World

Explainer: વૈશ્વિક અર્થતંત્ર પર મોટું જોખમ, ખાલી થતાં ક્રૂડના ભંડાર અને વધતું... IMFની ગંભીર ચેતવણી

By GS Team
13 Oct 20263 mins read
TukuTouch Logo
IMF દ્વારા વૈશ્વિક અર્થતંત્ર માટે ગંભીર ચેતવણી અપાઈ છે. બેંગકોકમાં યોજાયેલી વાર્ષિક બેઠકમાં IMF એ જણાવ્યું કે, ક્રૂડ ઓઇલના ભંડાર ખાલી થઈ રહ્યા છે અને સરકારો દેવામાં ડૂબેલી છે. જો નીતિઓ નહીં સુધરે તો વૈશ્વિક અર્થતંત્ર પર મોટો ખતરો તોળાઈ રહ્યો છે. IMF એ સરકારોને ખર્ચ ઘટાડવા અને સેન્ટ્રલ બૅંકોને ફ્લેક્સિબલ પગલાં લેવા સલાહ આપી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

Explainer: વૈશ્વિક અર્થતંત્ર પર મોટું જોખમ, ખાલી થતાં ક્રૂડના ભંડાર અને વધતું... IMFની ગંભીર ચેતવણી

IMF Warns of Global Economic Slump : હાલના સમયમાં વૈશ્વિક અર્થતંત્ર અત્યંત નાજુક તબક્કામાંથી પસાર થઈ રહ્યું છે. આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ(IMF) એ તેના દ્વિ-વાર્ષિક વર્લ્ડ ઈકોનોમિક આઉટલુક રિપોર્ટમાં વિશ્વના દેશો માટે એક ગંભીર ચેતવણી જાહેર કરી છે. આ રિપોર્ટ મુજબ, કટોકટીના સમય માટે રાખેલા ક્રૂડ ઓઇલના ભંડાર તળિયા ઝાટક થઈ રહ્યા છે અને સરકારોનું બજેટ દેવાના કારણે ખેંચાઈ રહ્યું છે. જો સમયસર યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો વૈશ્વિક અર્થતંત્ર ટૂંક સમયમાં તૂટી શકે છે. ચાલો આ સમગ્ર પરિસ્થિતિને સરળ શબ્દોમાં સમજીએ.

ક્રૂડ ઓઇલના અનામત ભંડાર ખૂટી રહ્યા છે
છેલ્લા છ મહિનામાં મધ્ય-પૂર્વમાં ચાલી રહેલા સંઘર્ષ છતાં વૈશ્વિક અર્થતંત્રએ સારો દેખાવ કર્યો છે. અમેરિકા-ઈરાન યુદ્ધ દરમિયાન હોર્મુઝની સામુદ્રધુનીથી તેલનો માર્ગ બદલવામાં આવ્યો અને ઈમરજન્સી માટે રખાયેલા ઊર્જાના ભંડારનો ઉપયોગ કરાયો, જેનાથી તેલના ભાવને કાબૂમાં રાખી શકાયા. આંતરરાષ્ટ્રીય ઊર્જા એજન્સી(IEA) એ પણ માર્ચમાં મોટા પાયે ક્રૂ઼ડ ઓઇલના ભંડાર બજારમાં મૂકવાની જાહેરાત કરી હતી. પરંતુ, ચિંતાનો વિષય એ છે કે આ કટોકટી સમયના ભંડાર લગભગ ખાલી થઈ ગયા છે. સિસ્ટમ કેટલી નબળી પડી છે તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય કે, અમેરિકાનો વ્યૂહાત્મક પેટ્રોલિયમ અનામત અત્યારે 1982 પછીના સૌથી નીચા સ્તરે પહોંચી ગયો છે. જો ભવિષ્યમાં તેલના ભાવ અચાનક વધશે તો સરકારો સામાન્ય જનતાને કમરતોડ મોંઘવારીથી બચાવે નહીં શકે, કારણ કે દેશો પર પહેલેથી જ દેવાનો પહાડ છે.

વૈશ્વિક અર્થતંત્રો પર અનેક પ્રકારના જોખમો
પેટ્રોલ-ડીઝલના ભાવ ઘટાડવાના પ્રયાસરૂપે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હાલમાં જ રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન સાથે રશિયન ડીઝલની અમેરિકન આયાત પરના પ્રતિબંધો હંગામી ધોરણે હટાવવાનો કરાર કર્યો છે. નિષ્ણાતોનું માનવું છે કે આનાથી કોઈ મોટી રાહત મળશે નહીં. બીજી બાજુ, શાંતિ વાટાઘાટોમાં કોઈ પ્રગતિ ન દેખાતા, ટ્રમ્પ ઈરાન પર આગામી સપ્તાહોમાં ફરીથી હુમલાની તૈયારીમાં છે. મધ્ય-પૂર્વમાં આ ઘર્ષણ લાંબુ ચાલશે તો ઊર્જા અને ખાદ્યપદાર્થોના ભાવ આસમાને પહોંચી શકે છે. ઉપરાંત, સાયબર હુમલા, ક્લાઈમેટ ચેન્જ અને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સના કારણે બજારમાં અચાનક આવી શકતો કડાકો અર્થતંત્રને મોટું નુકસાન પહોંચાડી શકે છે.

આર્થિક વૃદ્ધિના અનુમાનિત આંકડા
બેંગકોકમાં ચાલી રહેલી IMF અને વિશ્વ બૅંકની વાર્ષિક બેઠકમાં (જેમાં નાણામંત્રીઓ અને સેન્ટ્રલ બૅંકના અધિકારીઓ હાજર છે) કેટલાક મહત્ત્વના આંકડા રજૂ કરાયા છે.

  • વૈશ્વિક વૃદ્ધિ: ચાલુ વર્ષ માટેનો અંદાજ અગાઉના 3%થી વધારીને 3.1% કરાયો છે. આવતા વર્ષ માટે તે 3.4% પર યથાવત્ છે.
  • અમેરિકા (US): આ વર્ષ માટે અને 2027 માટે પણ 2.3%નો વૃદ્ધિદર રહેવાનો અંદાજ છે.
  • બ્રિટન (UK): ચાલુ વર્ષે 1.3%નો વૃદ્ધિદર અંદાજવામાં આવ્યો છે, જે બ્રિટન માટે સારા સમાચાર છે. જો કે, 2027માં ઊંચા વ્યાજદર અને મોંઘા ક્રૂડના કારણે રોકાણ પર બોજો પડશે, જેથી વૃદ્ધિદર ઘટીને 1.2% થઈ શકે છે.

IMFની સલાહ સરકારોને સલાહ
ક્રૂડ ઓઇલના ઊંચા ભાવ જળવાઈ રહેવાને કારણે મોંઘવારી લાંબા સમય સુધી લોકો પર બોજ બની રહેશે. વૈશ્વિક ફુગાવો આ વર્ષે 4.7% અને 2027માં ઘટીને 4.1% રહેવાની ધારણા છે. આ સ્થિતિને લીધે IMF એ સરકારોને વધતા દેવા અંગે ચેતવ્યા છે અને ખર્ચ પર કાપ મૂકવા અપીલ કરી છે. તેણે કડક શબ્દોમાં કહ્યું કે, ‘આપણે જરૂરી નીતિઓ લાગુ કરવામાં વિલંબ કરી શકીએ નહીં; તમારી પાસે સાધનો છે, હવે તેનો સમજદારીથી ઉપયોગ કરો.’ IMF દ્વારા સેન્ટ્રલ બૅંકોને એવી સલાહ અપાઈ છે કે તેઓ ટૂંકા ગાળાના મોંઘવારીના ઉછાળાથી ગભરાઈને ઉતાવળા નિર્ણયો ન લે, પરંતુ પરિસ્થિતિ મુજબ ઝડપી અને ફ્લેક્સિબલ પગલાં લેવા માટે સજ્જ રહે.

નીતિઓ નહીં સુધારાઈ તો આર્થિક સુનામી આવશે
આર્થિક રીતે જોઈએ તો વિશ્વ અત્યારે એક પાતળી દોરી પર ચાલી રહ્યું છે. જો સરકારો પોતાની નીતિઓ નહીં સુધારે, નવા પુરવઠાની ક્ષમતા નહીં વધારે અને આર્થિક ભંડોળ મજબૂત નહીં કરે, તો આવનારા સમયમાં કોઈપણ નાનકડો આંચકો પણ એક મોટા આર્થિક સુનામીમાં ફેરવાઈ શકે છે.