ખ્ર્રિસ્તી રાષ્ટ્રમાં ખોટા હિન્દુ ભગવાનની ખોટી પ્રતિમા : સાંસદ ડંકને ઝેર ઓક્યું
- ટ્રમ્પના રિપબ્લિકન પક્ષના સાંસદે હનુમાનજીનું અપમાન કરતા હોબાળો
- સાંસદ એલેક્ઝાન્ડર ડંકન સામે પગલાં લેવા હિન્દુ અમેરિકન સંગઠનોની ટેક્સાસ રિપબ્લિકન પાર્ટી સમક્ષ માગણી
- ટેક્સાસમાં અષ્ટલક્ષ્મી મંદિરમાં ગયા વર્ષે હનુમાનજીની 90 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કરાયું હતું
ટેક્સાસ : ટેરિફ અને દ્વિપક્ષીય વેપાર મુદ્દે ભારત અને અમેરિકાના સંબંધો છેલ્લા કેટલાક સમયથી વણસ્યા છે. પ્રમુખ ટ્રમ્પે ભારત પર દબાણ વધાર્યું છે તેનાથી સ્થિતિ વધુ કથળી છે. જોકે, ટ્રમ્પે પીએમ મોદીની પ્રશંસા કરી બંને દેશના સંબંધો સુધારવાના સંકેત આપ્યા છે. પરંતુ આ પહેલાં જ ટ્રમ્પના રિપબ્લિકન પક્ષના સાંસદ એલેક્ઝાન્ડર ડંકને વિવાદસ્પદ ટીપ્પણી કરતા ભગવાન હનુમાનનું અપમાન કર્યું છે.
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના રિપબ્લિકન પક્ષને ગયા વર્ષે પ્રમુખપદની ચૂંટણીમાં અમેરિકન હિન્દુઓએ મોટા પ્રમાણમાં મત આપ્યા હતા, પરંતુ પ્રમુખ બન્યા પછી હવે ટ્રમ્પ અને રિપબ્લિકન પાર્ટીનું વલણ બદલાઈ ગયું છે. ટ્રમ્પ અને તેમના સાથી નેતાઓ અત્યાર સુધી ભારત અને હિન્દુઓ વિરોધી નિવેદનો આપતા હતા, પરંતુ તેમણે હવે હિન્દુ ભગવાન માટે પણ વિવાદાસ્પદ નિવેદનો આપવાનું શરૂ કર્યું છે.
અમેરિકાના ટેક્સાસમાં અષ્ટલક્ષ્મી મંદિરમાં ગયા વર્ષે ૯૦ ફૂટ ઊંચી ભગવાન હનુમાનની પ્રતિમાનું અનાવરણ કરાયું હતું. ભગવાન હનુમાનની આ પ્રતિમા અમેરિકાની ત્રીજી સૌથી ઊંચી પ્રતિમા છે. આ પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓળખાય છે. આ પ્રતિમાનો રિપબ્લિકન સાંસદ એલેક્ઝાન્ડર ડંકને વિરોધ કર્યો છે, જેનાથી હિન્દુ સંગઠનનો ગુસ્સો ભડકી ઊઠયો છે. અમેરિકામાં રહેતા હિન્દુઓએ રિપબ્લિકન પાર્ટી સમક્ષ પગલાં લેવાની માગણી કરી છે.
એલેક્ઝાન્ડર ડંકને હનુમાનજીની પ્રતિમાનો વીડિયો શૅર કરતા લખ્યું કે, એક ખોટા ભગવાનની ખોટી પ્રતિમાને ટેક્સાસમાં સ્થાપિત કરવાની મંજૂરી શા માટે અપાઈ છે? આપણે એક ખ્રિસ્તી રાષ્ટ્ર છીએ. અન્ય એક પોસ્ટમાં તેણે લખ્યું, બાઈબલમાં લખ્યું છે, મારા સિવાય તમારા અન્ય કોઈ ભગવાન હોઈ શકે નહીં. તમે ધરતી પર, સ્વર્ગમાં અથવા સમુદ્રમાં પોતાના માટે કોઈ પ્રતિમા, તસવીર બનાવી શકો નહીં.
ડંકનની આ પોસ્ટ પછી અમેરિકામાં ભારે વિરોધ થઈ રહ્યો છે. હિન્દુ અમેરિકન ફાઉન્ડેશને ડંકનના નિવેદનને હિન્દુ વિરોધી અને ઉશ્કેરણીજનક ગણાવ્યું હતું. હિન્દુ સંગઠને સોશિયલ મીડિયા પોસ્ટ શૅર કરતા લખ્યું, ટેક્સાસ સરકાર શું તમે તમારા સાંસદને શિસ્તમાં રહેતા શીખવાડશો? તમારો પક્ષ ભેદભાવનો વિરોધ કરે છે પરંતુ તમારા સાંસદ ખુલ્લેઆમ પક્ષના નિર્દેશોના ધજાગરા ઉડાવી રહ્યા છે અને હિન્દુઓ વિરુદ્ધ નફરત ફેલાવી રહ્યા છે. ડંકનની પોસ્ટ પર પ્રતિયાત્રા કરતાં એક યુઝરે લખ્યું, તમે હિન્દુ નથી, માત્ર તેના કારણે જ તમે હનુમાનજીને ખોટા ગણાવી શકો નહીં. વેદ ઈસા મસીહના જન્મથી પણ ૨૦૦૦ વર્ષ પહેલાં લખાયા હતા. આ કોઈ સામાન્ય દસ્તાવેજ નથી. તમારો ખ્રિસ્તી ધર્મ પણ તેનાથી પ્રભાવિત છે. તમે આ અંગે થોડું રિસર્ચ કરો તો વધુ સારું રહેશે.