ભૂતપૂર્વ ઓલિમ્કિસ વિજેતા સેક્સ સ્કેન્ડલમાં સંડોવાયો
- હંગેરીના ગોલ્ડ મેડલિસ્ટ જિમ્નેસ્ટની ડ્રગ લેતી વિડિયો ક્લીપ ફરતી થઇ
- અનેક પોર્ન વેબસાઇટ પર ત્સોલ્ટ બોકોઇની ક્લીપ ફરે છે
બુડાપેસ્ટ, તા.16 ઓકટોબર 2019, બુધવાર
ઓલિમ્પિક્સ રમતોત્સવમાં હંગેરી માટે ગોલ્ડ મેડલ જીતનારા જિમ્નેસ્ટ ત્સોલ્ટ બોકોઇ કેટલીક યુવતીઓ સાથે બેસીને ડ્રગ સેવન કરી રહ્યો હોય એવી વિડિયો ક્લીપ ફરતી થતાં રમત જગતમાં ખળભળાટ મચી ગયો હતો. બોકોઇ 2006થી ગ્યોર શહેરના મેયર તરીકે પણ સેવા આપે છે. આ વરસે એ ફરી ગ્યોર શહેરના મેયર તરીકે ચૂંટાયા હતા.
બોકોઇની આ વિડિયો ક્લીપ એક કરતાં વધુ પોર્ન વેબસાઇટ પર પણ ફરતી થઇ હતી. બોકોઇ હંગેરીના વડા પ્રધાન વિક્ટર ઓર્બનની ખૂબ નિકટ હોવાનું મનાય છે. વિડિયો લીક થવા છતાં બોકોઇ જરાય અસ્વસ્થ થયા નહોતા. તેમણે આ વિડિયો ક્લીપ અંગે કશું કહેવાનો ઇનકાર કર્યો હતો. પાછળથી તેમણે આ વિડિયો ક્લીપ મારી છે અને મારી ભૂલ થઇ છે એવો એકરાર કર્યો હતો પરંતુ રાજીનામું આપવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.
હંગેરીમાં ગયા રવિવારે મેયરની ચૂંટણી યોજાઇ હતી. એમાં બોકોઇ ચૂંટાઇ આવ્યા હતા. આ વિડિયો ક્લીપ અંગે તેમણે કહ્યું કે ચૂંટણીમાં મારી પ્રતિષ્ઠા ખરડીને મને પરાજિત કરવા માટે આ વિડિયો ક્લીપ લીક કરાઇ હતી. મારા ચાહકોને આ વિડિયો ક્લીપ જોઇને આઘાત લાગ્યો હોય તો હું જાહેરમાં માફી માગું છું.
હું ડ્રગ લેવાનો કે યુવતીઓ સાથે સેક્સ માણી હોવાનો ઇનકાર કરતો નથી. તેમણે એવો પણ દાવો કર્યો હતો કે આ વિડિયો ક્લીપમાં ચેડાં કરાયાં હતાં. આ વિડિયો ક્લીપ અસલી નથી. એમાં છેડછાડ કરીને એને વધુ ઘૃણાસ્પદ કરવાનો પ્રયાસ થયો હતો.