ભારતમાં 140 કરોડની વસતી પણ અમેરિકા પાસેથી મકાઈનો કોથળો પણ ખરીદતી નથી
વેપાર કરાર મુદ્દે અમેરિકાના વાણિજ્ય મંત્રી હાર્વર્ડ લુટનિકનો બળાપો
ભારત અમારી વેપાર સંબંધી સમસ્યાઓનો ઉકેલ નહીં લાવે તો અમેરિકા સાથે વેપાર કરવો મુશ્કેલ બની જશે : વાણિજ્ય મંત્રી
અમેરિકન વાણિજ્ય મંત્રી લુટનિકે જણાવ્યું કે, ભારતને પોતાની ૧૪૦ કરોડની વસતી પર ગર્વ છે, પરંતુ તે અમેરિકન કૃષિ નિકાસની બાબતમાં ખુલ્લાપણું દર્શાવતો નથી. ભારત અમેરિકા પાસેથી એક બુશલ એટલે કે ૨૫.૪૦ કિલો મકાઈ પણ ખરીદતો નથી. ભારત અમારી મકાઈ નહીં ખરીદે, દરેક વસ્તુ પર ઊંચા ટેરિફ નાંખી દે છે. ભારતનું વલણ આવું જ રહેશે તો તેણે દુનિયાના સૌથી મોટા ગ્રાહક તરીકે અમેરિકાનું બજાર ગુમાવવું પડશે. તેના માટે અમેરિકા સાથે વેપાર કરવો મુશ્કેલ બની જશે.
પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે જાન્યુઆરી ૨૦૨૫માં કાર્યકાળ સંભાળ્યો ત્યારે અમેરિકા સાથે દ્વિપક્ષીય વેપાર કરાર અંગે વાટાઘાટો શરૂ કરનારા દેશોમાં ભારત સૌથી આગળ હતો, પરંતુ વાટાઘાટોના પાંચ તબક્કા પછી પણ બંને દેશો વચ્ચે દ્વિપક્ષીય વેપાર કરાર થઈ શક્યો નથી. વધુમાં ટ્રમ્પે ભારત પર ૫૦ ટકા ટેરિફ નાંખી દેતાં બંને દેશોના સંબંધો તાજેતરના સમયના તળીયે છે. આવા સમયે હવે અમેરિકાના વાણિજ્ય મંત્રી હાર્વર્ડ લુટનિકે ભારત સરકાર પર તેના બજારની પહોંચ મર્યાદિત કરવાનો આક્ષેપ કર્યો છે.
લુટનિકે ભારપૂર્વક કહ્યું કે, ભારતના વધતા વૈશ્વિક પ્રભાવ અને મુક્ત બજાર લોકતંત્ર હોવાના વારંવારના દાવાઓ છતાં તેનું સંરક્ષણવાદી વલણ અમેરિકન કારોબારને નિરાશ કરે છે. તેમણે કહ્યું કે, આ નિષ્પક્ષતાની વાત છે. અમેરિકા ભારતીય સામાન ખુલ્લેઆમ ખરીદે છે, પરંતુ અમે ભારતમાં સામાન વેચવા માગીએ છીએ ત્યારે તે દિવાલો ઊભી કરી દે છે. આ બધી ચિંતાઓ છતાં અમેરિકા અને ભારત સંરક્ષણ, ટેક્નોલોજી અને રોકાણના ક્ષેત્રમાં વ્યૂહાત્મક ભાગીદાર રહેશે. લુટનિકે કહ્યું કે, અમેરિકા અને ભારતના સંબંધો ઘટવાની શક્યતા નથી, પરંતુ કૃષિ ઉત્પાદનો પર ડયુટીથી લઈને રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી સુધી વેપાર સંબંધી અવરોધો બંને દેશો માટે રહેશે તેમ મનાય છે.