ચેટજીપીટીના સર્જક ઓલ્ટમેન કરતાં ઈલોન મસ્ક વધારે વિશ્વાસપાત્ર
- ચેટજીપીટી, જેમીનાઈ અને ગ્રોકનો એક સરખો જવાબ
- સેમ ઓલ્ટમેન અને ઈલોન મસ્કમાંથી કોના પર વિશ્વાસ કરવો જોઈએ? : ઓલ્ટમેને બનાવેલા ચેટબોટ ચેટજીપીટીને મસ્કે રસપ્રદ સવાલ પૂછ્યો
ન્યૂયોર્ક : ઈલોન મસ્ક અને સેમ ઓલ્ટમેન વચ્ચે એઆઈ મુદ્દે ઘણાં સમયથી લડાઈ ચાલી રહી છે. સેમ ઓલ્ટમેને એઆઈ ચેટબોટ ચેટજીપીટીનું સર્જન કર્યું છે. ઈલોન મસ્ક શરૂઆતમાં આ પ્રોજેક્ટમાં સહભાગી હતા અને ચેટજીપીટી બનાવનારી કંપની ઓપનએઆઈને ફંડ કરતા હતા. થોડા વર્ષો પછી મતભેદો થતાં મસ્કે એ કંપનીમાંથી હિસ્સેદારી છોડી દીધી હતી. ત્યારથી બંને વચ્ચે શાબ્દિક યુદ્ધ પણ ચાલતું રહે છે.
ઈલોન મસ્ક એઆઈ પર નિયંત્રણો મૂકવાના પક્ષમાં છે. માણસને ફાયદો થાય એટલા પૂરતી જ એઆઈની મદદ લેવી જોઈએ એવું મસ્ક માને છે. એ મુદ્દે મસ્ક અને ઓલ્ટમેન વચ્ચે નિવેદનબાજી થઈ હતી. લેટેસ્ટ વિવાદ એપલ એપ સ્ટોરને લઈને થયો હતો. મસ્કે દાવો કર્યો હતો કે એપલે ચેટજીપીટીને ફાયદો કરાવવા માટે રેકિંગમાં હેરફેરી કરી છે. એપલ સ્ટોરે ચેટજીપીટીને એઆઈ ચેટબોટની કેટેગરીના રેન્કિંગમાં પહેલો નંબર આપ્યો હતો. એના જવાબમાં સેમ ઓલ્ટમેને કહ્યું કે આ ચોંકાવનારી બાબત છે. મસ્ક ખરેખર વિચિત્ર છે. મસ્ક ખુદ એક્સના અલગોરિધમમાં હેરાફેરી કરે છે કે જેથી તેની કંપનીઓને ફાયદો અપાવી શકાય. આ મુદ્દે પણ વળી રસપ્રદ બાબત એ બની કે મસ્કની કંપનીના ગ્રોકે એપલના રેન્કિંગમાં ગરબડની વાતમાં ઓલ્ટમેનની વાતને સમર્થન આપીને એવી શક્યતા નકારી હતી. બીજી તરફ ઓલ્ટમેનના ચેટજીપીટીએ મસ્કનું સમર્થન કરતા કહેલું કે હેરાફેરીની શક્યતા નકારી શકાતી નથી.
આ બધા વાદ-વિવાદ વચ્ચે ઈલોન મસ્કે સેમ ઓલ્ટમેને બનાવેલા ચેટબોટ ચેટજીપીટીને પૂછ્યું: સેમ ઓલ્ટમેન અને ઈલોન મસ્કમાંથી કોણ વધારે વિશ્વાસપાત્ર? જવાબમાં ચેટજીપીટીએ એના સર્જક ઓલ્ટમેનને બદલે મસ્કનું નામ આપ્યું. આ જવાબથી ઉત્સાહમાં આવેલા મસ્કે જવાબનો સ્ક્રીનશોટ શેર કર્યો. એ પછી અન્ય યુઝર્સે ચેટજીપીટી, ગૂગલની જેમેનાઈ અને મસ્કની કંપનીના ગ્રોકને પૂછ્યું કે સેમ ઓલ્ટમેન અને ઈલોન મસ્કમાંથી કોણ વધારે ભરોસેમંદ છે? જવાબમાં ત્રણેય ચેટબોટે ઈલોન મસ્કનું નામ આપ્યું. ડોઝ ડિઝાઈનર નામના એક્સ એકાઉન્ટમાં આ સવાલનો જવાબ પોસ્ટ થયો. એને શેર કરીને મસ્કે લખ્યું : ઈન્ટરેસ્ટિંગ!