US માટે જાસુસી બદલ ઇરાનમાં એકને ફાંસી: મહિનામાં બીજી ઘટના
- રઝા અસગરીની સામે ઇરાનની મિસાઇલના ગુપ્ત દસ્તાવેજો CIAને આપ્યોનો આરોપ
તેહરાન, તા. 14 જુલાઇ, 2020, મંગળવાર
અમેરિકાની સેન્ટ્રલ ઇન્ટેલીજન્સ એજન્સી વતી જાસુસી કરવાના આરોપી અને સંરક્ષણ મંત્રાલયના પૂર્વ કર્મચારીને ઇરાને આજે ફાંસી આપી હતી. જાસુસી કરવા બદલ ચાલુ મહિનામાં ફાંસીનો આ બીજી ઘટના હતા, એમ ઇરાનના ન્યાયતંત્રે કહ્યું હતું.
અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે રઝા અસગરીને ગયા સપ્તાહે ફાંસી આપવામાં આવી હતી. અસગરી સંરક્ષણ મંત્રાલયના એરસ્પેસમાં નોકરી કરતો હતો અને 2016માં એ નિવૃત્ત થયો હતો. ' તેની સરકારી નોકરીના છેલ્લા વર્ષે એણે સીઆઇએ માટે જાસુસી કરવાની શરૂઆત કરી હતી.
તેણે અમારી મિસાઇલની માહિતી અમેરિકાને પહોંચાડી હતી અને તેમની પાસેથી પૈસા લીધા હતા'એમ ન્યાય મંત્રાલયના પ્રવકતા ગુલામહુસેન ઇસ્માઇલીએ કહ્યું હતું. તેની ચોરી પકડાઇ ગઇ હતી, કેસ ચાલ્યો અને ફાંસીની સજા મળી હતી. ઇરાન અવારનવાર આવા જાસુસોની ધરપકડ અને તેમની સામે કરવામાં આવતી કાનુનની કાર્યવાહીની વિગતો આપતું રહે છે.
જૂન મહિનામાં એક અન્ય જાસુસ જલાલ હાજીઝવારને પણ તહેરાનની નજીક એક જેલમાં ફાંસી અપાઇ હતી.તેની ફાંસી પછી કહેવામાં આવ્યું હતું કે સંરક્ષણ મંત્રાલયના પૂર્વ કર્મચારી એવા જલાલે પણ કોર્ટમાં કબુલ્યું હતું કે તેણે સીઆઇએ માટે જાસુસી કરી હતી.
અહેવાલમાં કહેવામાં આવ્યું હતું કે સત્તાવાળાઓએ તેના ઘરેથી જાસુસીના સાઘનો કબજે કર્યા હતા. હાજીઝવરાની પત્નીને 15 વર્ષની સજા કરવામાં આવી હતી. અગાઉ 2016માં ઇરાને અમેરિકા માટે જાસુસી કરનાર એક અણું વૈજ્ઞાાનિકને પણ ફાંસી આપી હતી.