Saudi–UAE Competition Without Open Conflict : આંતરરાષ્ટ્રીય રાજકારણમાં ઘણીવાર એક ભૂલ થાય છે: જે ભાગીદારો વચ્ચે સ્પર્ધા હોય તેને શત્રુ સમજી લેવાય છે. સાઉદી અરેબિયા અને યુનાઇટેડ આરબ અમીરાત (યુએઈ) વચ્ચેના સંબંધો આજે આ જ સ્થિતિનું ઉદાહરણ છે. અનેક પ્રકારના હિતો અને ભાગીદારી તથા સુરક્ષા સહકારથી બંધાયેલા આ બંને દેશોના સંબંધોમાં હવે પહેલા જેવી ઉષ્મા નથી રહી. પરંતુ આ બે ‘ઓઈલ પાવર’ દેશો વચ્ચેનો સંબંધ ભાંગી પડ્યો છે, એમ કહેવું ભૂલભરેલું છે. આ તો બે ઝડપી ઉભરતી શક્તિઓ વચ્ચેની સ્વાભાવિક સ્પર્ધા છે.
સાઉદીના એકહથ્થુ રાજથી યુએઈના ઉદય સુધીની સફર
ઘણાં વર્ષો સુધી ખાડી ક્ષેત્રમાં સાઉદી અરેબિયા એકમાત્ર નેતા હતું. વિશાળ વિસ્તાર, વસ્તી, ધાર્મિક મહત્ત્વ અને તેલ સંપત્તિએ તેને અગ્રેસર રાખ્યું હતું. યુએઈ સક્રિય પરંતુ સહાયક ભૂમિકામાં રહ્યું હતું. આજે સ્થિતિ બદલાઈ છે. સાઉદી નબળું પડ્યું નથી, પરંતુ યુએઈએ અદ્ભુત વેગ પકડ્યો છે. યુએઈના શહેરો દુબઈ અને અબુ ધાબી આર્થિક, તકનીકી, લોજિસ્ટિક્સ અને 'સોફ્ટ પાવર'ના વૈશ્વિક કેન્દ્રો બની રહ્યા છે. આથી યુએઈની ભૂમિકા હવે ગૌણ નથી રહી, પ્રભાવશાળી પ્રાઇમરી પ્લેયરની બની ગઈ છે. જ્યારે બે દેશોનાં હિતો અને પ્રભાવ-ક્ષેત્ર એકબીજાને ટકરાય, ત્યારે સ્પર્ધા તો ઊભી થાય જ. સાઉદી અને યુએઈ વચ્ચે એ જ થઈ રહ્યું છે.
યમનથી આફ્રિકા સુધી યુએઈની સહકારમાંથી સ્વતંત્ર વ્યૂહનીતિ
યમનના સંઘર્ષે આ સ્પર્ધાને સ્પષ્ટ કરી છે. આ બાબતમાં શરૂઆતમાં બંને દેશ એકજૂથ હતા. પરંતુ સમય જતાં તેમની વ્યૂહનીતિમાં તફાવત સામે આવ્યા. સાઉદીએ યમનને મુખ્યત્વે પોતાની સરહદની સુરક્ષાની દ્રષ્ટિએ જોયું. યુએઈએ દરિયાઈ સુરક્ષા, બંદરો પર નિયંત્રણ અને સ્થાનિક સાથીદારો દ્વારા પ્રભાવ જમાવવા પર વધુ ભાર મૂક્યો. જ્યારે યુએઈએ યમનમાં પોતાની સીધી લશ્કરી ભૂમિકા ઘટાડી, ત્યારે સ્પષ્ટ થયું કે તે હવે સ્વતંત્ર નિર્ણયો લઈ શકે છે. આફ્રિકા જેવા અન્ય પ્રદેશોમાં પણ યુએઈની સક્રિય ભૂમિકા એ તેની લાંબા ગાળાની ભૂ-રાજનૈતિક યોજનાનો ભાગ છે.
વિઝન 2030 વિરુદ્ધ પહેલાથી સફળ મોડેલ
સૌથી મહત્ત્વની સ્પર્ધા લશ્કરી કરતાં આર્થિક છે. સાઉદી અરેબિયાનું 'વિઝન 2030' એક મહત્વાકાંક્ષી યોજના છે જેના દ્વારા તે આર્થિક વૈવિધ્યકરણ, સામાજિક પરિવર્તન અને નિયોમ સિટી જેવા મેગા પ્રોજેક્ટ્સ દ્વારા વૈશ્વિક નિવેશ આકર્ષવા માંગે છે. પડકાર એ છે કે યુએઈ આમાંના ઘણાં લક્ષ્યો પહેલેથી જ પ્રાપ્ત કરી ચૂક્યું છે અને એક સફળ મોડેલ તરીકે ઊભું છે. આથી બંને વચ્ચે વ્યાપારી મુખ્યાલયો, રોકાણ, લોજિસ્ટિક્સ અને પ્રવાસન જેવા ક્ષેત્રોમાં સ્પર્ધા વધી રહી છે. આમ છતાં ખાડી ક્ષેત્ર બંને માટે પૂરતી તકો ધરાવે છે.
અમેરિકા અને I2U2: અલગ દૃષ્ટિકોણ, અલગ પસંદગી
આજે અમેરિકા જેવા બાહ્ય ભાગીદારો પણ બંને દેશો સાથે જુદી જુદી રીતે વ્યવહાર કરે છે. યુએઈને એક ચપળ, અનુમાનિત અને ટેકનોલોજી-મિત્ર ભાગીદાર તરીકે જોવામાં આવે છે. સાઉદીને એક મહત્ત્વાકાંક્ષી પરંતુ જરા જટિલ ભાગીદાર તરીકે જોવામાં આવે છે. આ તફાવત I2U2 જૂથ (ભારત, ઇઝરાયલ, અમેરિકા અને યુએઈ)માં યુએઈની ભાગીદારીથી પણ દેખાય છે. આ જૂથમાં સાઉદીની ગેરહાજરી સૂચક છે, કારણ કે તે ઇઝરાયલ સાથે સીધા સંબંધો બનાવવાથી દૂર રહેવાનું પસંદ કરે છે.
ભવિષ્યમાં શું, સ્પર્ધા કે દુશ્મનાવટ?
સાઉદી અને યુએઈ વચ્ચે ભવિષ્યમાં સીધા લશ્કરી ટકરાવની શક્યતા ઓછી છે. પરંતુ આર્થિક સ્પર્ધા, ત્રીજા દેશોમાં પ્રભાવ માટેની હરીફાઈ અને રાજદ્વારી દબાણ તો રહેશે જ. પાકિસ્તાન જેવા દેશો આ સ્પર્ધામાં પોતાનો ફાયદો કાઢવાનો પ્રયત્ન કરી શકે છે. પરંતુ બંને દેશ સમજે છે કે કોઈપણ પ્રકારની આક્રમકતા અથવા ખોટી ગણતરી બંનેની રાષ્ટ્રીય વિકાસ યોજનાઓને નુકસાન પહોંચાડશે. બંનેને સ્થિરતા, રોકાણ અને શાંતિની જરૂર છે.
સ્પર્ધાત્મક સહઅસ્તિત્વનો નવો દાયરો
સારાંશ એ છે કે ખાડી દેશો હવે એકલશાહીની જગ્યાએ બહુધ્રુવીય સત્તાનું ક્ષેત્ર બની રહ્યું છે. સાઉદી અને યુએઈ વચ્ચેનો સંબંધ તૂટી નથી ગયો, પરંતુ તે વધુ જટિલ અને સ્પર્ધાત્મક બન્યો છે. ભારત જેવા બાહ્ય ભાગીદારો માટે માર્ગ સ્પષ્ટ છે: બંને દેશો સાથે સુસંગત, સ્પષ્ટ અને લાંબા ગાળાના હિતોના આધારે સંબંધો વિકસાવવા, અને બંને વચ્ચે ફાવે તેવું રાજદ્વારી સંતુલન જાળવવું. ટૂંકમાં, સાઉદી અને યુએઈ જેવા ભાગીદારો વચ્ચેની સ્પર્ધાને દુશ્મનાવટ તરીકે ન જોવી જોઈએ. હા, અત્યારે તો એવું જ લાગી રહ્યું છે.


