Get The App

Explainer: વેનેઝુએલા પર 150 અબજ ડૉલરનું દેવું, જાણો કોણ કરશે વસૂલાત અને કોના ભાગે શું આવશે

Updated: Jan 6th, 2026

GS TEAM

Google News
Google News
Explainer: વેનેઝુએલા પર 150 અબજ ડૉલરનું દેવું, જાણો કોણ કરશે વસૂલાત અને કોના ભાગે શું આવશે 1 - image


Venezuela Debt: વેનેઝુએલા ક્રૂડ ઓઇલના વિશાળ ભંડારને કારણે એક સમયે દક્ષિણ અમેરિકાનો સૌથી સમૃદ્ધ દેશ હતો, પરંતુ આજે તે વિશ્વના સૌથી મોટો દેવાદાર છે. વેનેઝુએલાના રાષ્ટ્રપતિ નિકોલાસ માદુરોના કાર્યકાળમાં એટલું ભયંકર આર્થિક સંકટ ઊભું થયું કે 2017થી આજ સુધીમાં વેનેઝુએલા ઘણાં આંતરરાષ્ટ્રીય દેવા ચૂકવી નથી શક્યું. 'સાર્વભૌમ ડિફોલ્ટ' (Sovereign Defaults) કહેવાતી આ સ્થિતિમાં પ્રશ્ન એ છે કે અબજો ડૉલરના દેવાની વસૂલાત કોણ અને કેવી રીતે કરશે.

150થી 170 અબજ અમેરિકન ડૉલરનું દેવું બાકી છે 

વિશ્લેષકોના મતે વેનેઝુએલા અને તેની રાષ્ટ્રીય તેલ કંપની PDVSA(Petróleos de Venezuela, S.A.)નું કુલ દેવું 150થી 170 અબજ અમેરિકન ડૉલર જેટલું થવા જાય છે. તેમાં આંતરરાષ્ટ્રીય બોન્ડ, વ્યાજ, કાનૂની દાવા, ચીન-રશિયા જેવા દેશે આપેલી જંગી લોન અને આર્બિટ્રેશન ઍવૉર્ડ્સ(વિદેશી ઓઇલ કંપનીઓનું રાષ્ટ્રીયકરણ કરી દેવાતાં વેનેઝુએલાએ ઓઇલ કંપનીઓને આપવાની રકમ)નો સમાવેશ થાય છે. માત્ર ડિફોલ્ટ થયેલા બોન્ડની રકમ જ 60 અબજ ડૉલરની આસપાસ છે. વેનેઝુએલાની વાર્ષિક આર્થિક આવક (GDP) અંદાજે 83 અબજ ડૉલર છે, એટલે કે દેશનું દેવું તેની આર્થિક ક્ષમતા કરતાં બમણાથી પણ વધારે છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે વેનેઝુએલાને માથે ચઢેલા દેવાની સંપૂર્ણ વસૂલાત શક્ય જ નથી. 

Explainer: વેનેઝુએલા પર 150 અબજ ડૉલરનું દેવું, જાણો કોણ કરશે વસૂલાત અને કોના ભાગે શું આવશે 2 - image

વેનેઝુએલાનું દેવું મુખ્યત્વે ચાર ભાગમાં વહેંચી શકાય 

1.  બોન્ડ હોલ્ડર્સ: આંતરરાષ્ટ્રીય બોન્ડ ધરાવતા રોકાણકારો, જેમાં કેટલાક 'ગીધ ફંડ્સ' (ડિસ્ટ્રેસ્ડ-ડેટ સ્પેશ્યાલિસ્ટ) પણ છે, ઓછી કિંમતે દેવું ખરીદીને વસૂલાતની રાહ જોઈ રહ્યા છે. આર્થિક રીતે મૃત દેશો કે કંપનીઓના ભોગે પોષણ મળતું હોય એ સ્થિતિ ‘ગીધ ફંડ્સ’ (Vulture Funds) તરીકે ઓળખાય છે. 

2.  કોર્ટની માન્યતા પ્રાપ્ત દાવેદારો: કોનોકોફિલિપ્સ અને ક્રિસ્ટલેક્સ જેવી ઓઇલ કંપનીઓની સંપત્તિ વેનેઝુએલામાં જપ્ત કરાઈ હતી. આંતરરાષ્ટ્રીય મધ્યસ્થીએ એ કંપનીઓને મોટી રકમની ભરપાઈ આપવાનું ઠરાવ્યું હતું, જે વેનેઝુએલા કરી શક્યું નથી. તેથી આ કંપનીઓ પણ વેનેઝુએલાની લેણદાર બની ગઈ છે.

3.  લોન આપનારા દેશો: ચીન અને રશિયાએ પૂર્વ રાષ્ટ્રપતિ ચાવેઝ અને રાષ્ટ્રપતિ માદુરોને ઓઇલ સપ્લાયના બદલામાં વિશાળ લોન આપી હતી, જે બંને દેશે વસૂલવાની છે.

4. ‘સિટગો’ના દાવેદારો: વેનેઝુએલાની ઓઇલ રિફાઇનરી ‘સિટગો’ (હવે ‘પીડીવી હોલ્ડિંગ’) પર સૌથી વધુ દાવો કરાયો છે. અમેરિકાની ડેલવેર કોર્ટમાં માત્ર આ એક કંપની પર જ 19 અબજ ડૉલરથી વધુના દાવા દાખલ થયા છે, જ્યારે સિટગોનું મૂલ્ય આટલું નથી. તેનો અર્થ એ થાય કે, જે લેણદાર સૌથી પહેલા સિટગો જપ્ત કરશે તેને જ તેના નાણાં પરત મળશે. બાકી લેણદારોના હાથમાં કશું નહીં આવે. માટે જ સિટગોને કબજે કરવા માટે લેણદારોમાં સ્પર્ધા જામી છે.

દેવાનું પુનર્ગઠન એક લાંબી અને કઠિન પ્રક્રિયા છે

અધધધ દેવા અને અનેક દાવાના કારણે વેનેઝુએલાના દેવાનું પુનર્ગઠન (રિસ્ટ્રક્ચરિંગ) ખૂબ જ જટિલ અને વર્ષો સુધી ચાલનારી પ્રક્રિયા છે. એમાં બે મુખ્ય અવરોધો છે. 

1. અંતરરાષ્ટ્રીય નાણા કોષ (IMF): કોઈપણ દેશે દેવાનું સફળ પુનર્ગઠન કરવા માટે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ(IMF)ના માર્ગદર્શનની જરૂર પડે છે, પરંતુ વેનેઝુએલાએ તો છેલ્લા 20 વર્ષોથી IMF સાથે કોઈ સંપર્ક કે સંબંધ રાખ્યો જ નથી. IMF જેવો કોઈ ‘ભરોસાનો પુલ’ ન હોવાથી વેનેઝુએલાના દેવાના પુનર્ગઠનમાં અવરોધ સર્જાયો છે.  

2. અમેરિકાના પ્રતિબંધો: અમેરિકાએ 2017થી વેનેઝુએલા પર જે કડક આર્થિક પ્રતિબંધો મૂક્યા છે, તેના કારણે વેનેઝુએલાની અમેરિકન નાણાકીય પ્રણાલી અને કેપિટલ માર્કેટ સાથેની લગભગ બધી જ પહોંચ બંધ થઈ ગઈ છે. આનો સીધો અર્થ એ થયો કે વેનેઝુએલા હવે નવા બોન્ડ જારી કરી શકતું નથી, ખુલ્લા બજારમાંથી નાણાં ઉઠાવી શકતું નથી. જૂનું દેવું ફરીથી રિસ્ટ્રક્ચર કરવા માટે પણ અમેરિકન ટ્રેઝરી વિભાગની ખાસ મંજૂરીની જરૂર પડે છે. અમેરિકન પ્રમુખ ટ્રમ્પે વેનેઝુએલાને 'ચલાવવા' અને ત્યાં અમેરિકન રોકાણને પ્રોત્સાહન આપવાની વાત કરી છે, પરંતુ ટ્રેઝરી વિભાગ દ્વારા લદાયેલા આ મૂળ પ્રતિબંધો હજુ પણ લાગુ છે. તેથી, વેનેઝુએલા માટે આંતરરાષ્ટ્રીય નાણા બજારમાં પાછું ફરવું હાલ શક્ય નથી.

લેણદારોને કેટલા નાણાં મળશે? 

વેનેઝુએલાના લેણદારોને તેમની મૂળ રકમના કેટલા ટકા પૈસા મળશે તે અંગે અલગ-અલગ અંદાજ મળે છે. હાલમાં, બજારમાં તેના બોન્ડની કિંમત મૂળ કિંમતના માત્ર 27થી 32 ટકા જેટલી (27-32 સેન્ટ પ્રતિ ડૉલર) છે. નાણાકીય વિશ્લેષકો કહે છે કે દેશને સ્થિર કરવા માટે દેવામાં ઓછામાં ઓછો 50 ટકા કાપ જરૂરી છે. જો નવા બોન્ડ અને તેલની કિંમત સાથે જોડાયેલા વોરંટ (ભવિષ્યમાં વધુ નાણાં મેળવવાનું વચન) અપાય, તો વસૂલાત 40થી 50 ટકા વચ્ચે થઈ શકે છે. બીજી તરફ, એબરડીન જેવી રોકાણ સંસ્થાઓનો અંદાજ છે કે રાજકીય પ્રગતિ અને પ્રતિબંધોમાં સગવડ મળતા વસૂલાત 30થી 40 ટકા સુધી વધી શકે છે. સરળ શબ્દોમાં કહીએ તો જે લેણદારને 100 ડૉલર મળવાના છે, તેને અંતે 30થી 50 ડૉલર જ મળવાની સંભાવના છે.

વેનેઝુએલાની આર્થિક સ્થિતિ વહેલી સુધરવાના અણસાર નથી 

ઓઇલના ભાવમાં વધારો, ઉત્પાદનમાં ઘટાડો, ભીષણ ફુગાવો અને ગરીબી વધવાને કારણે વેનેઝુએલાનું અર્થતંત્ર 2013થી કંગાળ થઈ રહ્યું છે. ઓઇલ ઉપરાંત આવકનો બીજો કોઈ મોટો સ્ત્રોત ન હોવાથી દેવું ચૂકવવાની ક્ષમતા ખૂબ મર્યાદિત છે. હાલમાં અમેરિકાએ ઓઇલ ટેન્કરો પર નાકાબંધી કરી હોવાથી વેનેઝુએલાની આવક અટકી ગઈ છે. ટ્રમ્પે અમેરિકન ઓઇલ કંપનીઓને વેનેઝુએલામાં રોકાણ માટે આમંત્રણ આપ્યું છે, પરંતુ અશાંત રાજકીય વાતાવરણમાં કઈ કંપની આવું જોખમ લે? 

આમ, દેવાનો બોજ ઓછો કરવા માટે વેનેઝુએલામાં મોટા આર્થિક સુધારાની સાથે રાજકીય સ્થિરતા પણ જરૂરી છે. જ્યાં સુધી એ ન થાય, ત્યાં સુધી દેશ અને તેના લેણદારો બંને માટે આ સંકટનો ઉકેલ નહીં આવે.