Explainer: જર્મનીમાં કટ્ટર જમણેરીઓનો ઉદય, જાણો ભારતીયો અને ખાસ કરીને વિદ્યાર્થીઓ પર શું અસર થશે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Germany's Right Wing Politics Impact on Indians : છેલ્લા કેટલાક વર્ષોમાં જર્મની ભારતીય વિદ્યાર્થીઓ, IT પ્રોફેશનલ્સ અને એન્જિનિયરો માટે કારકિર્દી ઘડવાનું એક પસંદગીનું સ્થળ બની ગયું છે. ગુણવત્તાયુક્ત શિક્ષણ અને રોજગારીની તકોને કારણે હજારો ભારતીય યુવાનોએ જર્મની તરફ દોટ મૂકી છે. પરંતુ, તાજેતરમાં જર્મનની રાજનીતિમાં આવેલા મોટા બદલાવે ભારતીયો માટે ચિંતા ઊભી કરી છે. જર્મનીમાં કટ્ટર-જમણેરી (Far-Right) અને ઇમિગ્રેશન-વિરોધી પક્ષ 'ઓલ્ટરનેટિવ ફોર જર્મની' (AfD - Alternative für Deutschland) ના ઝડપી ઉદયથી સવાલ ઊભો થયો છે કે શું જર્મની હવે ભારતીય યુવાનો માટે પહેલાં જેટલું સુરક્ષિત અને આવકારદાયક રહેશે?
જર્મનીમાં ભારતીયોની મજબૂત પકડ
જર્મનીની અર્થવ્યવસ્થામાં ભારતીય સમુદાયનો ફાળો ખૂબ જ મહત્ત્વનો છે.
- વસ્તીમાં વધારો: વર્ષ 2015 માં જર્મનીમાં ભારતીય નાગરિકોની સંખ્યા માત્ર 86,000 હતી, જે 2025 સુધીમાં વધીને આશરે 2,80,000 એ પહોંચી છે.
- હાઈ સ્કિલ્ડ વર્કર્સ: 1,52,000થી વધુ ભારતીયો IT, એન્જિનિયરિંગ અને ટેકનોલોજી જેવા ઉચ્ચ આવક ધરાવતા ક્ષેત્રોમાં છે.
- વિદ્યાર્થીઓ અને પરિવારો: આશરે 59,000 ભારતીય વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરી રહ્યા છે, જ્યારે બાકીના 69,000 લોકોમાં સ્કીલ્ડ વર્કર્સ અને વિદ્યાર્થીઓના પરિવારજનો (જીવનસાથી અને બાળકો) નો સમાવેશ થાય છે.
નાઝી યુગ પછીની સૌથી મોટી રાજકીય ઉથલપાથલ
હાલમાં જ જર્મનીમાં યોજાયેલી રાજ્ય કક્ષાની ચૂંટણીઓએ વૈશ્વિક સ્તરે ધ્યાન ખેંચ્યું છે. સેક્સોની-અન્હાલ્ટ, મેકલેનબર્ગ-વેસ્ટર્ન પોમેરેનિયા અને બર્લિન જેવા રાજ્યોમાં AfD પક્ષે મજબૂત પ્રદર્શન કર્યું છે. બર્લિનમાં યોજાયેલી ચૂંટણીમાં AfD 16.3% મતો સાથે ત્રીજો સૌથી મોટો પક્ષ બન્યો છે. આ સિવાય, પશ્ચિમ જર્મનીના આર્થિક રીતે સમૃદ્ધ રાજ્ય 'બેડન-વુર્ટેમબર્ગ'માં પણ પક્ષનો મતહિસ્સો વધીને 18.8% સુધી પહોંચી ગયો છે. બીજા વિશ્વયુદ્ધ અને નાઝી સરમુખત્યારશાહીના અંત પછી આ પહેલીવાર છે જ્યારે કટ્ટર-જમણેરી પક્ષ રાજકારણમાં આટલો શક્તિશાળી બની રહ્યો છે.
નોકરીઓ અને વસવાટના અધિકારો પર ખતરો
AfD નો મુખ્ય એજન્ડા વિદેશીઓ તેમજ બિન-શ્વેત લોકોના ઇમિગ્રેશન પર રોક મૂકવાનો છે. આ પક્ષના નેતાઓનું માનવું છે કે જર્મનીએ વિદેશી કુશળ કામદારો પર નિર્ભર રહેવાને બદલે જર્મનોને જ પ્રાથમિકતા આપવી જોઈએ. સેક્સોની-અન્હાલ્ટના AfD નેતા ઉલરિચ સિગમંડે વિદેશી ડૉક્ટરો (જેમ કે ભારતીય કે સીરિયન) ને બદલે વિદેશમાં વસતા જર્મનોને પરત લાવવાની હિમાયત કરી છે. જો આ પક્ષ સત્તામાં આવશે તો ભારતીયો માટે વર્ક પરમિટ, વિઝા અને રેસિડન્સ રાઇટ્સ મેળવવું મુશ્કેલ બની શકે છે.
વધતો વંશીય ભેદભાવ અને નાગરિકતાના નિયમો
AfD વિદેશીઓને અપાયેલી નાગરિકતાની સમીક્ષા કરવાની પણ માંગ કરે છે.
- જર્મન નાગરિકતા મેળવનારા ભારતીયોની સંખ્યા 2022 માં 2,775 થી વધીને 2024 માં 4,705 થઈ હતી.
- ભારતમાં બેવડી નાગરિકતાનો નિયમ ન હોવાથી 90%થી વધુ ભારતીયોએ જર્મન પાસપોર્ટ માટે ભારતીય પાસપોર્ટ જમા કરાવ્યો છે.
- કાયદાકીય રીતે આ લોકો સુરક્ષિત હોવા છતાં, 'નેશનલ ડિસ્ક્રિમિનેશન એન્ડ રેસિઝમ મોનિટર' ના રિપોર્ટ મુજબ, જર્મનીમાં અડધાથી વધુ બિન-શ્વેત લોકો (જેઓ દેખાવમાં જર્મન નથી) દર મહિને ઓછામાં ઓછી એક વાર વંશીય ભેદભાવનો અનુભવ કરે છે.
પેલેસ્ટાઈન મુદ્દો અને રાજદ્વારી પડકારો
ભારત અને જર્મની વચ્ચે પેલેસ્ટાઈનના મુદ્દે અલગ રાજદ્વારી દૃષ્ટિકોણ છે. ભારતે 1988 માં પેલેસ્ટાઈનને માન્યતા આપી હતી, જ્યારે જર્મનીએ આપી નથી. AfD ઇઝરાયેલનો કટ્ટર સમર્થક છે. જર્મનીના સુધારેલા નાગરિકતા કાયદા મુજબ, નાગરિકતા ઇચ્છુક વ્યક્તિએ ઇઝરાયેલના અસ્તિત્વનો સ્વીકાર કરવો ફરજિયાત છે. તેથી, ભારતની પેલેસ્ટાઈન નીતિને કારણે ભવિષ્યમાં ભારતીયો માટે નાગરિકતાની પ્રક્રિયા વધુ જટિલ બની શકે છે.
ભારત સરકારે નવી વ્યૂહનીતિ ઘડવી પડશે
અમેરિકામાં વિઝા અને ફી સંબંધી કડક કાયદાના પ્રસ્તાવ બાદ, જર્મનીમાં પણ AfD તે જ દિશામાં આગળ વધી શકે છે. બિન-અંગ્રેજી ભાષી દેશોમાં જર્મની ભારતીયો માટે સૌથી મોટું હબ છે. આગામી સમયમાં AfD નો પ્રભાવ વધશે, તો ભારતે તેના યુવાનો અને પ્રોફેશનલ્સના હિતોનું રક્ષણ કરવા માટે જર્મનીની નવી રાજકીય વાસ્તવિકતા મુજબ નવેસરથી વ્યૂહરચના ઘડવી પડશે.




