ટ્રમ્પ પર મસ્કનો સનસનીખેજ આરોપ, 'એપસ્ટિન ફાઈલ્સ' માં અમેરિકન પ્રમુખ ટ્રમ્પનું પણ નામ
Trump vs Elon Musk News : અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને અબજોપતિ ઉદ્યોગપતિ ઇલોન મસ્ક વચ્ચે શાબ્દિક યુદ્ધ શરૂ થઇ ગયું છે. બંને વચ્ચે કડવાશનું સ્તર એટલું વધી ગયું છે કે ટેસ્લા અને સ્પેસએક્સના સીઈઓ એલોન મસ્કે સોશિયલ મીડિયા પર એક સનસનાટીભર્યો દાવો કર્યો છે કે ડોનાલ્ડ ટ્રમ્પનું નામ જેફરી એપસ્ટિન ફાઇલોમાં નોંધાયેલું છે. અને આ જ કારણ છે કે આ ફાઇલોને અત્યાર સુધી સંપૂર્ણપણે જાહેર કરવામાં આવી નથી.
મસ્કે X પર કર્યો મોટો ધડાકો
મસ્કે X (અગાઉ ટ્વિટર) પર લખ્યું કે હવે વાસ્તવિક બોમ્બ ફેંકવાનો સમય આવી ગયો છે... ડોનાલ્ડ ટ્રમ્પનું નામ એપસ્ટિન ફાઇલોમાં છે. આ જ વાસ્તવિક કારણ છે કે આ ફાઇલો ક્યારેય જાહેર કરવામાં આવી નથી. ત્યારપછી મસ્કે કટાક્ષમાં લખ્યું કે 'Have a Nice Dau DJT' એટલે કે તમારો દિવસ શુભ રહે, ડોનાલ્ડ જે. ટ્રમ્પ. આ પોસ્ટ બાદ મસ્કે તરત બીજી પોસ્ટ કરી, જેમાં તેમણે કહ્યું કે 'ભવિષ્ય માટે આ પોસ્ટને સાચવી રાખજો, સત્ય બહાર આવશે'.
ટ્રમ્પે મસ્ક પર વળતો પ્રહાર કર્યો
એપસ્ટિન ફાઇલો અંગે ઈલોન મસ્કના આરોપો બાદ ટ્રમ્પે વળતો પ્રહાર કર્યો છે. ટ્રમ્પે કહ્યું કે મને કોઈ પરવાહ નથી કે ઈલોન હવે મારી વિરુદ્ધ થઈ ગયો છે. પરંતુ તેમણે તે પહેલા જ કરી લેવું જોઈતું હતું. આ કોંગ્રેસ સમક્ષ રજૂ કરાયેલું અત્યાર સુધીનું સૌથી મોટું બિલ છે. તે ખર્ચમાં $1.6 ટ્રિલિયનનો ઘટાડો કરે છે અને ઇતિહાસનો સૌથી મોટો કર કપાત કરાયો છે. તેમણે ચેતવણી આપી હતી કે જો આ બિલ પસાર નહીં થાય, તો કર 68% સુધી વધી શકે છે અને તે વધુ ખરાબ સાબિત થશે. ટ્રમ્પે તેમના ભાષણનું સમાપન એમ કહીને કર્યું કે મેં આ ગડબડ કરી નથી, હું ફક્ત તેને સુધારવા આવ્યો છું. આ બિલ આપણા દેશને મહાનતાના માર્ગ પર લઈ જશે.
ટ્રમ્પનો ઈલોન અંગે મોટો દાવો
અહેવાલ અનુસાર, આ પોસ્ટ એવા સમયે કરવામાં આવી છે જ્યારે છેલ્લા કેટલાક દિવસોથી ઇલેક્ટ્રિક વાહન નીતિઓ અને ટેક્સ બિલ અંગે મસ્ક અને ટ્રમ્પ વચ્ચે જાહેરમાં બોલાચાલી થઈ રહી છે. ટ્રમ્પે મસ્ક પર નિશાન સાધ્યું હતું અને કહ્યું હતું કે મસ્ક ટ્રમ્પ ડિરેન્જમેન્ટ સિન્ડ્રોમથી પીડિત છે.
એપસ્ટિન ફાઇલ્સ શું છે?
જેફરી એપસ્ટિન એક અબજોપતિ અને કુખ્યાત ફાઇનાન્સર હતો. તેના પર સગીર છોકરીઓનું જાતીય શોષણ અને માનવ તસ્કરી જેવા ગંભીર આરોપો હતા. 2019 માં તેની ધરપકડ પછી, તેનું શંકાસ્પદ સંજોગોમાં જેલમાં મૃત્યુ થયું. તેની કોન્ટેક્ટ લિસ્ટને "એપસ્ટિન ફાઇલ્સ" કહેવામાં આવે છે, જે કોર્ટ દ્વારા લાંબા સમયથી સીલ કરવામાં આવી છે. અમેરિકન સમાજમાં 'એપસ્ટિન ક્લાયન્ટ્સ લિસ્ટ' એટલે કે તેમના હાઇ-પ્રોફાઇલ ગ્રાહકોની યાદી અંગે સતત ચર્ચા ચાલી રહી છે. આ ફાઇલોમાં ડઝનબંધ પ્રભાવશાળી વ્યક્તિઓના નામ હોવાનું કહેવાય છે, જેમાં રાજકારણીઓ, ઉદ્યોગપતિઓ અને હોલિવૂડ સ્ટાર્સનો સમાવેશ થઈ શકે છે.