World

ઇઝરાયેલ પર પ્રતિબંધ મૂકવા અને આંશિક વ્યાપાર નિલંબનની તૈયારીમાં યુરોપીય યુનિયન

By GS TEAM
10 Sep 20252 mins read
ઇઝરાયેલ પર પ્રતિબંધ મૂકવા અને આંશિક વ્યાપાર નિલંબનની તૈયારીમાં યુરોપીય યુનિયન

- ગાઝા પટ્ટીમાં 64,000ના મોત : હવે 2 લાખ જ રહ્યા છે

- ઉર્સુલા વોન દર લિયોને કહ્યું : યુરોપ આગામી મહિને દાન દાતા સમૂહ રચશે : જેનો એક ભાગ ગાઝાનાં પુર્નનિર્માણમાં વાપરવામાં આવશે

સ્ટ્રસબર્ગ : યુરોપીય યુનિયનનાં અધ્યક્ષ ઉર્સુલા વોન દર લિયોને કહ્યું હતું કે ગાઝામાં ચાલી રહેલા યુદ્ધને લીધે ઇઝરાયલ પર પ્રતિબંધો મુકવા અને આંશિક વ્યાપાર નિલંબન કરવા અંગે ઇ.યુ.યોજના ઘડી રહ્યું છે.

આ સાથે તેઓએ જણાવ્યું કે યુરોપીય યુનિયન આગામી મહીને એક દાન દાતા સમુહ બનાવશે. તેનો એક ભાગ ગાઝાનાં પુર્નનિર્માણ માટે વાપરવામાં આવશે. તેઓએ વધુમાં કહ્યું કે ગાઝાની ઘટનાઓ અને બાળકોની પીડાએ વિશ્વના અંતરાત્માને હલાવી દીધો છે.

ફ્રાંસનાં સ્ટ્રાસબર્ગમાં મળેલી યુરોપીય યુનિયનની બેઠકમાં તેઓએ કહ્યું : માનવ નિર્મિત દુષ્કાળ કદી યુદ્ધ હથિયાર બનવું ન જોઇએ. બાળકો અને માનવતા ખાતર પણ તેમ થવા દેવું ન જોઇએ.

ઉર્સુલા વોન દર લિયોનનાં આ વિધાનો તે સમયે આવ્યાં છે કે જ્યારે ઇઝરાયલી સેનાએ ગાઝા શહેરના નિવાસીઓને ચેતવણી આપી દીધી છે કે, આ વિસ્તાર ખાલી કરો.

ગાઝા હમાસનો છેલ્લો ગઢ મનાય છે. ત્યાં લાખ્ખો લોકો દુષ્કાળની સ્થિતિમાં જીવે છે. ગાઝા શહેર સંપૂર્ણ રીતે ખાલી કરવાની ચેતવણી પહેલીવાર જાહેર કરાઈ છે.

૭ ઓક્ટો. ૨૦૨૩ના દિને હમાસે દક્ષિણ ઇઝરાયલ પર હુમલો કરી આશરે ૧૨૦૦ની હત્યા કરી હતી અને ૨૫૧નાં અપહરણ કર્યા જેમાં મોટાભાગના ઇઝરાયલીઓ હતા. તે અપહૃતોમાંથી હજી ૪૮ હમાસનાં બંધનમાં રહ્યા. તેમાંથી ૨૮ મૃત્યુ પામ્યા છે. ૨૦ જીવિત હોવાનો સંભવ છે.

૭ ઓક્ટો. ૨૦૨૩ પછી શરૂ થયેલાં યુદ્ધમાં ૬૪,૦૦૦થી વધુ નાગરિકો માર્યા ગયા છે. અત્યારે ૨૦ લાખ પેલેસ્ટાઈનીઓમાંથી ૯૦ ટકા વિસ્થાપિત થયા છે. એટલે હવે ત્યાં ૨ લાખ નાગરિકો જ રહ્યા હોવા સંભવ છે.