FBI is looking for a man of Indian Origin: FBI એક ભારતીય યુવકને શોધી રહી છે જેના પર તેની પત્નીની નિર્દયતાથી હત્યા કરવાનો આરોપ છે. FBI 34 વર્ષીય ભાગેડુ ભદ્રેશકુમાર ચેતનભાઈ પટેલને શોધી રહી છે. તે ફરાર હોવાથી તેને FBIની 10 મોસ્ટ વોન્ટેડ ભાગેડુઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યો છે. 2015માં તેની પત્નીની હત્યાના આરોપથી તે યુએસ સ્ટેટ મેરીલેન્ડમાં વોન્ટેડ છે.
ભદ્રેશને પકડવા $2,50,000 સુધીના ઈનામની જાહેરાત
FBIએ ટ્વીટમાં લખ્યું છે કે, 'વોન્ટેડ: સશસ્ત્ર અને અત્યંત ખતરનાક! અમારા FBIના 10 મોસ્ટ વોન્ટેડ ભાગેડુઓમાંના એક ભદ્રેશકુમાર ચેતનભાઈ પટેલને શોધવામાં મદદ કરો. જો તમારી પાસે પટેલ વિશે કોઈ માહિતી હોય, તો કૃપા કરીને FBIનો સંપર્ક કરો. તે પત્નીની હિંસક હત્યાના આરોપમાં વોન્ટેડ છે.'
અગાઉ, FBIએ ભદ્રેશ પટેલની ધરપકડમાં મદદ માટે $2,50,000 સુધીના ઈનામની જાહેરાત પણ કરી હતી.
ભદ્રેશે પત્નીની હત્યા કરી કેવી રીતે?
ભદ્રેશ પટેલ ગુજરાતી મૂળનો યુવાન છે. તેના પર આરોપ છે કે તેણે 12 એપ્રિલ, 2015ના રોજ મેરીલેન્ડના હેનોવરમાં ડંકિન ડોનટ્સ સ્ટોરમાં નાઇટ શિફ્ટ દરમિયાન તેની પત્ની પલક પર હુમલો કર્યો હતો. આ ઘટના ખૂબ જ ક્રૂર હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમના સંબંધો સારા નહોતા. અહેવાલો અનુસાર પટેલે તેની પત્ની પર રસોડામાં છરી વડે ઘણી વખત હુમલા કરીને તેની હત્યા કરી હતી. આ ઘૃણાસ્પદ હત્યા ગ્રાહકોની સામે થઈ હતી અને દુકાનના સીસીટીવી કેમેરામાં પણ આ ઘટના કેદ થઈ ગઈ હતી.
ભારત આવવાને લઈને થયો વિવાદ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પલક ભારત પરત ફરવાની યોજના બનાવી રહી હતી. બંનેના વિઝા પૂરા થવામાં થોડો સમય બાકી હતો. પલક અમેરિકામાં રહેવાની વિરુદ્ધ હતી. જયારે ભદ્રેશ અમેરિકામાં જ રહેવા માંગતો હતો. આ વિવાદને કારણે બંને વચ્ચે ઘણી દલીલો થઈ હતી.
પત્નીની હત્યા બાદ ભદ્રેશ ફરાર છે. એપ્રિલ 2015 માં, બાલ્ટીમોરમાં યુએસ ડિસ્ટ્રિક્ટ કોર્ટે તેની સામે ધરપકડ વોરંટ જારી કર્યું. ભદ્રેશ છેલ્લે ન્યુ જર્સીની એક હોટેલથી નેવાર્ક ટ્રેન સ્ટેશન સુધી ટેક્સી લેતા જોવા મળ્યો હતો.


