રશિયાનું ઓઈલ બંધ થાય તોય ભારતને ઉની આંચ નહીં આવે
- યુરોપ બે મોઢાની વાત બંધ કરે : નાટોની ધમકી સામે ભારતનો જવાબ
- ભારત પહેલા ઇરાક, સાઉદી અને યુએઈ સહિત 27 દેશો પાસેથી ઓઇલની આયાત કરતું હતું, હવે 40 દેશો પાસેથી કરે છે
- જંગી ડિસ્કાઉન્ટના લીધે હાલમાં ભારતની કુલ ઓઇલ આયાતમાં રશિયાનો હિસ્સો સૌથી વધુ 35 ટકા છે
વોશિંગ્ટન : અમેરિકા પછી નાટોએ રશિયા પાસેથી ઓઇલ ખરીદતા દેશો પર ટેરિફ લાદવાની ધમકીનો વળતો જવાબ આપતા ભારતે જણાવ્યું છે કે ભારત હંમેશા તેના રાષ્ટ્રીય હિતોને પ્રાધાન્ય આપતું રહ્યું છે. ભારતના વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે ભારપૂર્વક જણાવ્યું હતું કે રશિયા પાસેથી ભારતની ઓઇલની ખરીદી ભારતના રાષ્ટ્રીય હિતો અને બજારના પરિબળોને આભારી છે.
તેની સાથે તેમણે યુરોપને બેવડા ધોરણો અપનાવવા સામે ચેતવણી આપી હતી અને કહ્યું હતું કે યુરોપ પોતે જ આ સસ્તુ ઓઇલ ભારત સહિતના દેશો પાસેથી ખરીદે છે અને હવે તે પાછુ અમને ચેતવણી આપે છે. તેમણે યુરોપને કોઈપણ પ્રકારના બેવડા ધોરણો અપનાવવાથી બચવા જણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે નાટોના વડા રુટે ચેતવણી આપી હતી કે રશિયા પાસેથી ઓઇલ ખરીદતા ચીન, ભારત અને બ્રાઝિલ જેવા દેશો ૧૦૦ ટકા ટેરિફનો સામનો કરવા તૈયાર રહે.આ દેશો જો રશિયાને આગામી ૫૦ દિવસમાં યુદ્ધવિરામ કરવા સમજાવી ન શક્યા તો તેઓએ ટેરિફનો સામનો કરવા તૈયાર રહેવું પડશે.
આ જ વાતનો પડઘો પાડતા પેટ્રોલિયમ પ્રધાન હરદીપપુરીએ જણાવ્યું હતું કે રશિયા પાસેથી થતી ઓઇલની આયાત પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો તો પણ ભારત માટે ચિંતાનું કોઈ કારણ નથી. તેમણે દાવો કર્યો હતો કે કુલ જરુરિયાતના ૮૫ ટકા ઓઇલની આયાત કરતા ભારતે તેના આયાતના વિકલ્પોને વૈવિધ્યતાસભર બનાવ્યા છે. તેના કારણે તે રશિયા પરના પ્રતિબંધને પહોંચી વળશે. ભારત પહેલા ૨૭ દેશો પાસેથી ઓઇલની આયાત કરતું હતું, હવે ૪૦ દેશો પાસેથી ઓઇલની આયાત કરે છે. ભારત રશિયા પછી ઇરાક, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત પાસેથી ઓઇલ ખરીદે છે.
તેમણે જણાવ્યું હતું કે આ ઉપરાંત ઓઇલ માર્કેટમાં ગુયાના જેવા ઘણા નવા સપ્લાયરોની એન્ટ્રી થઈ રહી છે. આ ઉપરાંત ભારત બ્રાઝિલ અને કેનેડા જેવા દેશોથી પાસેથી પણ ઓઇલ મંગાવે છે.
જો કે ભારત તેની કુલ ઓઇલ આયાતમાંતી ૩૫ ટકા આયાત રશિયા પાસેથી કરે છે અને તે ભારતને સસ્તી પણ પડે છે. ભારતે છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન રશિયા પાસેથી ઓઇલની આયાત કરીને લગભગ ૨૫ અબજ ડોલરની બચત કરી છે અને રાજકોષીય ખાધને અંકુશમાં રાખી છે.
હવે જો પ્રતિબંધની સ્થિતિ આવે તો ભારત ફરી પાછું યુક્રેન યુદ્ધ પૂર્વેની સ્થિતિમાં આવી જશે જ્યારે ભારત રશિયા પાસેથી માંડ ૦.૨ે ટકા ક્રૂડ ઓઇલની આયાત કરતું હતું. આમ ભારત ક્રૂડ ઓઇલ બાસ્કેટનો સરેરાશ ભાવ ૬૫ ડોલરની આસપાસ રાખવામાં સફળ રહ્યું છે. આ ઉપરાંત ભારતને તાજેતરમાં જ ક્રૂડ ઓઇલની અનામતો મોટાપાયા પર હાથ લાગી છે. ભારત આગામી વર્ષોમાં આ અનામતોનો ઉપયોગ પણ તેના ક્રૂડ ઓઇલ રિઝર્વ તરીકે કરી શકે છે.
રશિયા અને ભારત સાથે ધરી રચવા ચીન મેદાનમાં ઉતર્યુ
નવી દિલ્હી : અમેરિકા પછી હવે યુરોપ પણ એશિયાઈ દેશોને રશિયા સાથેના સંબંધોને લઈને ધમકી આપવા પર ઉતરી આવતા ચીનને આંચકો લાગ્યો છે. તે સમજી ચૂક્યું છે કે એશિયાઈ દેશોને આંતરિક સહયોગ વગર ચાલે તેમ નથી. તેથી તેણે અગાઉ જે વાત થઈ હતી તે ભારત-ચીન રશિયાની ધરી રચવાની બાબતને ફરીથી ઉખેળી છે. આમ હવે ચીનને આ ધરી રચવાનું જ્ઞાન લાદ્યુ છે.રશિયન સમાચાર એજન્સીએ જણાવ્યું હતું કે મોસ્કો રશિયા, ઇન્ડિયા, ચાઇનાની ધરી બનતી જોવા ઇચ્છે છે. મોસ્કો આ મુદ્દે નવી દિલ્હી અને ચીન સાથે વાતચીત કરી રહ્યું છે. રશિયાએ જણાવ્યું હતું કે અમને આશા છે કે ત્રણેય દેશ આ ફોર્મેટમાં કામ કરવા તૈયાર છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ આ વાતને સમર્થન આપતા જણાવ્યું હતું કે ચીન-રશિયા-ભારત વચ્ચેનો સહયોગ ત્રણેય દેશોના પારસ્પરિક હિતોનું સમાધાન કરે છે પરંતુ તે ફક્ત આ ક્ષેત્રમાં જ નહીં વિશ્વમાં પણ શાંતિ અને સુરક્ષા બનાવી રાખવામાં મહત્ત્વની ભૂમિકા અદા કરે છે. ચીન ત્રિપક્ષીય સહયોગને આગળ વધારવા માટે રશિયા અને ભારત સાથે સંવાદને સતત આગળ વધારવા તૈયાર છે.ચીનને ચિંતા એ વાતની છે કે જો તે ભારત સાથેના સંબંધોમાં આગળ વધે તો તેણે તેના મિત્ર પાક.ને કોરાણે મૂકવું પડશે.
મધ્યપૂર્વની તુલનાએ રશિયન ક્રૂડ 16 ટકા સસ્તું
રશિયા પાસેથી ઓઇલ ખરીદી ભારતે જંગી બચત કરી
- ત્રણ વર્ષમાં રશિયા પાસેથી ખરીદીના લીધે ભારતને 25 અબજ ડોલરની જંગી બચત
નવી દિલ્હી : અમેરિકા અને નાટો હવે રશિયામાંથી તેલની આયાતને રોકવા માટે ધમકી આપવા પર ઉતરી આવ્યા છે. ભારત તેની કુલ જરુરિયાતનું ૩૫ ટકા ઓઇલ રશિયામાંથી આયાત કરે છે, કારણ કે રશિયા તેના પરના પ્રતિબંધોના લીધે ભારતને ડિસ્કાઉન્ટમાં તેલ વેચે છે.
રશિયા પાસેથી ડિસ્કાઉન્ટ પર મળતાં તેલના લીધે ભારતે છેલ્લા ત્રણ વર્ષના સમયગાળામાં ૧૦.૫થી ૨૫ અબજ ડોલર જેટલી બચત કરવામાં સફળતા મેળવી છે. આમ ભારત મધ્યપૂર્વના દેશોને પ્રીમિયમ ચૂકવીને ઓઇલની આયાત કરતું હતું તેનાથી વિપરીત રશિયા પાસેથી ડિસ્કાઉન્ટમાં ખરીદી કરીને જંગી બચત કરી છે.
૨૦૨૫ના પ્રારંભ સુધીમાં ભારતે તેની ઓઇલની કુલ આયોતનો ૪૦ ટકા હિસ્સો રશિયા પાસેથી મંગાવ્યો. મેથી જુન ૨૦૨૫ની વચ્ચે આ ટકાવારી ૩૮થી ૪૪ ટકાની વચ્ચે રહી. ૨૦૨૨ પહેલાં ભારતને તેલ વેચવામાં ઇરાક, સાઉદી અરેબિયા, સંયુક્ત આરબ અમીરાત અને અમેરિકા મુખ્ય હતા, પરંતુ ૨૦૨૨માં રશિયાએ યુક્રેન પર આક્રમણ કર્યુ અને યુદ્ધના ખર્ચને પહોંચી વળવા ભારત, ચીન અને તુર્કી જેવા દેશોમાં સસ્તુ તેલ વેચવા લાગ્યું. આના કારણે ભારતને ૨૦૨૨થી ૨૦૨૪ સુધીમાં લગભગ ૧૧થી ૨૫ અબજ અમેરિકન ડોલરની બચત થઈ. ભારતને રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ મધ્યપૂર્વના દેશોની તુલનાએ ૧૧થી ૧૬ ટકા સસ્તુ મળે છે.
રશિયા ભારતને ક્રૂડ ઓઇલના વૈશ્વિક ભાવ બ્રેન્ટ ક્રૂડ કરતાં ચારથી પાંચ ડોલર સસ્તા ભાવે ઓઇલ વેચે છે. ૨૦૨૨થી ૨૦૨૫ દરમિયાન ક્રૂડ ઓઇલનો વૈશ્વિક ભાવ પ્રતિ બેરલ ૮૦થી ૮૫ બેરલ રહ્યો. તેની સામે રશિયાએ ભારતને ૬૫થી ૭૫ બેરલના ભાવે ઓઇલ વેચ્યું હતું.