ગ્રીનકાર્ડ ધરાવનારાની પણ અમેરિકામાંથી હકાલપટ્ટી થઈ શકે : વાન્સ
- અમેરિકામાં ગેરકાયદે વસાહતીઓ પછી હવે ગ્રીનકાર્ડધારકો પર તવાઈની આશંકા
- ગ્રીન કાર્ડ અભિવ્યક્તિની સ્વતંત્રતા સમાન નથી, વિદેશ મંત્રી અને પ્રમુખ નક્કી કરે કે કોઈ વ્યક્તિને અમેરિકામાં રહેવાનો અધિકાર નથી તો તેટલું પુરતું છે : વેન્સ
વોશિંગ્ટન : ભારતમાં ખાસ કરીને ગુજરાત અને પંજાબના લોકોમાં અમેરિકામાં જવાની તેમજ તેનું ગ્રીન કાર્ડ મેળવીને ત્યાં સ્થાયી થઈ જવાની એક પ્રકારની ઘેલછા છે. આ ઘેલછામાં અનેક લોકો ગેરકાયદે માર્ગે પણ અમેરિકામાં ઘૂસવાનો પ્રયત્ન કરતા હોય છે. જોકે, ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં ગેરકાયદે વસાહતીઓ સામે સૌથી મોટું અભિયાન શરૂ કર્યું છે. આવા સમયે હવે અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સે ગ્રીન કાર્ડ વિદેશી નાગરિકોને અમેરિકામાં કાયમી કે સ્થાયી વસવાટની ખાતરી આપતું નથી તેવું નિવેદન કરીને લાખો ભારતીયોની ચિંતા વધારી દીધી છે. ઉપપ્રમુખ વેન્સના આ નિવેદનથી ગેરકાયદે વસાહતીઓ પછી શું હવે ગ્રીનકાર્ડ ધારકોની પણ અમેરિકામાંથી હકાલપટ્ટી કરાશે તેવા સવાલો ઊઠવા લાગ્યા છે.
અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સે એક મુલાકાતમાં કહ્યું કે, ગ્રીન કાર્ડ વિદેશી નાગરિકોને અમેરિકામાં અનિશ્ચિતકાળ સુધી રહેવાનો અધિકાર આપતું નથી. ગ્રીન કાર્ડ સત્તાવાર રીતે 'પરમનન્ટ રેસિડેન્ટ કાર્ડ' તરીકે ઓળખાય છે. તે વિદેશી નાગરિકોને અમેરિકામાં રહેવા અને કામ કરવાનો અધિકાર આપે છે.
ગ્રીન કાર્ડ એક રીતે અમેરિકાનું સ્થાયી નિવાસ કાર્ડ છે, જે વિદેશી નાગરિકોને અમેરિકામાં રહેવા અને કામ કરવાનો અધિકાર આપે છે. તેના આધારે વિદેશી નાગરિકો અમેરિકન નાગરિક્તા મેળવવા માટે અરજી કરી શકે છે. એક અંદાજ મુજબ અમેરિકામાં કુલ ૧.૨૭ કરોડ ગ્રીનકાર્ડ ધારકો છે, જેમાંથી અંદાજે ૨૮થી ૩૦ લાખ ભારતીયોનો સમાવેશ થાય છે જ્યારે ૧૨ લાખથી વધુ ભારતીયોએ ગ્રીન કાર્ડ માટે અરજી કરી છે.
જેડી વેન્સે ફોક્સ ન્યૂઝના ધ ઈંગ્રાહમ એંગલની હોસ્ટ લૉરા ઈંગ્રાહમ સાથેની મુલાકાતમાં કહ્યું કે, ગ્રીન કાર્ડધારકને અમેરિકામાં અનિશ્ચિત સમય સુધી રહેવાનો અધિકાર મળી જતો નથી. તે મૂળભૂત સ્વરુપે સ્વતંત્ર ભાષણ અંગે નથી અને તે અમારા માટે રાષ્ટ્રીય સુરક્ષાની બાબત છે. પરંતુ તેનાથી પણ વધુ મહત્વપૂર્ણ એ છે કે આપણે અમેરિકનો તરીકે એ નિર્ણય લઈએ છીએ કે કોણ આપણા રાષ્ટ્રીય સમુદાયમાં જોડાવાનો અધિકાર ધરાવે છે.
તેમણે આગળ કહ્યું કે, વિદેશ મંત્રી અને પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ નિર્ણય કરે કે આ વ્યક્તિને અમેરિકામાં રહેવાનો અધિકાર ન હોવો જોઈએ અને તેમને અહીં રહેવાનો કોઈ કાયદાકીય અધિકાર નથી તો બસ તેટલું પર્યાપ્ત છે. પછી તે વ્યક્તિને અમેરિકામાં રહેવાનો કોઈ અધિકાર નથી. આ કંઈ અભિવ્યક્તિની આઝાદી જેવી બાબત નથી. હકીકતમાં કોલંબિયા યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ વિદ્યાર્થી મહમુદ ખલીલની ધરપકડ પછી જેડી વેન્સે આ નિવેદન કર્યું છે. ગ્રીનકાર્ડ ધારક ખલીલે ગયા ઉનાળામાં ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વિરુદ્ધ કરાયેલા વિરોધ પ્રદર્શનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, જેને પગલે તેની ધરપકડ કરાઈ હતી. જોકે, તેની ધરપકડના વિરોધમાં અમેરિકામાં મોટાપાયે દેખાવો પણ થયા હતા. ખલીલના વકીલ મુજબ તેમના ગ્રીન કાર્ડને ટ્રમ્પ તંત્ર તરફથી રદ કરી દેવાયું હતું, પરંતુ ન્યુયોર્કના ફેડરલ ન્યાયાધીશ જેસી ફુરમેને સુનાવણી સુધી ખલીલને નિર્વાસિત કરવા માટેના પ્રયત્નોને રોકી દેવા આદેશ આપ્યો હતો.
અમેરિકન કાયદામાં કેટલીક પરિસ્થિતિઓમાં ગ્રીન કાર્ડ રદ કરવાની મંજૂરી અપાઈ છે, જેમાં ગૂનાઈત પ્રવૃત્તિ, દેશમાં લાંબા સમય સુધી ગેરહાજરી અથવા ઈમિગ્રેશન નિયમોનું પાલન નહીં કરવા જેવી બાબતોનો સમાવેશ થાય છે.