232 વર્ષ બાદ અમેરિકામાં 'એક સેન્ટ' ના સિક્કાનું ઉત્પાદન બંધ, ટ્રમ્પે કેમ લીધો આ નિર્ણય?

Donald Trump Stop Production 1 Cent Coin : અમેરિકાના ચલણના ઇતિહાસમાં એક યુગનો અંત આવ્યો છે. અમેરિકન ટંકશાળે બુધવાર, 13 નવેમ્બરના રોજ સત્તાવાર રીતે પેની (એક સેન્ટનો સિક્કો) બનાવવાનું બંધ કરી દીધું છે. 232 વર્ષ સુધી ચલણમાં રહ્યા બાદ અમેરિકન પેનીનું ઉત્પાદન હવે ભૂતકાળ બની ગયું છે. છેલ્લી પેની ફિલાડેલ્ફિયા ટંકશાળમાં બનાવવામાં આવી હતી, જ્યાં 1793માં પ્રથમ વખત એક સેન્ટના સિક્કા બનાવવામાં આવ્યા હતા.
શા માટે લેવાયો આ નિર્ણય?
દેશના સૌથી નાના મૂલ્યના સિક્કાને બંધ કરવાનો આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો કારણ કે તેના ઉત્પાદનનો ખર્ચ સિક્કાના પોતાના મૂલ્ય કરતાં ઘણો વધી ગયો હતો. આ નિર્ણય આ વર્ષે ફેબ્રુઆરીમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આપવામાં આવેલા નિર્દેશ બાદ લેવામાં આવ્યો છે.
ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર આપી માહિતી
ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર લખ્યું હતું કે, "અમેરિકા લાંબા સમયથી એવા પૈસા બનાવી રહ્યું છે જેની કિંમત આપણને ખરેખર 2 સેન્ટ કરતાં પણ વધુ પડે છે. આ ખૂબ જ નકામું છે. મેં મારા અમેરિકન નાણા મંત્રીને નવા પૈસા બનાવવાનું બંધ કરવાનો નિર્દેશ આપ્યો છે." આ પહેલા, 1857માં, અડધા સેન્ટનો સિક્કો બંધ કરવામાં આવ્યો હતો.
1 સેન્ટના સિક્કાની 232 વર્ષની યાત્રા
1787માં બનેલો 'ફ્યુગિયો સેન્ટ', જેને 'ફ્રેન્કલિન સેન્ટ' તરીકે પણ ઓળખવામાં આવે છે, તે યુનાઇટેડ સ્ટેટ્સનો પ્રથમ સત્તાવાર પ્રચલિત સિક્કો હતો. આ સિક્કા તાંબામાંથી બનેલા હતા, જે અમેરિકન ક્રાંતિ દરમિયાન ફ્રાન્સ દ્વારા મોકલવામાં આવેલા ગનપાવડરના બેરલને બાંધવા માટે વપરાતી ધાતુની પટ્ટીઓમાંથી મેળવવામાં આવ્યું હતું.
જ્યારે સિક્કા પર આવ્યા અબ્રાહમ લિંકન
1909માં પ્રમુખ અબ્રાહમ લિંકનના જન્મની 100મી વર્ષગાંઠની ઉજવણી કરવા માટે, તેમની છબી પ્રથમ વખત અમેરિકન સિક્કા પર અંકિત કરવામાં આવી હતી. આ ઘટનાની સાથે જ, પ્રથમ વખત કોઈ પ્રમુખની છબી અમેરિકન સિક્કાઓ પર સ્થાન પામી હતી, જેણે આ સિક્કાને વધુ ઐતિહાસિક બનાવ્યો.

