Get The App

પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય ફજેતી, રશિયાએ S-400 મિસાઈલના સીક્રેટ ચોરી કરતા ISI એજન્ટને પકડ્યો

Updated: Nov 10th, 2025

GS TEAM

Google News
Google News
Pakistan ISI Russia Mission

Pakistan ISI Russia Mission: ભારત વિરુદ્ધ સતત ષડયંત્ર રચવામાં વ્યસ્ત પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે ફરી એકવાર શરમજનક પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે. રશિયાએ પાકિસ્તાનની ગુપ્તચર એજન્સી ISIના જાસૂસી નેટવર્કને ખુલ્લું પાડી દીધું છે. આ નેટવર્ક S-400 જેવી અદ્યતન એર ડિફેન્સ સિસ્ટમ્સ અને હેલિકોપ્ટર ટેક્નોલોજી રશિયા પાસેથી ચોરવાનો પ્રયાસ કરી રહ્યું હતું. આ તકનીકો ભારતીય વાયુસેનાના આધુનિક સંરક્ષણ પ્રણાલીનો હિસ્સો હોવાથી, રશિયાની આ કાર્યવાહી ભારતની સુરક્ષા માટે અત્યંત મહત્ત્વની ગણાય છે.

રશિયાએ S-400 મિસાઈલના સીક્રેટ ચોરી કરતા ISI એજન્ટને પકડ્યો 

મીડિયા અહેવાલ પ્રમાણે, ISI માટે કામ કરતા એક રશિયન નાગરિકની ધરપકડ રશિયાની ગુપ્તચર એજન્સીઓએ સેન્ટ પીટર્સબર્ગમાં કરી. ગુપ્ત દસ્તાવેજોની તસ્કરી થાય તે પૂર્વે જ આ જાસૂસી કૌભાંડનો પર્દાફાશ થઈ ગયો.

તેની પાસેથી સૈન્ય હેલિકોપ્ટર અને એર ડિફેન્સ સિસ્ટમ્સના વિકાસમાં ઉપયોગમાં લેવાતા દસ્તાવેજો મળી આવ્યા છે. આ દસ્તાવેજોમાં Mi-8 AMTShV સંબંધિત સંવેદનશીલ તકનીકી માહિતી પણ સામેલ હતી. આ ખુલાસો એવા સમયે થયો છે, જ્યારે ભારતે તાજેતરમાં 'ઓપરેશન સિંદૂર' દ્વારા પાકિસ્તાન સ્થિત આતંકી નેટવર્કને મોટો ફટકો આપ્યો હતો. પાકિસ્તાને વળતો હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ S-400 સિસ્ટમ નિર્ણાયક સાબિત થતાં, પાકિસ્તાનના જેટ્સ ભારતની સીમામાં પણ પ્રવેશી શક્યા નહોતા

નિષ્ફળતા બાદ જાસૂસીમાં વધારો

એવું માનવામાં આવે છે કે તે પછી જ પાકિસ્તાને રશિયામાં પોતાની જાસૂસી ગતિવિધિઓ વધારી. રિપોર્ટ્સ અનુસાર, ISIનું આ નેટવર્ક રશિયાના એડવાન્સ્ડ S-400 મિસાઇલ ડિફેન્સ સિસ્ટમ સાથે જોડાયેલી જાણકારીઓ મેળવવાનો પ્રયાસ કરી રહ્યું હતું. આ એ જ સિસ્ટમ છે જેણે 'ઓપરેશન સિંદૂર'માં ભારતીય વાયુસેનાને નિર્ણાયક સરસાઈ અપાવી હતી.

ભારતીય વાયુસેના પાસે S-400

ભારતીય વાયુસેના પાસે હાલમાં S-400 મિસાઇલ સિસ્ટમના ત્રણ યુનિટ છે અને ભારતે રશિયા પાસેથી વધારાની પાંચ સિસ્ટમ ખરીદવાની યોજના બનાવી છે. ISIનો આ પ્રયાસ ભારતની વ્યૂહાત્મક સરસાઈને સીધી રીતે નબળી પાડવાના ઉદ્દેશ્યથી કરાયો હતો. રશિયાની એજન્સીઓએ આ સમગ્ર મામલાને 'કાઉન્ટર-એસ્પિયોનેજ ઓપરેશન' (ગુપ્તચર વિરોધી અભિયાન) હેઠળ પાર પાડ્યો છે. ધરપકડ કરાયેલા વ્યક્તિની પૂછપરછ ચાલુ છે અને જાસૂસીમાં પાકિસ્તાની દૂતાવાસ કે અન્ય વિદેશી એજન્સીઓની ભૂમિકાની તપાસ થઈ રહી છે.

આ પણ વાંચો: અમેરિકા, રશિયા અને ચીનના અર્થતંત્ર ડામાડોળ, કોઈને યુદ્ધ ભારે પડ્યું તો ક્યાંક મોટી છટણી

રશિયાએ આ મામલાને ખૂબ ગંભીરતાથી લીધો છે. ઉપરાંત, ગયા અઠવાડિયે મોસ્કો સ્થિત પાકિસ્તાની અખબાર 'ફ્રન્ટિયર પોસ્ટ'માં છપાયેલા 'એન્ટી-રશિયન' અહેવાલો પર પણ રશિયન દૂતાવાસે વાંધો ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે તેનાથી રશિયાની છબી ખરાબ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે.

પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય ફજેતી, રશિયાએ S-400 મિસાઈલના સીક્રેટ ચોરી કરતા ISI એજન્ટને પકડ્યો 2 - image