Elon Musk AI Prediction: આજની એડવાન્સ ટેકનોલોજીના યુગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ(AI) દરરોજ વધુ સ્માર્ટ બની રહ્યું છે. ઈલોન મસ્કનુ માનવું છે કે, ટેકનોલોજી યોગ્ય માર્ગ પર છે અને જો આ ગતિએ પ્રગતિ ચાલુ રહેશે તો આગામી ચારથી પાંચ વર્ષમાં AI માણસો કરતાં વધુ સ્માર્ટ બની શકે છે.
ઈલોન મસ્કે શું કહ્યું?
મસ્ક સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. મસ્કે Peter H. Diamandis નામના એક બિઝનેસ મેનને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર પોતાના વિચાર શેર કર્યા હતા. Diamandis એ 'X' પર એક પોસ્ટમાં કહ્યું હતું કે, 'મનુષ્યનું ભવિષ્ય ફક્ત કમ્પ્યુટિંગ પાવર અને ઉર્જા પર આધારિત નથી, પરંતુ લોકોને નવા વિચારો ઉત્પન્ન કરવા અને મોટી સમસ્યાઓ ઉકેલવા માટે સાધનો અને સંસાધનોની પણ જરૂર છે.'

આ પોસ્ટનો જવાબ આપતા ટેસ્લા અને xAI ના CEO ઈલોન મસ્કે લખ્યું કે, 'AI આગામી ચારથી પાંચ વર્ષમાં એક વિશાળ છલાંગ લગાવવા માટે તૈયાર છે. AI એટલી ઝડપથી આગળ વધી રહ્યું છે કે તે મનુષ્યો કરતાં વધુ સ્માર્ટ બની શકે છે. AI વિશ્વને બદલી શકે છે અને ઘણી રીતે માનવોને પાછળ છોડી શકે છે.'
AI માં અબજોનું રોકાણ
મસ્કનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે OpenAI, Meta, Google, Anthropic અને xAI જેવી કંપનીઓ AI માં અબજોનું રોકાણ કરી રહી છે. તેમનો ઉદ્દેશ્ય ઝડપી અને વધુ શક્તિશાળી AI સિસ્ટમ્સ વિકસાવવાનો છે. આજે આ AI સિસ્ટમ્સ વિવિધ કાર્યો કરી રહી છે, જેમાં કમ્પ્યુટર કોડ લખવા, કન્ટેન્ટ બનાવવા અને જટિલ સમસ્યાઓ હલ કરવાનો સમાવેશ થાય છે. આ જ કારણ છે કે AI ની ક્ષમતાઓ સતત વધી રહી છે.
AI માનવ ભવિષ્ય બદલી શકે છે?
મસ્કનું માનવું છે કે, ભવિષ્યમાં ઓટોમેશન મુખ્ય ભૂમિકા ભજવશે. ટેસ્લાના હ્યુમનૉઇડ રોબોટ્સ જેવા AI અને સ્માર્ટ રોબોટ્સ ઘણા કાર્યોમાં મનુષ્યોનું સ્થાન લઈ શકશે. રોબોટ્સ અને AI ખતરનાક નોકરીઓ, પુનરાવર્તિત ફેક્ટરી કાર્યો અને અન્ય ઘણા શ્રમ કાર્યો સંભાળી શકે છે. આમ, ઉત્પાદન ખર્ચ ઘટાડી શકે છે અને વસ્તુઓ સસ્તી બનાવી શકે છે.


