લોકોને હાશકારો : અમેરિકામાં 43 દિવસ લાંબા શટડાઉનનો અંત

- અમેરિકન પ્રમુખ ટ્રમ્પે શટડાઉન ખોલતું બિલ મંજૂર કર્યું
- શટડાઉને અમેરિકન અર્થતંત્રને 14 અબજ ડોલરનો જંગી નાણાકીય ફટકો માર્યાનો આર્થિક નિષ્ણાતનો મત
- શટડાઉનના લીધે અમેરિકામાં ચાર કરોડથી પણ વધારે લોકોએ સરકારી ભૂખમરો વેઠવાનો સમય આવ્યો
વોશિંગ્ટન : અમેરિકન ઇતિહાસના સૌથી મોટા ૪૩ દિવસના શટડાઉનનો અંત આવી ગયો છે. પ્રમુખ ટ્રમ્પે બિલ પર સહી કરવાની સાથે આ શટડાઉન ખતમ થઈ ગયું હતું. આ શટડાઉને ચોથા ક્વાર્ટરમાં અમેરિકન જીડીપીને ૧.૫ ટકાનો ફટકો માર્યો છે. તેના કારણે અમેરિકન જીડીપીને ૧૪ અબજ ડોલર સુધીનું નુકસાન થયું હોવાનો અત્યંત રુઢિચુસ્ત અંદાજ આર્થિક નિષ્ણાતોએ મૂક્યો છે.
અમેરિકન સેનેટે સોમવારે આ બિલ ૬૦-૪૦થી પસાર કરી દીધા બાદ હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સમાં આ બિલ ૨૨૨-૨૦૯થી પસાર થઈ ગયું હતું. આ શટડાઉનના પગલે ચાર કરોડથી પણ વધુ અમેરિકનોને અસર પડી હતી અને આ અસર એટલી તીવ્ર હતી કે તેઓ સરકારી ભૂખમરાનો ભોગ બન્યા હતા. આ શટડાઉનની ખાસિયત એ હતી કે તેમા કોઈ વિજેતા બનીને બહાર આવ્યું નથી. તેના અંગેના કરવામાં આવેલા સરવેમાં ૫૦ ટકા અમેરિકનોએ શટડાઉન માટે રિપબ્લિકનને તો ૪૭ ટકાએ ડેમોક્રેટ્સને જવાબદાર ઠેરવ્યા હતા. ટૂંકમાં તેમાં બંનેની સરખી હિસ્સેદારી હતી.
શટડાઉન ખોલવા માટે સધાયેલી સમજૂતીના કારણે સરકારને ૩૦મી જાન્યુઆરી સુધી કામ કરવાના ફંડિંગને મંજૂરી મળી ગઈ છે. આ સમયગાળા દરમિયાન આગામી એક વર્ષ સુધીના ફંડિંગને પણ મંજૂરી મેળવી લેવામાં આવે તેમ મનાય છે. ટ્રમ્પે આ શટડાઉનની જવાબદારી ડેમોક્રેટ્સના શિરે ઢોળી હતી. તેની સામે ડેમોક્રેટ્સનું કહેવું છે કે રિપબ્લિકનોને ફક્ત અબજપતિઓની જ ચિંતા છે, સામાન્ય અમેરિકનોની નહી. તેઓ અબજપતિઓ માટે ટેક્સમાં ઘટાડો કરે છે, પરંતુ સામાન્ય અમેરિકનોની હેલ્થકેરના ખર્ચનું બિલ તે પાસ કરતાં નથી. હેલ્થ ઇન્સ્યોરન્સનું બિલ પાસ નહીં થાય તો લાખો અમેરિકનો પર પ્રીમિયમનો બોજ બમણો થઈ જશે. તેમને સામાન્ય અને નોકરિયાત અમેરિકનોની કોઈ ચિંતા નથી. ફક્ત અબજપતિઓની ચિંતા છે. તેઓ સામાન્ય અમેરિકનોને વીમા કંપનીઓના ભરોસે છોડી દેવા માંગે છે.
શટડાઉનના કારણે અમેરિકાના ૬.૭૦ લાખ ફેડરલ કર્મચારીઓ ફર્લો પર જતાં રહ્યા હતા અને ૭.૩૦ લાખ કર્મચારીઓએ વગર વેતને કામ કર્યુ હતુ. ફક્ત પૂરતા પ્રમાણમાં ટ્રાફિક કંટ્રોલર ન હોવાના કારણે ચાર હજારથી વધારે ફ્લાઇટ રદ કરવી પડી હતી તો ૧૧ હજારથી પણ વધુ ફ્લાઇટ લેટ હતી.
રાજકીય હુંસાતુંસીમાં પ્રજાનો મરો થયો
શટડાઉન : મારી નોકરીના 20 વર્ષમાં આટલી ખરાબ સ્થિતિ ક્યારેય જોઈ નથી
- શટડાઉન અમેરિકન રાજકારણીઓની બુદ્ધિને પણ લાગેલા શટડાઉનનું પ્રતિબિબ
વોશિંગ્ટન : અમેરિકામાં ફેડરલ ગવર્નમેન્ટ શટડાઉનના કારણે ફેડરલ કર્મચારીઓની સ્થિતિ અત્યંત ખરાબ થઈ ગઈ હતી. તેમા એક કર્મચારીએ જણાવ્યું હતું કે મારી ૨૦ વર્ષની નોકરીના અત્યંત ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો છું. આટલી અનિશ્ચિતતા ક્યારેય જોઈ ન હતી. અમેરિકન ફેડરલ કર્મચારી એલિઝાબેથ મેકપીકે જણાવ્યું હતું કે ફેડરલ કર્મચારી તરીકેના ૨૦ વર્ષમાં આટલો ખરાબ સમય મેં ક્યારેય જોયો નથી. અમેરિકા જેવા દેશમાં એક મહિનો વેતન વગર રહેવાની ખબર ટ્રમ્પ જેવા અબજપતિને ક્યાંથી પડે.
જ્યારે અન્ય એક ફેડરલ કર્મચારીએ જણાવ્યું હતું કે આ શટડાઉનથી તેઓએ હાંસલ શું કર્યુ તે કશું જ સમજાતું નથી. અમને તો આ વાત એક રાજકીય હુંસાતુંસીથી વિશેષ કશું લાગતું નથી. તેમના આ પ્રકારના વ્યવહારે અમેરિકાને અરાજકતામાં ધકેલી દીધુ હતુ. આ લોકો કયા નશામાં આ પ્રકારના નિર્ણયો લે છે તે જ સમજાતું નથી. શું તેઓને વાસ્તવિક સ્થિતિને ખબર હોય છે ખરી. આ શટડાઉને બીજું કંઈ રાજકારણીઓને વિવેકબુદ્ધિને લાગેલું પણ બતાવ્યું છે.

