India EU Trade Deal: યુરોપિયન યુનિયન (EU) અને ભારત વચ્ચે એક ઐતિહાસિક વેપાર કરાર(ટ્રેડ ડીલ) થવા જઈ રહી છે, જેને વૈશ્વિક સ્તરે 'મધર ઓફ ઓલ ડીલ્સ' તરીકે જોવામાં આવી રહી છે. યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમ (WEF)ની વાર્ષિક બેઠકમાં આ મહત્વપૂર્ણ જાહેરાત કરી. આ ડીલ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ નીતિઓનો સામનો કરી રહેલા ભારત માટે એક મોટી રાહત અને વ્યૂહાત્મક જીત સમાન માનવામાં આવે છે.
મુખ્ય મુદ્દાઓ અને ડીલની વિગતો
આ ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ (FTA) દ્વારા ભારત અને યુરોપના આશરે 200 કરોડ લોકોનું બજાર એકબીજા સાથે જોડાશે. વૈશ્વિક પ્રભાવની વાત કરીએ તો આ વેપાર કરાર વિશ્વની કુલ જીડીપી (GDP)ના ચોથા ભાગને (1/4) આવરી લેશે જે બંને દેશો માટે આર્થિક રીતે ગેમ-ચેન્જર સાબિત થશે. EU પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેને જણાવ્યું હતું કે, 'અમે એક ઐતિહાસિક વ્યાપાર સમજૂતીની ખૂબ નજીક છીએ. જો કે, થોડું કામ બાકી છે પણ આ ડીલ યુરોપને વિશ્વના સૌથી ઝડપથી વિકસતા બજાર સાથે જોડશે. કેટલાક લોકો તેને 'મધર ઓફ ઓલ ડીલ' કહે છે'
EU પ્રમુખે એ પણ ટાંક્યું કે, યુરોપે ઉર્જા, કાચો માલ, સંરક્ષણ અને ડિજિટલ ક્ષેત્રમાં ઝડપથી પગલાં ઉઠાવ્યા છે, હવે સ્થાયી ફેરફાર માટે અવસરનો લાભ ઉઠાવવો પડશે. ભારત અને યુરોપિયન સંઘ 2004થી જ રણનૈતિક ભાગીદાર છે. વધુમાં તેમણે જિયોપોલિટિક્સનો પણ ઉલ્લેખ કરતાં કહ્યું કે રશિયા-યુક્રેન યુદ્ધ, ઉર્જા સુરક્ષા અને ટેકનોલોજી સ્પર્ધા જેવા મુદ્દાઓ EUની પ્રાથમિકતાઓ છે. પ્રસ્તાવિત સુરક્ષા અને સંરક્ષણ બંને પક્ષે ગાઢ સહયોગને સક્ષમ બનાવશે અને ભારતીય કંપનીઓને EUના 'સિક્યોરિટી એક્શન ફોર યુરોપ' (SAFE) કાર્યક્રમમાં ભાગ લેવાની તક પૂરી પાડશે.
26મી જાન્યુઆરીએ મોટી જાહેરાતની શક્યતા
યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેન અને યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોનિયો કોસ્ટા 25 થી 27 જાન્યુઆરી દરમિયાન ભારતની મુલાકાતે છે. તેઓ ભારતના 77માં ગણતંત્ર દિવસ (Republic Day) સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથેની બેઠક દરમિયાન આ ઐતિહાસિક FTA (ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ)ની સત્તાવાર જાહેરાત થઈ શકે છે. ભારત પ્રવાસ દરમિયાન વેપાર કરાર ઉપરાંત બંને દેશ વચ્ચે સંરક્ષણ તેમજ 2026-2030 માટે રણનૈતિક એજન્ડા પણ તૈયાર કરવાની યોજના છે.
આ પણ વાંચો: વાહન ચાલકો સાવધાન... જો ટોલ નહીં ચૂકવો તો થશે મોટું નુકસાન, સરકારે નવો નિયમ લાગુ કર્યો
આ ડીલનો સમય ભારત માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. એક તરફ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારત પર 50% ટેરિફ લગાવ્યો છે, જેના કારણે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અટકી પડી છે. ટ્રમ્પની આકરી નીતિઓ વચ્ચે યુરોપિયન યુનિયન સાથેની આ ડીલ ભારત માટે એક મજબૂત વિકલ્પ સાબિત થશે. આ ડીલથી ટ્રમ્પના ભારત પર દબાણ બનાવવાની આશા પર પાણી ફરી વળશે તેવું નિષ્ણાતો માની રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, ભારત અને EU વચ્ચે FTA માટેની વાતચીત 2007માં શરૂ થઈ હતી, જે 2013માં અટકી ગઈ હતી અને જૂન 2022માં ફરી શરૂ થઈ હતી. હવે તે તેના અંતિમ ચરણમાં છે. જેમાં માત્ર વેપાર જ નહીં, પરંતુ રોકાણ, સંરક્ષણ અને ટેકનિકલ સહયોગ પર પણ ભાર મૂકવામાં આવ્યો છે.


