Get The App

ફેસબુક એડનો બહિષ્કાર : ઝકરબર્ગની સંપત્તિમાં સાત અબજ ડોલરનો ઘટાડો

- ફેસબુકના શેરમાં એક જ દિવસમાં 8.3 ટકાનું ધોવાણ

- બ્રિટિશ કંપની યુનિલિવરે ફેસબુક પ્લેટફોર્મમાં જાહેરાતનો બહિસ્કાર કર્યા પછી અન્ય કંપનીઓ પણ કેમ્પેઈનમાં જોડાઈ

Updated: Jun 27th, 2020

GS TEAM

Google News
Google News
ફેસબુક એડનો બહિષ્કાર : ઝકરબર્ગની સંપત્તિમાં સાત અબજ ડોલરનો ઘટાડો 1 - image


કેલિફોર્નિયા, તા. 27 જૂન, 2020, શનિવાર

બ્રિટનની મલ્ટિનેશનલ કંપની યુનિલિવરે ફેસબુકના પ્લેટફોર્મનો બહિસ્કાર કરવાની જાહેરાત કરી હતી. એ પછી એમાં અન્ય કંપનીઓ પણ જોડાઈ હતી. તેના કારણે ફેસબુકના શેર માર્કેટમાં 8.3 ટકાનું ધોવાણ થયું હતું. માર્ક ઝકરબર્ગની સંપત્તિમાં સાત અબજ ડોલરનો ઘટાડો થયો છે. વિશ્વના ધનવાનોની યાદીમાં પણ ઝકરબર્ગની પીછેહઠ થઈ હતી.

ફેસબુકના શેરમાં 8.3 ટકાનું ધોવાણ એક જ દિવસમાં થયું હતું. ત્રણ મહિનામાં ફેસબુકના શેરમાં થયેલો આ સૌથી મોટો કડાકો છે. આ કડાકાની અસર માર્ક ઝકરબર્ગની સંપત્તિમાં થયો હતો. ઝકરબર્ગની સંપત્તિમાં 7.2 અબજ ડોલરનો ઘટાડો થયો હતો. 

વિશ્વની સૌથી મોટી એડવર્ટાઈઝર કંપની યુનિલિવરે ફેસબુકનો બોયકોટ કર્યો હતો. યુનિલિવરે કહ્યું હતું કે આ વર્ષથી તે ફેસબુકના પ્લેટફોર્મમાં જાહેરાત સદંતર બંધ કરી દેશે. યુનિલિવરના પગલે પગલે બીજી ઘણી કંપનીઓ પણ ફેસબુકમાં જાહેરાત ન આપવાના કેમ્પેઈનમાં જોડાઈ હતી.

વેરિઝોન કોમ્યુનિકેશન, ચોકલેટ પ્રોડક્ટમાં મોટું નામ એવી હેર્સી કંપની વગેરેએ છેલ્લાં થોડાંક સમયથી ફેસબુક પ્લેટફોર્મમાં જાહેરાત આપવાનું બંધ કર્યું છે. કોકાકોલાએ પણ જાહેરાત કરી હતી કે છેલ્લાં 30 દિવસમાં કંપનીએ ફેસબુકને જાહેરાત આપવાનું બંધ કરી દીધું છે.

બ્લૂમબર્ગ બિલિયોનેરના લિસ્ટ પ્રમાણે કંપનીઓના ફેસબુક બહિસ્કાર પછી ફેસબુકની માર્કેટ વેલ્યુમાં જે ફેરફાર થયો તેના કારણે ધનવાનોની યાદીમાંથી પણ ઝકરબર્ગની પીછેહઠ થઈ છે. ઝકરબર્ગની સંપત્તિમાં સાત ડોલરનો ઘટાડો થતાં તે ચોથા ક્રમે ખસેડાયા હતા. તેનું ત્રીજું સૃથાન ફ્રાન્સના બિઝનેસમેન બર્નાર્ડ આર્નોલ્ડે લીધું હતું. ઝકરબર્ગની સંપત્તિ ઘટીને 82 અબજ ડોલર થઈ હતી.

ઉલ્લેખનીય છે કે ફેસબુક હેટ સ્પીચ બાબતે અને નફરત ફેલાવતી તેમ જ પૂર્વગ્રહ ધરાવતી પોસ્ટનો ફેલાવો કરવામાં નિષ્ફળ નીવડી છે એવું કહીને ઘણી કંપનીઓએ ફેસબુકના વલણની આકરી ટીકા કરી હતી. ફેસબુક નફરત ફેલાવતા યુઝર્સ સામે અને કંપનીઓ સામે પગલાં ભરતી ન હોવાની ફરિયાદ છેલ્લાં ઘણાં સમયથી ઉઠી છે.

Tags :