરી દેવાયો છે. વેવરલી કાઉન્સિલે કહ્યું કે, આ નિર્ણય જમીની સ્થિતિ અને લોકોની સુરક્ષાની ચિંતાઓના કારણે લેવાયો છે. આયોજકોએ શહેરના યહૂદી સમુદાય સાથે એકતા દર્શાવવા માટે કાર્યક્રમ રદ કરાયો હોવાનું કહ્યું છે. જોકે, ઓસ્ટ્રેલિયાના અન્ય શહેરોમાં આયોજકોએ નવા વર્ષની ઊજવણીના કાર્યક્રમો ચાલુ રાખ્યા છે, પરંતુ સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવી દેવાઈ છે.
જાપાનના ટોક્યોમાં પણ સરકારે ભીડભાડ અને સંભવિત હુમલાના જોખમોને ટાંકીને શિબુયામાં ૩૧ ડિસેમ્બરે નવા વર્ષની ઊજવણીનો કાર્યક્રમ રદ કરી દીધો છે. શિબુયા વોર્ડના મેયર કેન હાસેબે કહ્યું કે, અધિકારીઓ ભીડ સંબંધિત દુર્ઘટનાઓ અને અવ્યવસ્થા રોકવા પર ફોકસ કરી રહ્યા છે. તેમને આતંકી હુમલાની કોઈ ટીપ્સ મળી નથી, પરંતુ તકેદારીના ભાગરૂપે નવા વર્ષ પૂર્વે હજારોની સંખ્યામાં લોકોને એકત્ર થતા ટાળવા આ નિર્ણય લેવાયો છે.


