World

નિર્વાસિત તિબેટી ચૂંટણી પંચે ચૂંટણી ઘોષણા કરી : બે ચરણોમાં ચૂંટણી યોજાશે

By GS TEAM
7 Oct 20252 mins read
નિર્વાસિત તિબેટી ચૂંટણી પંચે ચૂંટણી ઘોષણા કરી : બે ચરણોમાં ચૂંટણી યોજાશે

- સિક્યોંગ અને નિર્વાસિત તિબેટી સંસદ અને તિબેટી સરકાર માટે ચૂંટણી બે ચરણમાં થશે : 1 ફેબ્રુઆરી અને 26 એપ્રિલ 2026ના દિને થશે

નવી દિલ્હી : 'તિબેટ ચૂંટણી પંચે' મંગળવારે નિર્વાસિત તિબેટી સંસદ અને નિર્વાસિત તિબેટી સરકાર માટેની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કર્યો છે. સિક્યોંગ અને નિર્વાસિત તિબેટી સંસદની ચૂંટણી બે ચરણમાં થશે. પહેલું ચરણ ૧લી ફેબ્રુઆરીએ અને બીજું ચરણ ૨૬ એપ્રિલ ૨૦૨૬ના દિવસે યોજાશે. નિર્વાસિત તિબેટીઓની આ ૧૮મી ચૂંટણી હશે. તે નિષ્પક્ષ રીતે યોજાય તે માટે તેઓનું ચૂંટણી પંચ દરેક પગલાં લેશે.

તે પંચે જણાવ્યું કે દર પાંચ વર્ષે અમે ચૂંટણી યોજીએ છીએ. સિક્યોંગ (રાજકીય નેતા) અને નિર્વાસિત તિબેટીઓની સંસદની ચૂંટણી ઉક્ત તારીખોએ યોજાશે.

તિબેટી ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે માત્ર ભારત સ્થિત તિબેટીઓ જ નહીં, દુનિયાભરમાં રહેતા નિર્વાસિત તિબેટીઓ ચૂંટણીના પહેલા ચરણમાં મતદારો પોતાની પસંદગીના ઉમેદવારોને 'નામિત' કરશે અને અંતિમ ચૂંટણી માટે તેઓને 'શોર્ટ-લિસ્ટ' કરશે. આ પૂર્વે શુક્રવારે ચૂંટણી પહેલાં અમલમાં આવનારી નૈતિક ''આચાર-સંહિતા'' પણ પત્રકારોને ટૂંકમાં સમજાવી હતી.

૧૭મી નિર્વાસિત તિબેટી સંસદનું દસમું સત્ર ૧૮મી સપ્ટેમ્બરે 'ધર્મશાળા' શહેરમાં સંપન્ન થયું. નિર્વાસિત તિબેટી સંસદના વર્તમાન વડાપ્રધાન ડોલ્વા ત્સેતૂંગે કહ્યું હતું કે સપ્ટેમ્બરના સત્ર દરમિયાન 'તિબેટી-એકતા'નો પ્રસ્તાવ પસાર કરાયો તેમાં તિબેટમાં વ્યાપી રહેલી ગંભીર સ્થિતિ વિષે ચર્ચા કરાઈ. તિબેટમાં 'સરમુખત્યાર' (શી-જિનપિંગ) અને તેના સાથીઓ કઈ રીતે લોકોને સતાવે છે તે વિષે પણ ચર્ચા કરાઈ હતી. આ સાથે અમે પૂ. દલાઈ લામા પ્રત્યે પણ કૃતજ્ઞાતાનો સંકલ્પ કર્યો કારણ કે તેઓશ્રીના જન્મદિનથી શરૂ થતું વર્ષ કરૂણા વર્ષ તરીકે અમે માની રહ્યા છીએ.