કેનેડાના ગુરુદ્વારામાં 'રિપબ્લિક ઓફ ખાલિસ્તાન'ના બોર્ડ લાગ્યા, ખાલિસ્તાની દૂતાવાસ શરૂ થતાં ભારત એલર્ટ
Khalistani in Canada: કેનેડાના બ્રિટિશ કોલમ્બિયા પ્રોવિન્સના સરેમાં એક ગુરુદ્વારામાં ‘રિપબ્લિક ઓફ ખાલિસ્તાન’ નામના બોર્ડ જોવા મળ્યા છે. એવા અહેવાલો છે કે, આ ગુરુદ્વારા ખાલિસ્તાની આતંકવાદી હરદીપ સિંઘ નિજ્જર દ્વારા સંચાલિત હતું, જેમાં ખાલિસ્તાની દૂતાવાસ શરૂ થયું છે. આ સમાચારો પછી ભારત સરકાર એલર્ટ મોડમાં છે. વર્ષ 2023માં હરદીપ સિંહ નિજ્જરની હત્યાને લઈને ભારત અને કેનેડા વચ્ચે તણાવ સર્જાયો હતો.
આ ઉશ્કેરણીજનક પગલું ખાલિસ્તાન રાષ્ટ્ર માટેના જનમત સંગ્રહની તૈયારી વચ્ચે લેવામાં આવ્યું છે. જેના કારણે ભારત અને કેનેડા વચ્ચેનો તણાવ ઘટાડવાના પ્રયાસોને પણ વધુ મોટો ફટકો પડી શકે એમ છે.
આ સ્થિતિમાં ભારતે કેનેડા સરકારને અલગતાવાદી જૂથો સામે વધુ આક્રમક કાર્યવાહી કરવાની અપીલ કરી છે. આ ઘટના બંને દેશો વચ્ચેના સંબંધોને વધુ જટિલ બનાવી શકે છે કારણ કે કેનેડામાં છેલ્લાં ઘણાં સમયથી બેરોકટોક ખાલિસ્તાની પ્રવૃત્તિ ચાલી રહી છે.
આ અગાઉ પૂર્વ વડાપ્રધાન જસ્ટિન ટ્રૂડોના શાસનકાળમાં પણ ખાલિસ્તાની કેનેડામાં ભારત વિરોધી હરકતોને અંજામ અપાઈ રહ્યો હતો. જેમાં વિવાદાસ્પદ પરેડ, મંદિરો પર હુમલો, તિરંગાનું અપમાન સામેલ હતું. પરંતુ કેનેડામાં નવા વડાપ્રધાન માર્ક કાર્નીના શાસનકાળમાં પણ ખાલિસ્તાનીઓની હરકતો ચોંકાવનારી છે.
તસ્વીરોમાં દેખાઈ રહ્યું છે કે ગુરૂદ્વારાના પ્રવેશ દ્વારના કિનારે જ ખાલિસ્તાનીઓએ રિપબ્લિક ઓફ ખાલિસ્તાનનું બોર્ડ લગાવી દીધું છે. શીખ ફોર જસ્ટિસ ભારત સરકાર દ્વારા પ્રતિબંધિત સંગઠન છે. 2024માં કેન્દ્ર સરકારે આ સંગઠન પર 5 વર્ષ માટે પ્રતિબંધ લંબાવ્યો હતો. શીખ ફોર જસ્ટિસ ભારતમાં અલગ દેશ બનાવવાની માગ કરે છે અને તેના સભ્ય હિંસક ગતિવિધિઓમાં સામેલ છે. વર્ષ 2027માં તેની સ્થાપના થઈ હતી. આ સંગઠન ભાગેડૂ ગુરપતવંત સિંહ પન્નૂ દ્વારા સંચાલિત કરવામાં આવે છે. પન્નૂ ભારત વિરૂદ્ધ ભડકાઉ નિવેદનબાજી કરે છે અને ભારતમાં હિંસક ગતિવિધિઓની ધમકીઓ આપે છે.