Explainer: અમેરિકામાં 90 વર્ષ પછી જાહેરમાં અપાશે મોતની સજા, મૃત્યુદંડના લાઈવ સ્ટ્રીમિંગ મુદ્દે હોબાળો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Fort Hood Shooter Nidal Hasan to Face Firing Squad Live : આધુનિક યુગમાં મોટા ભાગના દેશો તેમના ન્યાય તંત્રને વધુ માનવીય બનાવવા તરફ આગળ વધી રહ્યા છે. પરંતુ અમેરિકાએ એક એવો નિર્ણય લીધો છે જેણે સમગ્ર વિશ્વનું ધ્યાન ખેંચ્યું છે. અમેરિકા લગભગ 90 વર્ષ પછી ફરી એકવાર જાહેરમાં કોઈને મૃત્યુદંડ આપવા જઈ રહ્યું છે. પેન્ટાગોને જાહેરાત કરી છે કે 3 ડિસેમ્બરે 'ફોર્ટ હૂડ' શૂટર નિદાલ હસનને 'ફાયરિંગ સ્ક્વોડ' (રાઇફલધારી સૈનિકો) દ્વારા અપાનારી મૃત્યુદંડની સજાનું લાઈવ સ્ટ્રીમિંગ કરાશે. આ નિર્ણય સાથે જ, અમેરિકા એ દેશોમાં સામેલ થઈ ગયું છે, જ્યાં આજેય જાહેરમાં મૃત્યુદંડ અપાય છે.
ચાલો આ સમગ્ર ઘટનાને વિગતવાર સમજીએ.
નિદાલ હસન કોણ છે અને તેનો ગુનો શું?
નિદાલ હસન પૂર્વ આર્મી મેજર અને મનોચિકિત્સક (સાયકિયાટ્રિસ્ટ) છે. 5 નવેમ્બર, 2009 ના રોજ, તેણે ફોર્ટ હૂડના એક મેડિકલ બિલ્ડિંગમાં પ્રવેશ કર્યો હતો, જ્યાં સૈનિકોનું નિયમિત ચેકઅપ ચાલી રહ્યું હતું. ત્યાં તેણે ‘અલ્લાહુ અકબર’ ના નારા લગાવીને લેસર-સાઇટ ધરાવતી હેન્ડગનથી આડેધડ ગોળીબાર શરૂ કર્યો હતો. આ ભયાનક હુમલામાં 13 નિર્દોષ લોકો માર્યા ગયા અને 32 લોકોને ઈજા થઈ. ‘ફોર્ટ હૂડ’ અમેરિકન આર્મીનું ખૂબ જ મોટું લશ્કરી મથક છે, જે ટેક્સાસ રાજ્યના કિલીન (Killeen) શહેર નજીક આવેલું છે.
વર્ષ 2013માં નિદાલને પૂર્વાયોજિત હત્યા માટે દોષિત ઠેરવાયો હતો. ફરિયાદીઓના જણાવ્યાનુસાર, નિદાલ અફઘાનિસ્તાનમાં ફરજ બજાવવા માંગતો ન હતો અને જેહાદ કરીને વધુ ને વધુ અમેરિકન સૈનિકોને મારવા માંગતો હતો. જો કે, સંયુક્ત આતંકવાદ ટાસ્ક ફોર્સે સ્પષ્ટ કર્યું હતું કે તે કોઈ આતંકવાદી સંગઠન સાથે જોડાયેલો ન હતો અને તેણે એકલાએ જ આ કાવતરું રચ્યું હતું. કોર્ટમાં તેણે પોતાનો બચાવ કરવાનો કોઈ જ પ્રયાસ કર્યો ન હતો અને જ્યુરી સમક્ષ માત્ર એટલું જ કહ્યું હતું કે તે એક એવો સૈનિક છે જેણે ‘પોતાનો પક્ષ બદલી લીધો છે’.
મોતની સજાના લાઈવ સ્ટ્રીમિંગનો નિર્ણય લેવાયો!
અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે 5 ઓક્ટોબરના રોજ નિદાલને 'ફાયરિંગ સ્ક્વોડ' દ્વારા મૃત્યુદંડ આપવાની મંજૂરી આપી હતી. તાજેતરમાં ટેનેસીમાં ક્રિસ્ટા પાઇક નામની ગુનેગારને ઘાતક ઇન્જેક્શન દ્વારા ફાંસી આપવાનો પ્રયાસ નિષ્ફળ ગયો હતો, જેના કારણે ગવર્નરે અન્ય સજા રોકવી પડી હતી. આ ઘટનાના થોડા જ દિવસો બાદ રાષ્ટ્રપતિએ ફાયરિંગ સ્ક્વોડની મંજૂરી આપી છે.
અમેરિકાના સંરક્ષણ સચિવ પીટ હેગસેથે 'રિયલ અમેરિકાસ વોઈસ' સાથેની મુલાકાતમાં અને 'X' પર પોસ્ટ કરાયેલા વીડિયોમાં સ્પષ્ટ કર્યું છે કે નિદાલ હસનની સજા એક જાહેર ઘટના હશે. નિદાલને 3 ડિસેમ્બર, 2026ના રોજ બપોરે 1 વાગ્યે (CST- Central Standard Time) ફોર્ટ હૂડમાં સજા અપાશે. બરાબર આ જ સમયે નિદાલે 2009માં ગોળીબાર શરૂ કર્યો હતો. હેગસેથે કહ્યું કે, ‘અમે ઇચ્છીએ છીએ કે લોકો આ સજા જોઈ શકે કારણ કે લોકોએ સમજવાની જરૂર છે કે આવા ગંભીર ગુનાના પરિણામો પણ ગંભીર જ આવે છે.’
અમેરિકામાં છેલ્લે 90 વર્ષ અગાઉ જાહેરમાં મોતની સજા અપાઈ હતી
સામાન્ય રીતે અમેરિકામાં સજાના અમલ વખતે પીડિતના પરિવારજનો અને પત્રકારોનું એક નાનું જૂથ જ હાજર હોય છે. પરંતુ આ વખતે સામાન્ય જનતા માટે લાઈવ સ્ટ્રીમિંગ થવાનું છે. અમેરિકામાં છેલ્લી જાહેર ફાંસી 1936 માં કેન્ટુકીમાં રેની બેથેઆ નામના બળાત્કારના ગુનેગારને અપાઈ હતી, જેને જોવા માટે લગભગ 20,000 લોકોની ભીડ એકઠી થઈ હતી.
નિદાલ હસનની સજા બાબતે વિવાદ ગરમાયો
નિદાલ હસનને જાહેરમાં અપાનારા મૃત્યુદંડના નિર્ણયની કાયદાકીય અને સામાજિક સ્તરે અમેરિકામાં ભારે ટીકા થઈ રહી છે. યેલ યુનિવર્સિટીના વિઝિટિંગ લેક્ચરર યુજેન આર. ફિડેલે આ પગલાને ‘મધ્યયુગીન માનસિકતા’ ગણાવીને એક દુર્ભાગ્યપૂર્ણ નિર્ણય કહ્યો છે. વકીલ જ્હોન મિલ્સે પણ આ ઘટનાને અભૂતપૂર્વ ગણાવી છે.
લાઇવ સ્ટ્રીમિંગ શક્ય બનશે?
મૃત્યુદંડનું સોશિયલ મીડિયા પર લાઈવ સ્ટ્રીમિંગ કરવું મોટો પડકાર છે. મેટા (Meta) અને ટિકટોક (TikTok) બંને હિંસક સામગ્રીના લાઈવ સ્ટ્રીમિંગ પર કડક પ્રતિબંધ મૂકે છે. જ્યારે 'X' પર મૃત્યુ દર્શાવતું કન્ટેન્ટ, ત્યારે જ હટાવાય, જ્યારે ગુનેગારના પરિવાર કે અધિકૃત પ્રતિનિધિ દ્વારા વિનંતી કરવામાં આવે.
કયા દેશોમાં જાહેરમાં મૃત્યુદંડ અપાય છે?
માનવાધિકાર જૂથ એમ્નેસ્ટી ઇન્ટરનેશનલના ડેટા મુજબ નીચેના દેશોમાં જાહેરમાં મૃત્યુદંડની સજા અપાય છે.
1… ઈરાન: 2025 માં સૌથી વધુ જાહેરમાં 11 લોકોને ફાંસી અપાઈ હતી. અહીં વ્યભિચાર, વેશ્યાવૃત્તિ, સમલૈંગિકતા અને ડ્રગ્સની હેરાફેરી જેવા ગુના આવી સજા કરાય છે. રસપ્રદ વાત એ છે કે ભૂતકાળમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનમાં થતી જાહેર ફાંસીની આકરી ટીકા કરી ચૂક્યા છે.
2… અફઘાનિસ્તાન: તાલિબાને સત્તા પર આવતા જ શરિયા કાયદાનું કડક અર્થઘટન લાગુ કર્યું છે. વર્ષ 2025માં અહીં 6 લોકોને જાહેરમાં ફાંસી અપાઈ હતી, જેમાં એક તો સ્પોર્ટ્સ સ્ટેડિયમમાં અપાઈ હતી.
3… સાઉદી અરેબિયા: આ વર્ષે સાઉદી અરેબિયામાં 100થી વધુ મૃત્યુદંડ અપાયા છે, જેમાં ઘણાને જાહેરમાં સજા કરાઈ હતી. અહીં મોટા ભાગે વ્યભિચાર માટે પથ્થર મારીને અથવા શિરચ્છેદ કરીને સજા અપાય છે.
4… ઉત્તર કોરિયા: આ દેશે 2007 માં જાહેર ફાંસી ફરી શરૂ કરી હતી. ત્યાં મોટાભાગે 'ફાયરિંગ સ્ક્વોડ' દ્વારા સજા અપાય છે. એક અહેવાલ મુજબ, જાન્યુઆરી 2020થી 2024 ના અંત સુધીમાં 153 લોકોને મૃત્યુદંડ અપાયો હતો, જેમાંથી 70 ટકા જાહેરમાં હતા. અહીં વિદેશી કન્ટેન્ટ (જેમ કે કે-પોપ અને કે-ડ્રામા જોવા), ધર્મ અને અંધશ્રદ્ધાને લગતા ગુના માટે આકરી સજા અપાય છે.
5… સોમાલિયા: આ આફ્રિકન દેશ પોતાના લશ્કરી દંડ સંહિતા હેઠળ આતંકવાદ, રાજદ્રોહ અને જાસૂસી જેવા ગંભીર ગુના માટે જાહેરમાં ગોળી મારીને મૃત્યુદંડ આપે છે.




