ટેરિફ મુદ્દે ટ્રમ્પની ટીકા કરનારા જોન બોલ્ટનના ઘરે એફબીઆઈને ત્યાં દરોડા

- ટ્રમ્પ સાથે અસહમત થવું પૂર્વ એનએસએને ભારે પડયું
- ખાનગી દસ્તાવેજોના મેનેજમેન્ટને લગતી તપાસના સંદર્ભમાં એફબીઆઈએ દરોડા પાડયાનો દાવો કરાયો
વોશિંગ્ટન : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ભૂતપૂર્વ સલાહકાર અને હવે તેમના આકરા ટીકાકાર જોન બોલ્ટનને ત્યાં એફબીઆઈએ દરોડો પાડયો હતો. બોલ્ટન સામે આ કાર્યવાહી ટ્રમ્પે ભારત પર લગાવેલા ટેરિફની આકરી ટીકા કરવામાં આવ્યા પછી થઈ છે. આ કાર્યવાહી ખાનગી દસ્તાવેજોના મેનેેજમેન્ટ સાથે સંલગ્ન તપાસના સંદર્ભમાં કરવામાં આવી છે.
જો કે ટ્રમ્પના ભૂતપૂર્વ સલાહકાર જોન બોલ્ટનને ન તો પકડવામાં આવ્યા છે અને અત્યાર સુધી ન તો તેમના પર કોઈ આરોપ લાગ્યો છે. આ દરોડો એવા સમયે પડયો છે જ્યારે બોલ્ટને એક ઇન્ટરવ્યુમાં ટ્રમ્પની ટેરિફ પોલિસીને લઈને તેમને સનકી પ્રમુખ ગણાવ્યા હતા અને તેમની આકરી ટીકા કરી હતી. તેમણે એમ પણ જણાવ્યું હતું કે હાલમાં અમેરિકા-ભારત વચ્ચેના સંબંધ ઘણા ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યા છે.
એફબીઆઈના ડિરેક્ટર કાશ પટેલે આ દરોડાના થોડા સમય પછી જ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતુ કે કોઈપણ કાયદાથી પર નથી. એફબીઆઈના એજન્ટ મિશન પર છે. આ જોતાં એમ જ લાગે કે ભારતમાં જેમ સીબીઆઈ રાજકીય વિરોધીઓ પર ત્રાટકે છે તેમ અમેરિકામાં એફબીઆઈ ત્રાટકે છે.
બોલ્ટને આ ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે યુદ્ધ કરનારા રશિયા પર વધુ પ્રતિબંધ લગાવાયો નથી, ચીન પર પ્રતિબંધ લગાવાયો નથી, યુરોપીયન યુનિયનને કશું કરાયું નથી, ફક્ત ભારત પર જ પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
બોલ્ટને વધુમાં જણાવ્યું હતું કે છેલ્લી કેટલીક અમેરિકન સરકારો એશિયામાં ચીનના પ્રભાવને સંતુલિત કરવા ભારત સાથે કામ કરતી આવી છે. જ્યારે ટ્રમ્પે તો રીતસરનું નીતિગત શીર્ષાસન જ કર્યુ છે. તેની નીતિઓ ભારતને રશિયા-ચીન તરફ ધકેલશે. આના પગલે ટ્રમ્પના શાસનકાળમાં બ્રિક્સ સૌથી મજબૂત વિકલ્પ બનશે. આ બ્રિક્સ આગળ જતા યુરોપીયન યુનિયન, જી-૭ અને ખુદ અમેરિકાનો વિકલ્પ બની જાય તો પણ આશ્ચર્ય નહીં થાય. અમેરિકાની દરેક ભાગીદારી ફક્ત યુરોપ સુધી જ મર્યાદિત છે. જ્યારે બ્રિક્સ સતત વિસ્તરતું જાય છે. વિશ્વની અડધી વસ્તી આજે બ્રિક્સ દેશોમાં વસે છે.









