અમેરિકા ભારતીયો સહિત હજારો વિદ્યાર્થીઓના વિઝા રદ કરશે, ઈમેલ મોકલી દેશ છોડવા આદેશ
F-1 Visa Revoked : અમેરિકામાં ડેમોક્રેટ નેતા ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ બન્યા પછી દેશભરમાં ભારે ઉથલ-પાથલ મચી છે. ટ્રમ્પ સરકારે હવે એફ-૧ વિઝા ધરાવતા વિદ્યાર્થીઓને જાતે જ દેશ છોડી દેવા અથવા દંડ, ધરપકડ કે હકાલપટ્ટીનો સામનો કરવા માટે તૈયાર રહેવા જણાવ્યું છે. આ સાથે અમેરિકાએ ગાઝા તરફી દેખાવો કરનારા વિદ્યાર્થીઓના એફ-૧ વિઝા રદ કરવાનું શરૂ કરી દીધું છે. અમેરિકન સરકારે હજારો વિદ્યાર્થીઓને મોકલેલા ઈ-મેલથી ભારતીય વિદ્યાર્થીઓમાં પણ ગભરાટ ફેલાઈ ગયો છે.
સ્વેચ્છાએ દેશ છોડી ચાલ્યા જાઓ: અમેરિકા
અમેરિકન વિદેશ વિભાગે હજારો વિદ્યાર્થીઓને ઈ-મેલ મોકલ્યો છે, જેમાં તેમને દેશ છોડી દેવા માટે જણાવાયું છે. વિદ્યાર્થીઓ પર કોલેજ કેમ્પસોમાં ઈઝરાયેલના વિરોધમાં અને હમાસની તરફેણમાં થયેલા દેખાવો અને આંદોલનમાં જોડાવાનો આરોપ મૂકાયો છે. આ આંદોલનો સમયે યહુદી વિરોધી ભાવનાઓ પણ ફેલાઈ હોવાનો દાવો કરાયો હતો. હવે અમેરિકન સરકાર આવા વિદ્યાર્થીઓને શોધી-શોધીને વિઝા રદ કરી રહી છે. વિદ્યાર્થીઓને મોકલવામાં ઈ-મેલમાં ચેતવણી અપાી છે કે કાયદેસરના ઈમિગ્રેશન સ્ટેટસ વિના અમેરિકામાં રહેતા હશો તો તેમણે દંડ, ધરપકડ અને હકાલપટ્ટીનો સામનો કરવો પડી શકે છે.
કેમ કરાઇ કાર્યવાહી?
ટ્રમ્પ તંત્રની આ કાર્યવાહી કોલેજ કેમ્પસોમાં યોજાયેલા દેખાવોમાં શારીરિકરૂપે જોડાયા હોય તેવા વિદ્યાર્થીઓ સુધી જ મર્યાદિત નથી. પરંતુ 'રાષ્ટ્ર વિરોધી' પોસ્ટ શૅર કરી હોય અથવા લાઈક કરી હોય તેવા વિદ્યાર્થીઓ સામે પણ ટ્રમ્પ તંત્રે લાલ આંખ કરી છે અને તેમને દેશ છોડવા માટે ઈમેલ મોકલ્યો છે. અમેરિકાના વિદેશ મંત્રી રુબિયોએ ગુરુવારે ગુયાનામાં કહ્યું હતું કે, વર્તમાન સમયમાં એફ-૧ વિઝા રદ કરાયા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા ૩૦૦થી વધુ હોઈ શકે છે. મને જ્યારે પણ આવા ગાંડા વિદ્યાર્થીઓ મળે છે તો હું તેમના વિઝા આંચકી લઉં છું. દુનિયાના દરેક દેશને એ નિશ્ચિત કરવાનો અધિકાર છે કે કોણ તેમની ધરતી પર આવશે અને કોણ નહીં.
રુબિયોની ઓફિસે તાજેતરમાં જ એક એઆઈ-સંચાલિત એપ 'કેચ એન્ડ રિવોક' પણ લોન્ચ કરી છે. આ એપ મારફત હમાસ અથવા અન્ય વોન્ટેડ આતંકી સંગઠનોનું સમર્થન કરનારા વિદ્યાર્થીઓને ઓળખી શકાય અને તેમના વિઝા રદ કરી શકાય. વિદેશ વિભાગ નવા વિદ્યાર્થીઓની અરજી પણ તપાસી રહ્યો છે. કોઈપણ શ્રેણીની અરજી જેમ કે એફ (એકેડમિક અભ્યાસ વિઝા), એમ (વ્યાવસાયિક અભ્યાસ વિઝા) અથવા જે (એક્સચેન્જ વિઝા)માં અરજદાર પર રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિઓને સપોર્ટ કરવાનું ઉદાહરણ મળે તો તેવા અરજદારોને અમેરિકામાં પ્રવેશ નહીં મળે.
ઈ-મેલમાં વિદ્યાર્થીઓને એક એપનો ઉપયોગ કરીને જાતે જ દેશમાંથી નીકળી જવા કહેવાયું છે. આ એપ ટ્રમ્પ તંત્રે ૧૦ માર્ચે લોન્ચ કરી હતી. મેલમાં વિદ્યાર્થીઓને કહેવાયું છે કે તમારા વિઝા ઈશ્યુ થયા પછી અન્ય માહિતી મળી છે, ત્યાર બાદ તમારા વિઝા રદ કરી દેવાયા છે. ઈ-મેલમાં વિઝા પૂરા થવાની તારીખ પણ લખી છે. વિદ્યાર્થીઓને ચેતવણી અપાઈ છે કે તેઓ હજુ પણ અમેરિકામં રહેતા હશે તો તેમણે દંડ, ધરપકડ અને હકાલપટ્ટીનો સામનો કરવો પડી શકે છે. સરકારી અધિકારી આપની કોલેજના અધિકારીને તમારા એફ-૧ વિઝા રદ થઈ ગયા હોવા અંગે જણાવી દેશે. વધુમાં એમ પણ લખાયું છે કે તમે ભવિષ્યમાં અમેરિકાના વિઝા માટે અયોગ્ય પણ બની શકો છો. નિર્વાસિત કરવામાં આવેલી વ્યક્તિઓને તેમના મૂળ દેશો ઉપરાંત અન્ય દેશોમાં મોકલી શકાય છે. હાંકી કઢાયેલા વિદ્યાર્થી ભવિષ્યમાં અમેરિકા પાછા ફરવા માગતા હોય તો તેમણે નવા વિઝા માટે અરજી કરવી પડશે અને પછી તેમની યોગ્યતાનું પુનર્મૂલ્યાંકન કરાશે. ઈ-મેલમાં વિદ્યાર્થીઓને દેશ છોડવાની પ્રક્રિયા પણ જણાવાઈ છે. જે વિદ્યાર્થીઓ જાતે જ દેશ છોડવા માગતા હોય તેમણે સીબીપી હોમ એપનો ઉપયોગ કરીને બતાવવું પડશે કે તેઓ અમેરિકા છોડવા માગે છે. અન્યથા તેમની સામે પગલાં લેવાશે.
અમેરિકામાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના પુનરાગમન પછી ભારતીય સહિત વિદેશી વિદ્યાર્થીઓની મુશ્કેલીઓ વધી છે. ટ્રમ્પની આકરી ઈમિગ્રેશન નીતિઓથી વિદ્યાર્થીઓ એટલા ભયભીત છે કે યુનિવર્સિટીઓમાં વેકેશન હોવા છતાં તેઓ સ્વદેશ પરત ફરવાનું ટાળી રહ્યા છે.
વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ
અમેરિકન પ્રમુખ ટ્રમ્પની ઈમિગ્રેશન નીતિએ વિદ્યાર્થીઓમાં અનિશ્ચિતતાનું વાતાવરણ પેદા કરી દીધું છે. કેટલીક કોલેજોએ વિદ્યાર્થીઓને અમેરિકાની બહાર નહીં જવા ચેતવણી પણ આપી દીધી છે. તેમનું કહેવું છે કે પોતાના દેશથી અમેરિકા પાછા ફરતી વખતે તેમણે આકરા નિયમોનો સામનો કરવો પડી શકે છે. મીડિયા અહેવાલ મુજબ યુનિવર્સિટી ઓફ સધર્ન કેલિફોર્નિયામાં માસ્ટર્સ કરતી ભારતીય વિદ્યાર્થિનીએ કહ્યું કે, જયપુરમાં તેની બહેનના લગ્ન છે. તે ભારત આવવા માગતી હતી, પરંતુ તેને અમેરિકામાં ફરીથી એન્ટ્રી પર પ્રતિબંધનો ડર લાગતા ત્યાં જ રોકાઈ ગઈ. આવી જ સ્થિતિ અન્ય ભારતીય વિદ્યાર્થીઓની પણ છે. કોઈ બીમાર દાદીને જોવા માટે તો કોઈ અન્ય પારિવારિક કારણથી ભારત આવવા માગતું હતું. પરંતુ અમેરિકામાં ફરી એન્ટ્રી મળશે કે કેમ તેના ડરથી તેમણે અમેરિકા છોડવાનું યોગ્ય માન્યું નહીં.
વેકેશન કરવા ભારત નથી આવી રહ્યા વિદ્યાર્થીઓ
ટ્રમ્પ વિઝા નીતિઓમાં ફેરફાર કરી રહ્યા હોવાથી અનેક વિદ્યાર્થીઓએ વેકેશનમાં પણ ભારત આવવાનું ટાળ્યું છે. બ્રાઉન, કાર્નેલ, એમઆઈટી, કોલંબિયા અને યેલ જેવી યુનિવર્સિટીઓએ વિદ્યાર્થીઓ અને સ્ટાફને અમેરિકાની બહાર પ્રવાસ નહીં કરવા સલાહ આપી છે. ભારતીય વિદ્યાર્થીઓને પણ સાવધ રહેવા સલાહ અપાઈ છે. ભારતીય માતા-પિતા પણ અમેરિકામાં ભણતા તેમના સંતાનોને સોશિયલ મીડિયા અથવા રાજકારણથી દૂર રહેવા સલાહ આપી રહ્યા છે. ૨૦૨૪માં અમેરિકાએ ૨.૭૯ લાખ એફ-૧ વિઝા અરજી રદ કરી હતી, જે કુલ અરજીના ૪૧ ટકા હતી. વિદ્યાર્થીઓને ડર છે કે આ વર્ષે વધુ એફ-૧ વિઝા અરજીઓ રદ થઈ શકે છે.
અમેરિકામાં અભ્યાસ અને ત્યાર પછી નોકરી કરવી તે સેંકડો યુવાનોનું સપનું હોય છે, પરંતુ અમેરિકામાં ડિગ્રી મેળવ્યા પછી નોકરી મેળવવી ખૂબ જ મુશ્કેલ છે. યુનિવર્સિટીઓમાં જંગી ફી, વિઝાની અનિશ્ચિતતા, જોબ માર્કેટમાં અસ્થિરતા અને માનસિક સ્વાસ્થ્યની ચિંતા વિદેશમાં વસવાટની વિદ્યાર્થીઓની આશાઓને પડકારી શકે છે.
અમેરિકામાં દેખાય છે એવું બધું સારું નથી અને ત્યાં જઈને અભ્યાસ કર્યા પછી તરત જ નોકરી મળી જવાની વાત પણ પોકળ છે. આ બાબત રેડિટ પર એક યુઝરે શૅર કરી છે. તેણે દાવો કર્યો કે તેની પાસે માસ્ટર ઓફ સાયન્સની ડિગ્રી છે, પરંતુ નોકરી નથી મળી રહી. કોચિંગ માફિયા અમેરિકા કરોડો રૂપિયાની કમાણીની તકોનો દેશ હોવાના દાવા કરીને કૌભાંડ કરી રહ્યા છે. આગામી ત્રણથી ચાર વર્ષ સુધી અમેરિકા ના આવશો. વિદ્યાર્થીઓએ નોકરી મેળવવા માટે ભારે સંઘર્ષ કરવો પડે છે. અમેરિકન યુનિવર્સિટીસ તમારા રૂપિયા લઈ લે છે. તમારા પર જંગી દેવું અને ડિપ્રેશન રહી જાય છે.
અન્ય એક યુઝરે પણ પોતાનો અનુભવ શૅર કરતાં રેડિટ પોસ્ટ ઝડપથી વાયરલ થઈ ગઈ છે. અમેરિકામાં રહેતા અન્ય યુઝર્સે પણ અમેરિકામાં નોકરી અંગેના તેમના કડવા અનુભવો વર્ણવ્યા છે. એક યુઝરે બ્રિટનની પરિસ્થિતિ સાથે સરખામણી કરતા લખ્યું, બ્રિટનમાં ૨૦૨૧થી જ નોકરી મેળવવી મુશ્કેલ છે. આજકાલ એક ભારતીય સ્પોન્સર ત્યારે જ કામનો છે, જ્યારે તે અસાધારણ હોય. મને અત્યારે ઈંગ્લેન્ડમાં વિદેશમાં અભ્યાસનો કોઈ અર્થ દેખાતો નથી.
અન્ય એક યુઝરે પણ અમેરિકા અને બ્રિટન જેવા દેશોમાં નોકરી નહીં મળવાની વાતો લખી છે. તેણે લખ્યું, ૨૦૨૨ સુધી લોકો પાસે ગ્રેજ્યુએશન પહેલા ત્રણ નોકરીની ઓફર હતી. હવે ગ્રેજ્યુએશનના એક વર્ષ પછી પણ તેની પાસે એક પણ નોકરી નથી. તમારે તો જ અમેરિકા અને બ્રિટન જેવા દેશોમાં આવવું જોઈએ જ્યારે તમારા માતા-પિતા અમીર હોય અને મોટું જોખમ લેવા માગતા હોય, જ્યાં તમે યુનિવર્સિટીને અપાતી બધી જ રકમ ગુમાવી શકો છો. અમેરિકામાં જોબ માર્કેટ ખૂબ જ ખરાબ થઈ ગયું છે.