Get The App

ટ્રમ્પ સામે બાંયો ચઢાવતા યુરોપિયન દેશો 107 અબજ ડોલરનો વળતો ટેરિફ નાંખશે

Updated: Jan 20th, 2026

GS TEAM

Google News
Google News
ટ્રમ્પ સામે બાંયો ચઢાવતા યુરોપિયન દેશો 107 અબજ ડોલરનો વળતો ટેરિફ નાંખશે 1 - image

- રશિયા-ચીનનું જોખમ ગણાવી ગ્રીનલેન્ડ પર કબજાનો અમેરિકાનો દાવો

- અમેરિકન કંપનીઓને યુરોપમાંથી હાંકી કાઢવા અંગે ઈયુની તૈયારી : ટ્રમ્પનો ટેરિફ પહેલી ફેબ્રુઆરીથી અમલી બનશે તો છ ફેબ્રુ.થી અમારો ટેરિફ અમલમાં આવશે 

- અમેરિકન પ્રમુખ અંગત હિતો સાધવા યુરોપને અમારો ડર ના બતાવે : ચીનના વિદેશ મંત્રી

બ્રસેલ્સ : અમેરિકન પ્રમુખ ટ્રમ્પે ગ્રીનલેન્ડની માંગનો વિરોધ કરતાં યુરોપના આઠ દેશો પર પહેલી ફેબ્રુઆરીથી ટેરિફ નાખ્યો છે. તેના જવાબમાં યુરોપીયન સંઘ પણ ચૂપ બેસી રહ્યુ નથી, તેણે પણ અમેરિકા પર ૧૦૭ અબજ ડોલરનો ટેરિફ નાખવાનું નક્કી કરી લીધું છે. જો ટ્રમ્પનો ટેરિફ પહેલી ફેબ્રુઆરીથી અમલમાં આવશે તો યુરોપીયન સંઘનો અમેરિકા પરનો ટેરિફ છઠ્ઠી ફેબ્રુઆરીથી અમલમાં આવશે. અમેરિકા અને યુરોપ વચ્ચે ટેરિફ વોર શરૂ થવાની તૈયારીમાં જ છે, જે આગામી દિવસોમાં તીવ્ર બની શકે છે. 

રવિવારે યુરોપીયયન સંઘના રાજદૂતોની બેલ્જિયમના બ્રસેલ્સમાં ઇમરજન્સી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ફ્રાન્સ અને જર્મની સહિતના ઘણા દેશોએ  ટ્રમ્પની ધમકીની નિંદા કરી. તેમણે જણાવ્યું હતું કે આ તો રીતસરનું બ્લેકમેઇલિંગ જ કહેવાય.

ફ્રાન્સે ટ્રમ્પની ટેરિફની ધમકીના જવાબમાં એવા પગલાં ઉઠાવવાનો પ્રસ્તાવ મૂક્યો છે, જે અત્યાર સુધીમાં ક્યારેય અજમાવવામાં આવ્યા નથી. ફાઇનાન્સિયલ ટાઇમ્સના રિપોર્ટ મુજબ યુરોપીયન સંઘ અમેરિકા પર ૧૦૭ અબજ ડોલર (૯૩ અબજ યુરો)ના ટેરિફ લગાવવાનું અને અમેરિકન કંપનીઓને યુરોપીયન બજારમાંથી બહાર કરવાનું વિચારી રહ્યું છે.

આ સપ્તાહે દાવોસમાં મળનારી વર્લ્ડ ઇકોનોમિક ફોરમની બેઠકમાં ટ્રમ્પ પર દબાવ બનાવવા કયા પ્રકારના પગલાં લેવા તેનો વિચાર કરવામાં આવશે. યુરોપીયન સંઘના રાજદૂતે જણાવ્યું હતું કે ટ્રમ્પના ટેરિફના જવાબમાં આ ટેરિફ છ ફેબ્રુઆરીથી લાગુ પડી જશે. આ મુદ્દે  ૨૨ જાન્યુઆરીના રોજ શિખર સંમેલન બોલાવવા વિચાર કરી શકાય છે. જો કે બીજા રાજદૂતનું કહેવું છે કે ગ્રીનલેન્ડ મુદ્દે અમેરિકા સામે પગલાં લેવાનો અમારો ઇરાદો નથી. અમે કૂટનીતિક રસ્તો શોધી રહ્યા છીએ. ટ્રમ્પ જો પહેલી ફેબ્રુઆરીથી ટેરિફ અમલમાં લાગુ કરી દે તો તેના ટેરિફ લાદવાને લઈને સામાન્ય સંમતિ બની છે.

બીજી બાજુએ ટ્રમ્પે ફરીથી ગ્રીનલેન્ડ પર કબ્જો કરવાની ધમકી આપી છે. હવે તેમણે ગ્રીનલેન્ડ પર રશિયન ભયને દૂર કરવાનો સંકલ્પ લીધો છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જણાવ્યું છે કે ડેન્માર્ક ઘણા સમયથી રશિયન ભયને ગ્રીનલેન્ડથી દૂર કરવા પ્રયત્નશીલ છે. હવે સમય આવી ગયો છે કે ા પ્રયત્નોને સફળ બનાવવામાં આવે. નાટોમાં ડેન્માર્ક છેલ્લા ૨૦ વર્ષથી કહી રહ્યુ છે કે તેણે રશિયન ભયને દૂર કરવો પડશે. કમનસીબે ડેન્માર્ક કશું કરી શક્યું નથી.  ચીને અમેરિકા વારંવાર ચીનનો ભય યુરોપીયન દેશોને બતાવી રહ્યુ છે તેનો વિરોધ કર્યો છે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ  જણાવ્યું હતું કે અમેરિકા તેના હિતોને આગળ ધપાવવા માટે ચીનને આગળ ધરે છે. આંતરરાષ્ટ્રીય કાયદો નિયમ મુજબનો અને યુએન ચાર્ટરના સિદ્ધાંત મુજબનો છે. વર્તમાન આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાનો તે આધાર છે અને તે જળવાવવો જોઈએ. 

ટ્રમ્પનો નોર્વેના પીએમને લખેલો પત્ર લીક

મને નોબલ ન મળ્યો, હવે શાંતિની જવાબદારી મારી નહીં

- ડેન્માર્ક પાસે ગ્રીનલેન્ડ તેનું હોવાનો કોઈ લેખિત દસ્તાવેજ ન હોવાનો ટ્રમ્પનો દાવો 

વોશિંગ્ટન : અમેરિકન પ્રમુખ ટ્રમ્પનું નોબેલ શાંતિ ઇનામને લઈને ગાંડપણ નીત નવા શિખરો સર કરી રહ્યું છે. આ વખતની નોબેલ વિજેતા મચાડોએ આપેલા મેડલથી પણ તેને સંતોષ નથી. ટ્રમ્પે નોર્વેના પીએમ જોનાસ ગહર સ્ટોરેને લખેલા પત્રમાં જણાવ્યું છે કે મને નોબેલ ઇનામ આપવામાં આવ્યું નથી તો તેથી શાંતિની જવાબદારી મારી નથી. 

તેમણે જણાવ્યું હતું કે હવે તેઓ પોતે ફક્ત શાંતિ અંગિ વિચારવાની જરૂરિયાત સમજતા નથી. પીબીએસના રિપોર્ટ મુજબ અમેરિકન પ્રમુખ સ્ટોરેને લખેલા એક પત્રમાં તેમણે તેમને નોબેલ ઇનામ ન આપવામાં આવ્યુ તેનો ઉલ્લેખ કર્યો. ફક્ત એટલું જ નહીં તેમણે નોબેલ સમિતિમાં નોર્વે સરકારની ભૂમિકાને પોતાની વિદેશ નીતિ સાથે પણ જોડી. 

તેમણે જણાવ્યું હતું કે તમારા દેશે મને આઠથી વધુ યુદ્ધો રોકવા છતાં નોબેલ શાંતિ ઇનામ ન આપવાનો નિર્ણય લીધો. તેથી હવે મને ફક્ત શાંતિ અંગે જ વિચારવાની જરૂરિયાત અનુભવાતી નથી. જો કે શાંતિ હંમેશા સર્વોપરી રહેશે, પરંતુ હવે હું વિચારું છું કે યુએસએ માટે શું સારું અને યોગ્ય છે.

ટ્રમ્પે આ ઉપરાંત ગ્રીનલેન્ડ પર ડેન્માર્કના પ્રભુત્વનો સવાલ ઉઠાવ્યો અને દલીલ કરી કે ડેન્માર્ક અને આ ક્ષેત્રની સુરક્ષા વ્યવસ્થાઓ આ ક્ષેત્રને અગ્રણી શક્તિઓથી બચાવી શકે છે.  તેમણે જણાવ્યું હતું કે ડેનામાર્ક એકલું રશિયા અને ચીન સામે ગ્રીનલેન્ડનું રક્ષણ નહીં કરી શકે. તેની પાસે ગ્રીનલેન્ડના સ્વામિત્વનો કે ગ્રીનલેન્ડ તેનું હોવાનો કોઈ સત્તાવાર પુરાવો ક્યાં છે. તેની પાસે કોઈ લેખિત દસ્તાવેજ નથી. સેકંડો વર્ષ પહેલા એક હોડી ગ્રીનલેન્ડ ગઈ એટલે તે ડેન્માર્કનું થઈ ગયુ. આવું હોય તો અમારી તો ત્યાં હજારો બોટ જાય છે. 

તેમણે જણાવ્યું હતું કે નાટોની સ્થાપના પછી અમેરિકાએ જ તેમાં સૌથી વધુ સક્રિય ભૂમિકા ભજવી છે. હવે સમય છે કે નાટો પણ અમેરિકા માટે કંઇક કરે. ગ્રીનલેન્ડ પર જ્યાં સુધી અમેરિકાનું સંપૂર્ણ નિયંત્રણ નહીં સ્થપાય ત્યાં સુધી વિશ્વ સુરક્ષિત નહીં રહે.