World

ગાઝા પટ્ટી પરથી ઇઝરાયલે ઘેરો ઉઠાવ્યો છતાં પૂરતા ખાદ્ય પદાર્થો અંદર સુધી પહોંચી શક્તા નથી

By GS TEAM
1 Aug 20252 mins read
ગાઝા પટ્ટી પરથી ઇઝરાયલે ઘેરો ઉઠાવ્યો છતાં પૂરતા ખાદ્ય પદાર્થો અંદર સુધી પહોંચી શક્તા નથી

- સરહદ ઉપરથી ખાદ્ય પદાર્થો લઇ ટ્રકો જેવા પ્રવેશે કે તુર્ત જ સેંકડો ભૂખ્યાઓ ટ્રકો ઉપર તૂટી પડે છે : ટ્રકો યુ.એને સ્થાપેલી રાહત છાવણી પહોંચતા નથી

ગાઝા : ખોરાકના અભાવે અસામાન્યત: સુકાઈ ગયેલાં બાળકો તેમજ ભૂખથી થયેલાં મૃત્યુની તસ્વીરોએ દુનિયાને હલાવી દીધી છે તેવે સમયે સરહદ ઉપરથી ગાઝા-પટ્ટીમાં પ્રવેશતા ખાદ્ય પદાર્થો સાથેના ટ્રકો પૈકી એક પણ ટ્રક તે ખાદ્ય પદાર્થોની વહેંચણી કરવા માટેનાં રાહત મકાન સુધી પહોંચી શક્તા નથી. માર્ગમાં જ ભૂખ્યા લોકો અને ભૂખથી સુકાઈ ગયેલાં બાળકો તે ટ્રકો ઉપર તૂટી પડે છે અને ખાદ્ય પદાર્થોની ખુલ્લં ખુલ્લાં લૂંટફાટ કરે છે.

આથી આ સપ્તાહે ગાઝામાં ઇઝરાયલ અમેરિકાએ ખાદ્ય પદાર્થો એર-ડ્રોપ કર્યા હતા. તેની પણ લૂંટફાટ શરૂ થઇ ગઇ હતી તો તે પૈકી કેટલાંયે પેકેટ્સ તો મેડીટરેનિયમમાં પડયાં. તો ભૂખ્યાજનો તરીને તે લઇ આવ્યા હતા. તે પૈકી લગભગ તમામ પેકેટ્સમાં રહેલો લોટ તો ભીનો થઇ ગયો હતો.

આવી ભયંકર પરિસ્થિતિ પ્રવર્તે છે. ત્યાં દુષ્કાળના ઓળા ઉતરી રહ્યા છે. હજી સુધીમાં સરેરાશથી ઘણો ઓછોવરસાદ થયો છે. છતાં એ વિસ્તારને દુષ્કાળગ્રસ્ત વિસ્તાર જાહેર કરાયો નથી, તે આશ્ચર્યજનક છે.

ખાદ્ય પદાર્થો લેવા માટેની ધક્કામુક્કીમાં ઘણા માર્યા ગયા છે. તેમાં કેટલાયે પેલેસ્ટાઈનીઓ તો છરીઓ અને કુહાડીઓ સાથે તે ખાદ્ય પદાર્થોના ટ્રકો તરફ ધસી ગયા હતા. તો કોઈ કોઈ પાસે પિસ્તોલો પણ હતી. તેમ નજરે જોનારાઓએ જણાવ્યું હતું. તેઓ ખાદ્ય પદાર્થો જથ્થાબંધ લૂટી તે પછીથી ધાર્યા ભાવે વેચતા પણ જોવા મળ્યા હતા. તો કેટલાકે તેની સંઘરાખોરી શરૂ કરી છે.

આ અતિવેદના ભરી પરિસ્થિતિને નજરો નજર જોનારાએ કહ્યું હતું કે ખાદ્ય પદાર્થોની લૂંટફાટ અને અંદરો અંદર થતી મારામારી રોકવા ઇઝરાયલી સૈનિકોએ હવામાં ગોળીબારો કરી ટોળાંઓને વિખેરવા પ્રયત્નો કર્યા હતા. તેમ છતાં ખાદ્ય પદાર્થો પ્રાપ્ત કરવા માટે મારામારી અને તોફાનો ચાલુ રહ્યાં હતાં. ભૂખથી સુકાઈ ગયેલાં બાળકો તો બીચારાં પાછળને પાછળ જ ધક્કેલાતાં ગયાં હતાં, માંડ માંડ પોતાનાં ઠોબરાં જેવાં વાસણો લઇ ખાદ્ય પદાર્થો સુધી પહોંચી શક્યાં હતં. યુએન ઉપરાંત ઇઝરાયલે પણ માનવીય સહાય હવે શરૂ કરી છે. જે ગાઝા હ્યુમેનિટેરિયન ફાઉન્ડેશન (ગાઝા માનવીય નિધિ) દ્વારા ચલાવવામાં આવે છે. તેનાં રાહત કેન્દ્રો ઉપર પણ આવી જ સ્થિતિ છે.

પરિસ્થિતિ નિવારવા યુ.એન..ની ઓફિસ ફોર ધી કો. ઓર્ડીનેશન ઓફ હ્યુમેનિટેરિયન અફેર્સ (ઓ.સી.એચ.એ.)નાં અધ્યક્ષ ઓલ્ગા ચેરેવકોએ જણાવ્યું હતું કે અત્યારે રોજ ૭૦ ટ્રક જ ગાઝામાં પ્રવેશે છે. જે સામે જરૂરિયાત તો ૫૦૦થી ૭૦૦ ટ્રકની છે. સહજ છે કે લોકોને ખાવાનાં ફાંફાં પડે જ. પરિસ્થિતિ ઘણી જ કરૂણ છે.