Get The App

Explainer: ઈરાની સેનાની યુદ્ધ કરવાની મોઝેક પદ્ધતિથી અમેરિકા-ઈઝરાયલ પણ હાંફી ગયા, જાણો શું છે આ વ્યૂહનીતિ

Updated: Mar 13th, 2026

GS TEAM

Google News
Google News
Explainer: ઈરાની સેનાની યુદ્ધ કરવાની મોઝેક પદ્ધતિથી અમેરિકા-ઈઝરાયલ પણ હાંફી ગયા, જાણો શું છે આ વ્યૂહનીતિ 1 - image

અમેરિકા-ઈઝરાયલસામે યુદ્ધ મોરચે ઝઝૂમી રહેલા ઈરાને તેના સંરક્ષણની રીત બદલી નાખી છે. તેણે વિકેન્દ્રિત મોઝેક સંરક્ષણ (Decentralized Mosaic Defense- DMD) નામની વ્યૂહનીતિને સંપૂર્ણ રીતે સક્રિય કરી દીધી છે. આ વ્યૂહરચના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સને 31 સ્વતંત્ર એકમોમાં વહેંચે છે, જેમાંની એક રાજધાની તહેરાનનું રક્ષણ કરશે અને બાકીની 30 દેશના અન્ય પ્રાંતોનું. વિકેન્દ્રિત મોઝેક સંરક્ષણ વ્યૂહરચના હેઠળ પ્રાંતીય કમાન્ડરોને તહેરાનની મંજૂરી લીધા વિના નિર્ણય લેવાની અને હુમલા કરવાની પૂરી સ્વતંત્રતા મળે છે. અમેરિકા અને ઈઝરાયલના હુમલામાં ઈરાનના કેન્દ્રીય કમાન્ડને નુકસાન પહોંચ્યું હોવાથી આ પગલું ભરાયું છે.

વિકેન્દ્રિત મોઝેક સંરક્ષણ નીતિ કેવી રીતે કામ કરે છે?

ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સને 31 સ્વતંત્ર એકમોમાં વહેંચવામાં આવ્યા છે. દરેક એકમ પોતાના વિસ્તારમાં સ્વતંત્ર રીતે કામ કરે છે. કમાન્ડરો મિસાઈલ છોડી શકે છે, ડ્રોન ઉડાવી શકે છે અથવા ગેરિલા હુમલા કરી શકે છે. આ બધું એ પોતાના નિર્ણયથી કરે છે. તેમને કેન્દ્રની મંજૂરી લેવાની જરૂર નથી હોતી. ઈરાનની ભૂગોળનો ફાયદો લઈને પર્વતો અને રણને ગેરિલા ઝોનમાં ફેરવવામાં આવે છે. આને ‘ઊંડાઈમાં સંરક્ષણ’ (defense in depth) કહે છે, જે આક્રમણને ધીમું અને મુશ્કેલ બનાવે છે.

આ પણ વાંચોઃ Explainer: ભારત સૌથી વધુ ઓઈલ અને ગેસ ક્યાંથી ખરીદે છે? જાણો વૈશ્વિક સંકટ વચ્ચે ભારત કેટલું સલામત

ડિફેન્સ ઓફ ડેપ્થ એટલે શું?

ડિફેન્સ ઓફ ડેપ્થ (Defense in Depth) એ સૈન્ય અને સુરક્ષા વ્યૂહરચનાનો એવો સિદ્ધાંત છે, જેમાં રક્ષણ એક જ લાઇન પર નહીં, પરંતુ અનેક સ્તરે ગોઠવવામાં આવે છે, જેથી શત્રુ આગળ વધે તેમ તેને વારંવાર અવરોધ, નુકસાન અને થાકનો સામનો કરવો પડે. એક સુરક્ષા-દીવાલ તૂટે તો બીજી તૈયાર જ હોય, જેથી અંત સુધી પહોંચતા પહેલાં શત્રુ નબળો પડી જાય.

Explainer: ઈરાની સેનાની યુદ્ધ કરવાની મોઝેક પદ્ધતિથી અમેરિકા-ઈઝરાયલ પણ હાંફી ગયા, જાણો શું છે આ વ્યૂહનીતિ 2 - image

‘ઊંડાઈમાં સંરક્ષણ’ વ્યૂહરચના ક્યારે વિકસાવાઈ?

આ વ્યૂહરચના 2000ના દાયકાની શરૂઆતમાં ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સના હેડ મોહમ્મદ અલી જાફરી દ્વારા ડિઝાઈન કરાઈ હતી. અમેરિકાએ અફઘાનિસ્તાન અને ઈરાક પર આક્રમણ કર્યું એ પછી ઈરાને આ વ્યૂહરચના અમલી થઈ હતી. તેમાં ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સને વિવિધ પ્રાંતોમાં વહેંચીને સ્થાનિક કમાન્ડરોને વધુ અધિકાર અપાયા હતા. ઈરાનની સ્વયંસેવક અર્ધસૈનિક સંસ્થા ‘બસિજ મિલિશિયા’ (Basij Militia)ને પણ આ ગાર્ડ્સ સાથે જોડવામાં આવી. આ વ્યૂહનીતિ લાંબા સમયથી અસ્તિત્વ ધરાવે છે, પરંતુ તેને સંપૂર્ણ સક્રિય હાલમાં જ કરાઈ છે.

વિકેન્દ્રિત મોઝેક સંરક્ષણનો મુખ્ય ફાયદો શું?

અમેરિકા અને ઇઝરાયલના હુમલાએ તહેરાનના કેન્દ્રીય કમાન્ડને નબળું બનાવ્યું. ઇલેક્ટ્રોનિક જામિંગથી સંદેશા અટકી ગયા. કેટલાક ઉચ્ચ અધિકારીઓને નિશાન બનાવાયા, જેનાથી ઈરાનને ખતરો લાગ્યો કે કેન્દ્રીય નિયંત્રણ તૂટી જાય તો શું થશે? તેથી મોઝેક સંરક્ષણ સક્રિય કરીને દરેક ભાગને સ્વતંત્ર બનાવ્યો, જેથી એક જગ્યાએ હુમલો થાય તો બીજી જગ્યાએથી લડાઈ ચાલુ રહે.

આ પણ વાંચોઃ Explainer: ઈરાન યુદ્ધમાં અમેરિકાને પહેલા અઠવાડિયાનો ખર્ચ કેટલો થયો? પેન્ટાગોને જાહેર કર્યા આંકડા

તાજેતરની કવાયતો અને તૈયારીઓ

ફેબ્રુઆરી 2026માં ઈરાન દ્વારા ‘સ્માર્ટ કંટ્રોલ’ કવાયતો હાથ ધરાઈ હતી. હોર્મુઝ સ્ટ્રેટમાં સ્પીડ બોટ, ઇલેક્ટ્રોનિક વોરફેર અને ડ્રોનનો ઉપયોગ કરીને પરીક્ષણ કરાયું હતું. હવે ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ પાસે 190,000 સૈનિકો અને અનામતો છે, જેને સ્થાનિક રીતે વહેંચી દેવાયા છે.

આ ફેરફાર કેમ મહત્ત્વનો છે?

અત્યાર સુધી બધું તહેરાન પર નિર્ભર હતું, દુશ્મનનો એક મોટો હુમલો ઈરાનની આખી સેનાને થંભાવી દે, એ શક્ય હતું. વિકેન્દ્રિત મોઝેક સંરક્ષણને કારણે હવે દરેક એકમ અલગ રીતે લડી શકે છે. જો તહેરાન પર હુમલો થાય તો પ્રાંતોમાંથી લડાઈ ચાલુ રહેશે. આ રીતે ઈરાન લાંબા યુદ્ધ માટે તૈયાર છે. 

અમેરિકા, ઈઝરાયલ અને ગલ્ફ દેશો માટે કેવું જોખમ છે?

વિકેન્દ્રિત મોઝેક સંરક્ષણની વ્યૂહરચનાથી ગમે ત્યારે આશ્ચર્યજનક હુમલા થઈ શકે એમ હોવાથી ખાડી દેશો માટે ખતરો વધી ગયો છે. અમેરિકા-ઈઝરાયલ માટે ઝડપથી જીત મળવી મુશ્કેલ બનશે. વિકેન્દ્રિત મોઝેક સંરક્ષણને કારણે મધ્ય-પૂર્વનું યુદ્ધ વધુ જટિલ અને લાંબો સમય ચાલનારું બની શકે છે.